ભારતનું એકમાત્ર એવું મંદિર, જ્યાં પ્રસાદમાં અપાય છે માટી, પણ હોય છે એક શરત

Bahucharaji Ma Temple ShaktiPeeth : ભક્તિ હોય તો વલ્લભ ભટ્ટ જેવી... શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં ભક્તોને પ્રસાદ રૂપે અપાય છે વાવની માટી... અહીં પ્રસાદ રૂપે આપવામાં આવતી માટીમાં ભક્તોની અનેરી આસ્થા સંકળાયેલી છે... અહીં આવતા ભક્તો પોતાની આસ્થા સાથે લઈ જાય છે પ્રસાદ રૂપે વાવની માટી... પોતાની મનોકામના પૂર્ણ થતાં માટી વલ્લભ ભટ્ટ વાવ મંદિર પરત કરવાની છે માન્યતા

ભારતનું એકમાત્ર એવું મંદિર, જ્યાં પ્રસાદમાં અપાય છે માટી, પણ હોય છે એક શરત

Religious News તેજસ દવે/મહેસાણા : દેવસ્થાનોમાં પ્રસાદનું સવિશેસ મહત્વ હોય છે ત્યારે ભારતભર માં એક માત્ર એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે માટી અપાય છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટ વાવ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક છે. જ્યાં પ્રસાદ રૂપે વાવની માટી અપાય છે. આવો જાણીએ આ સ્થાનક સાથે સંકળાયેલ ગાથા અને પ્રસાદ રૂપે અપાતી માટી વિશે.

શક્તિપીઠ બહુચરાજી મંદિર જે ભક્તો માટે આસ્થાનું પ્રતીક રહ્યું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની અનેક મનોકામના માટે માં બહુચરને આજીજી કરી બાધા રાખતા હોય છે. ત્યારે બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટની વાવ મંદિર પણ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આશ્ચર્યની બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓને બાધા પ્રસાદ રૂપે અપાય છે વાવની પવિત્ર માટી. આ મંદિર પાસે એક વાવ આવેલી છે. જે વાવ 350 વર્ષ પુરાણી માનવામાં આવે છે. બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટને આ જગ્યાએ માતાજીએ પરચો પૂર્યો હોવાની માન્યતા છે.

350 વર્ષ પૂર્વે માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ અમદાવાદ નવાપુરાથી એક પગપાળા સંઘમાં બહુચરાજી આવવા જોડાયા હતા. ત્યારે માતાજીના દર્શન કર્યા બાદ અન્ન જળ લેવાનો ભક્ત વલ્લભે નિર્ધાર કર્યો હતો. માં બહુચરના નાદ સાથે આ પગપાળા સંઘ બહુચરજીથી માત્ર 2 કિમી દૂર આવી પહોંચ્યો અને ભક્ત વલ્લભ હવે આગળ ચાલવા અસમર્થ બન્યા. ત્યારે સંઘમાં આવેલ અન્ય ભક્તોએ ભક્ત વલ્લભને પાણી પીવા કહ્યું. ત્યારે માં બહુચરની ભક્તિમાં તરબોળ થયેલા વલ્લભે પાણી પીવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું કે હવે જો માની ઈચ્છા હશે તો હું તેના દ્વારે પહોંચીશ, પણ જળ ગ્રહણ નહિ કરું. આથી વલ્લભ ભટ્ટે માતાજીને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે હવે હું તારા મંદિર સુધી પહોંચી શકવા સમર્થ નથી. તારી કૃપા થાય અને તું મને અહીં દર્શન આપે તો હું જલ પાન કરી તારા દ્વાર સુધી પહોંચી શકું. આમ ભક્તની આજીજી સાંભળી માતાજીએ દર્શન આપી બાજુમાં પડેલ એક પથ્થર હટાવવાનું કહ્યું હતું. આમ વલ્લભભટ્ટ દ્વારા પથ્થર હટાવતા પાણીની ધારા ફૂટી હતી અને તેમને અને સાથી સંઘના લોકોએ આ પાણી પીધા બાદ બહુચરાજી પહોંચ્યા હતા. 

No description available.

મંદિરના પૂજારી તુષાર ભટ્ટ કહે છે કે, વલ્લભ ભટ્ટ દ્વારા જે પથ્થર હટાવવાથી પાણીની ધારા ફૂટી હતી, ત્યાં સમયાંતરે વાવનું નિર્માણ થયું હતું. આ વલ્લભ ભટ્ટ વાવ મંદિર શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ, વિદેશ ગમન, અસાધ્ય રોગમાંથી મુક્તિ માટે, મકાન તેમજ ધંધાની પ્રગતિ માટે અહીં બાધા રાખતા જોવા મળે છે. અહીં શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે વાવની માટી આપવામાં આવે છે. અહીંથી આપવામાં આવતી વાવની માટી પોતાના ઘેર દેવ સ્થાન મંદિરમાં મૂકી સેવા પૂજા કરવામાં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા માટી પરત મુકવા આવવાની પ્રથા જોવા મળે છે. ભક્તો પાસે આ વિશે પૂછતાં અનેક લોકોએ આ માટીથી માતાજીએ અનેક કામ કર્યા હોવાનું જણાવી રહ્યા છે.

No description available.

પ્રસાદમાથી મંદિરને થાય છે આવક 
નોંધનીય બાબત એ છે કે આ વાવની માટીથી અનેક લોકોની મનોકામના પૂર્ણ થઇ હોવાનું સ્થાનિકો તેમજ પૂજારી જણાવી રહ્યા છે. આમ આ વાવની માટીમાંથી બહુચરાજી મંદિરને વર્ષે અંદાજે 9 લાખ આસપાસની આવક પણ થતી હોવાનું પણ જાણવા મળે છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટ વાવ મંદિરમાં ભક્તોને આપવામાં આવતી પ્રસાદ રૂપે માટીથી મંદિર ટ્રસ્ટને વર્ષે અંદાજે 9 લાખ જેટલી આવક પણ થઇ રહી હોવાનું મંદિરના અધિકારી જણાવી રહ્યા છે. આ આવકથી આવનારા શ્રદ્ધાળુઓની શુંખાકારી માટે સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. 

No description available.

બહુચરાજી મંદિર હસ્તકની આ વાવ એક કુદરતી હરિયાળી વચ્ચે સુંદર વનરાજીથી શુસોભિત આ વાવ મંદિર ભાષી રહ્યું છે. માતાજીના વાહન ગણાતા કુકડાના મીઠા સૂરોથી પણ આ મંદિર ગુંજી રહ્યું છે. નાના ભૂલકાનો માટે અહીં ટ્રસ્ટ દ્વારા બાલ ક્રીડાંગણ પણ બનાવેલ હોવાથી પરિવારો અહી મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે હાલ આ વલ્લભ ભટ્ટ વાવ મંદિર બહુચરાજીનું એક પર્યટક સ્થળ માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news