નકલી ટોલબૂથ કાંડમાં આ સવાલોના જવાબ ક્યારે મળશે? પાટીદાર આગેવાનનો દીકરો પોલીસ પકડથી દુર
મોરબી જીલ્લાના વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા.
Trending Photos
હિમાંશું ભટ્ટ/મોરબી: જિલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ભાજપના આગેવાન સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે. જો કે, આ ગુનામાં હજુ પણ પાટીદાર આગેવાનના દીકરાની ધરપકડ કરવાની બાકી છે.
મોરબી જીલ્લાના વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા.
જે અંગેની ગત તા 4 ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને 6 શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ગુનામાં હાલમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ ગુનામાં પહેલા પોલીસ દ્વારા આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ દ્વારા આ ગુનામાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે. જો કે, આ ગુનામાં હજુ પણ પાટીદાર સમાજના આગેવાન જેરામભાઇ વાસજાળિયાના દીકરા અમરશીભાઈ જેરામભાઈ પટેલને પકડવાના બાકી છે.
મોરબી જિલ્લામાં ધમધમતા બોગસ ટોલનાકા મામલે જે ફરિયાદ નોંધાઈ હતી. તેમાં જે આરોપીઓનું નામ જોગ ઉલ્લેખ હતો, તે મુજબના આરોપીઓને હાલમાં પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે. જોકે દરરોજ ત્યાં ગેરકાયદેસર ઉઘરાણા કરવા માટે કોણ બેસતા હતા? કોના કહેવાથી બેસતા હતા? રોજનું કલેક્શન કેટલું હતું ? અને તે રૂપિયા કોને આપવામાં આવતા હતા ? તે સહિતની બાબતનો આજ દિવસ સુધી કોઈ ખુલાસો થયેલ નથી. જોકે આગામી દિવસોમાં પોલીસ તપાસમાં તે હકીકત બહાર આવશે કે કેમ તે પણ સમય જ બતાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે