અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
America Deports 33 Gujaratis : અમેરિકાથી પરત આવેલા ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા... ૩૩ નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુંક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા... નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા
Trending Photos
Gujarat Government : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
અમેરિકામાંથી પરત ફરેલા ૧૦૪ ભારતીય નાગરિકો પૈકી ૩૩ નાગરિકો ગુજરાત રાજ્યના છે. તા.૦૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ, આ નાગરિકોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશનની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે આ તમામ ૩૩ નાગરિકોને ઘર સુધી સલામત રીતે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ૩૩ નાગરિકોના રહેણાક વિસ્તારની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરવામાં આવી, જેમના માર્ગદર્શન હેઠળ તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે આ નાગરિકોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગુજરાતના ૩૩ નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. અમૃતસર ખાતે ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ગુજરાતના આ તમામ ૩૩ નાગરિકોને વાયા દિલ્હી ફ્લાઈટ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ આજે વહેલી સવારે ૬:૧૦ કલાકે પહોંચ્યા હતા.
કોંગ્રેસના સવાલ
સમગ્ર ઘટના અંગે ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે આક્ષેપ મૂકતા કહ્યું કે, અમેરિકાએ સંપુર્ણ અમાનવીય વ્યવહાર કરી ભારતીયોને હાથ માં હથકડી અને પગમાં બેડીઓ પહેરાવી એકફોર્સના કાર્ગો વિમાનમાં ભારત મોકલ્યા ભારતીય નાગરીકો સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો. જેમાં બેહનો દીકરીઓ સાથે ૩૩ ગુજરાતીઓ હતા. અમેરિકાએ કરેલા આ વ્યવહાર માત્ર ગણ્યા ગાંઠ્યા નાગરિકોનું નહી ભારત માતા અને સમગ્ર દેશનુ અપમાન છે. આવા પ્રસંગે દરેકે એક થઇને અમેરિકાને લાલ આંખ બતાવવાની જરૂર હતી. ભારતના વિદેશ પ્રધાન રાજ્યસભામાં જ્યારે નિવેદન આપવા આવવાના હતા ત્યારે કડક વલણ લેશે એવી આશા હતી. વિદેશ મંત્રીએ કડક વલણ ન દાખવ્યુ અને અમેરિકાએ જે કર્યુ તે બરાબર છે અને આપણે એજ લાગના હતા તે વલણ અપનાવ્યું. કોંગ્રેસ અને વિપક્ષે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા કે શા માટે આપણી સરકાર એવુ સ્વીકારે છે કે તે ગેરકાયદે હતા. આ નિર્ણય અમેરિકાનો છે. આપણા લોકોની વાત અપીલ આપણે કરવી જોઇએ. નાગરિકોને કાઉન્સીલર એક્સેસ કેમ ન અપાયો તે અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, જો નાગરિકની વિનંતી આવે તો કાઉન્સીલર એક્સેસ આપી શકાય. જે લોકો જેલમાં હોય એ કંઇ રીતે કાઉન્સિલર એક્સેસ માંગી શકે. તેમની સાર સંભાળ લેવાની અને એક્સેસ માંગવાની જવાબદારી આપણી સરકારની છે. વિપક્ષે સવાલ કર્યો કે જે કમાણીથી નાગરિકોએ મિલકતો ઉભી કરી હોય એ પરત લેવા સરકાર શું કરશે તો તેનો પણ જવાબ મંત્રી પાસે ન હતો. શા માટે નાગરિકો પરિવાર અને વતન છોડી અમેરિકા જાય છે તેનો જવાબ પણ મંત્રી પાસે ન હતો. જે ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે રજુ કરવામાં આવે છે વિકસિત રાજ્ય કહેવામાં આવે છે ત્યાં તમે રોજગાર નથી. નાના મોટા ધંધા માટે સુવિધા આપતા નથી. માત્ર ભાજપને ધન ભંડોળ આપનારા મોટા ઉદ્યોગપતિઓ માલામાલ થાય છે. અહી નોકરી કાયમી નથી. આઉટ સોર્સીગ અને ફીક્સ પગાર છે. વારંવાર પેપર ફુટે છે માટે ગુજરાતીઓ અમેરીકા જાય છે. આ અંગે પણ મંત્રીએ કોઇ જવાબ ન આપ્યો શા માટે આપણા નાગરીકોને જાનવરની જેમ વિમાનમાં લવાયા આપણા દેશની ફરજ ન હતી. તેમના માટે વિમાનમાં બેસી અહીં લાવવાની વ્યવસ્થા કરવાની આ અંગે જવાબ ન આપતાં વિપક્ષે રાજ્યસભામાંથી વોક આઉટ કરવાની ફરજ પડી .
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે