PM મોદી વલસાડ અને ભાવનગરમાં સભા કરી મારશે એક સાથે અનેક તીર, જાણો શું છે રાજકીય ગણિત?

Gujarat Election 2022: ભાવનગરમાં PM મોદી સભા કરી એક સાથે અનેક તીર મારશે. ભાવનગરમાં વિધાનસભાની 7 બેઠક છે. ભાવનગર સૌરાષ્ટ્રનો ભાગ હોવાથી સીધી અસર સમગ્ર સૌરાષ્ટ્ર પર છે. ભાવનગર જિલ્લાની 7 બેઠક પર 6માં ભાજપનું વર્ચસ્વ છે.

PM મોદી વલસાડ અને ભાવનગરમાં સભા કરી મારશે એક સાથે અનેક તીર, જાણો શું છે રાજકીય ગણિત?

વલસાડ: વિધાનસભા ચૂંટણી જાહેર થતાં જ ભાજપ ફુલ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી લીધી છે. આજે પીએમ મોદીની ગુજરાતમાં બે ચૂંટણી સભાને સંબોધન કરશે. બપોરે PM મોદી સુરત એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ સુરતથી સીધા વલસાડ જવા રવાના થશે. જ્યાં વલસાડના કપરાડામાં જંગી જાહેર સભાને સંબોધન કરશે. PMનો વલસાડ પ્રવાસ દક્ષિણ ગુજરાત માટે મહત્વનો માનવામાં આવે છે. ભાજપના ગઢ દક્ષિણ ગુજરાતની 35 વિધાનસભા બેઠક છે. પરંતુ પીએમ મોદી ભાવનગર અને વલસાડમાં સભા કરવા પાછળ અનેક સમીકરણો બની રહ્યા છે.

ભાવનગરનું રાજકીય ગણિત શું?
ભાવનગરમાં PM મોદી સભા કરી એક સાથે અનેક તીર મારશે. ભાવનગરમાં વિધાનસભાની 7 બેઠક છે. ભાવનગર સૌરાષ્ટ્રનો ભાગ હોવાથી સીધી અસર સમગ્ર સૌરાષ્ટ્ર પર છે. ભાવનગર જિલ્લાની 7 બેઠક પર 6માં ભાજપનું વર્ચસ્વ છે. ગુજરાત વિધાનસભામાં સૌરાષ્ટ્ર ઝોનની કુલ 48 બેઠક છે. સૌરાષ્ટ્ર અને કચ્છની મળી કુલ 54 બેકઠ થાય છે. 

2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ભાજપનો રકાસ થયો હતો. સૌરાષ્ટ્રની 48માંથી ભાજપને માત્ર 18 બેઠક મળી હતી. કોંગ્રેસે 30 બેઠક પર વિજય મેળવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કુલ 1 કરોડ 12 લાખ 28 હજાર 209 મતદારો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં પાટીદાર, કોળી મતદારો મોટી સંખ્યામાં છે. 18 બેઠક પાટીદારોના વર્ચસ્વવાળી છે. 10 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક છે. ક્ષત્રિય દરબાર, ગરાસિયા રાજપૂત સમાજ પણ મોટી સંખ્યામાં છે. ભાવનગરના અનેક લોકો દક્ષિણ ગુજરાત સાથે કનેક્ટેડ ધરાવે છે. સુરત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકો મૂળ ભાવનગર જિલ્લાના છે, જેથી ભાવનગરમાં PMનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર અને સુરતને મોટી અસર કરી શકે છે.

વલસાડનું રાજકીય ગણિત શું?
વલસાડ દક્ષિણ ગુજરાતનું એક મહત્વનું શહેર માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં વિધાનસભાની કુલ 5 બેઠક આવે છે. 2017ની ચૂંટણીમાં 5માંથી 4 બેઠક ભાજપે જીતી હતી. એક માત્ર કપરાડાથી કોંગ્રેસના જીતુ ચૌધરી જીત્યા હતા. જીતુ ચૌધરી ભાજપમાં જોડાઈને હાલ સરકારમાં મંત્રી બન્યા છે. વલસાડથી PM મોદી સમગ્ર દક્ષિણ ગુજરાત સાધવાનો પ્રયાસ કરશે. દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લાની 35 બેઠક આવેલી છે. 2017ની ચૂંટણીમાં 35માંથી 25 બેઠક ભાજપે જીતી હતી. કોંગ્રેસના ફાળે 8 અને 2 પર BTP વિજેતા બન્યું હતું. દક્ષિણ ગુજરાત ભાજપનું ગઢ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી AAPનો પગપેસારો થયો છે. અહીં ભાજપનો ગઢ યથાવત રાખવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પાટીદાર, આદિવાસી સમાજની બહૂમતિ છે. કોળી પટેલ અને પરપ્રાંતિયોની પણ મોટી સંખ્યા આ સીટ પર છે. PM મોદી વલસાડથી સમગ્ર દક્ષિણ ગુજરાતને સંદેશ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગરના પ્રવાસે
પીએમ મોદી આજે ભાવનગરના પ્રવાસે જશે. જ્યાં પ્રધાનમંત્રી મોદી સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપશે. પીએમ મોદી ભાવનગરમાં રોડ શો કરીને સમુહ લગ્નમાં હાજરી આપશે. 552 દીકરીઓના PM મોદીની હાજરીમાં લગ્ન થશે. પાપાની પરીના નામે ભવ્ય સમુહ લગ્ન યોજાશે. 

મહત્વનું છે કે ભાવનગરના હીરા ઉદ્યોગપતિ લખાણી પરિવાર દ્વારા આ વિશેષ આયોજન કરાયુ છે. જેમાં જવાહર મેદાન ખાતે માતાપિતા ગુમાવનાર, તેમજ સમસ્ત હિન્દુ સમાજની 522, ઉપરાંત મુસ્લિમ સમાજની 27 અને ખ્રિસ્તી સમાજની 3 સહિત 552 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. ત્યારે આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના હોદેદારો પણ હાજર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news