પરિવારે તરછોડ્યું, ભગવાને બચાવ્યું : ત્યજી દેવાયેલું બાળક કિસ્મતને હરાવી મોત સામે ચમત્કારિક રીતે જંગ જીત્યું

ગણેશોત્સવ ચાલી રહ્યો છે, આજે પાંચમો દિવસ છે. ચાર દિવસ ઘરમાં રહેલા ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા જાય છે, ત્યારે લોકોના આંખોમાં આંસુ આવી જાય છે. તો બીજી તરફ ગીર સોમનાથના ડારી ગામે કુમળા ફૂલ જેવું સાત દિવસનું બાળક મૃત્યુ ખાતર ફેંકી દેવાયેલ જોઈને આસું આવી ગયા. સાથે જ ફીટકાર પણ વરસાવ્યો કે, સમાજમાં આજે પણ દાનવો જીવે છે. માત્ર 7 દિવસનું બાળક, જેને મૃત્યુ માટે ત્યજી દેવાયું હતું, તે કમળો અને કિસ્મતને હરાવી મોત સામે ચમત્કારિક રીતે જંગ જીત્યું છે.

પરિવારે તરછોડ્યું, ભગવાને બચાવ્યું : ત્યજી દેવાયેલું બાળક કિસ્મતને હરાવી મોત સામે ચમત્કારિક રીતે જંગ જીત્યું

કૌશલ જોશી/ગીર સોમનાથ :ગણેશોત્સવ ચાલી રહ્યો છે, આજે પાંચમો દિવસ છે. ચાર દિવસ ઘરમાં રહેલા ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા જાય છે, ત્યારે લોકોના આંખોમાં આંસુ આવી જાય છે. તો બીજી તરફ ગીર સોમનાથના ડારી ગામે કુમળા ફૂલ જેવું સાત દિવસનું બાળક મૃત્યુ ખાતર ફેંકી દેવાયેલ જોઈને આસું આવી ગયા. સાથે જ ફીટકાર પણ વરસાવ્યો કે, સમાજમાં આજે પણ દાનવો જીવે છે. માત્ર 7 દિવસનું બાળક, જેને મૃત્યુ માટે ત્યજી દેવાયું હતું, તે કમળો અને કિસ્મતને હરાવી મોત સામે ચમત્કારિક રીતે જંગ જીત્યું છે.

ગીર સોમનાથમાં જન્મજાત કમળાથી નબળું પડેલા બાળકને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને કોથળામાં વીંટીને મરવા માટે જ અવાવરું રસ્તાની બાજુમાં ઝાડીઓમાં ફેંકી દેવાયું હતું. બાળક રડે છે અને ત્યાંથી નીકળતા રાહદારીને બાળકની એ નબળી કણસ સંભળાય છે અને બાળકનો બચાવ થાય છે. આ ઘટના સામાન્ય નથી, ગુજરાતમાં ત્યજી દેવાયેલા બાળક-બાળકીઓના કિસ્સા અસંખ્ય છે. પરંતું નબળી શારીરિક શક્તિ ધરાવતું આ બાળક જીવી જાય તે  આ એ વાતનો પુરાવો છે કે આપણા સૌની ઉપર કોઈ શક્તિ છે જે મૃત્યુના મુખમાંથી પણ બાળકને જીવાડીને સલામત હાથોમાં પહોંચાડે છે. કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, જે આવી સ્થિતિમાં પૂરેપૂરી સાર્થક સાબિત થાય છે.

ગીર સોમનાથના વેરાવળ તાલુકાનું ડારી ગામ કે જ્યાં રાત્રિના સમયે નિર્જન રસ્તા પરથી પસાર થઈ રહેલા જાવેદભાઈ શામદાર અને તેમના મિત્રોને રસ્તાની નજીકની ઝાડીઓમાં ધીમો એવો અવાજ આવે છે. યુવાનો આ અવાજ શેનો છે તે જોવા જાય છે અને જે દ્રશ્ય જોઈ છે તે પથ્થર દિલ વ્યક્તિનું પણ હૃદય પીગળાવી નાખે તેવું હોય છે. સિમેન્ટ અને રેતી ભરવાના લીલા થેલામાં પ્લાસ્ટિકની થેલીની અંદર પુરાયેલું હતું એક ખૂબ નાનું બાળક. જેના શરીર ઉપર કાદવ કીચડ ચોંટેલું હતું. નાજુક પણ છોલાયેલી ચામડી, શરીર પર લાગેલા ઘા અને તેમાંથી નીકળતું લોહી, અને બધા ઉપર થેલીમાં પેક હોવાને કારણે દબાયેલો શ્વાસ, મૃત્યુ તરફ ધક્કો મારતી આ તમામ પરિસ્થિતિમાં જાણે ખૂબ નબળા શરીરથી સાતેક દિવસનું બાળક જાણે મૃત્યુની સામે જંગે ચડ્યું હતું. એ બાળકને જાણે જગતનો તાત મદદ કરવા માંગતો હતો તે રીતે ત્યાંથી પસાર થતા લોકોને ખૂબ તીણો અવાજ આવ્યો અને આ બાળકને જીવન મરણની જંગમાં ડારી ગામના લોકોનો સાથ મળ્યો.

ગામ લોકો દ્વારા સોમનાથ મરીન પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી પોલીસ અને 108 વાયુવેગે ઘટના સ્થળે પહોંચ્યા. ડારી ગામનો મેડિકલ સ્ટાફ પણ બાળકની સાથે 108 માં ઈમરજન્સી કેસ સાથે સિવિલ હોસ્પિટલે પહોંચ્યો. અગાઉ જ મળેલા સંદેશને કારણે ડોક્ટર અજય ઝાલા અને તેમનો મેડિકલ સ્ટાફ બાળકની સારવારની તૈયારી કરી ચૂક્યો હતો. બાળકને સૌપ્રથમ સાફ કરીને તેની ઈજાઓને બિનજ્વલનશીલ એન્ટી સેપ્ટિકથી સાફ કરવામાં આવી અને બાળકનું ઓક્સિજન ઓછું હોવાથી ઝડપભેર તેને ઓક્સિજન આપવામાં આવ્યું. તપાસ કરતા ડોક્ટરને ખ્યાલ આવ્યો કે બાળકને જન્મ સમયથી જ કમળો હશે અને તેની ઉંમર સાત કે આઠ દિવસની હશે. બાળકને કમળાની સારવાર માટે જરૂરી ઈન્જેક્શન અને દવાઓ આપવાથી બાળકની સ્થિતિમાં ઘણો સુધાર જોવા મળ્યો હતો. આ રીતે કમળાની સામે જન્મથી જ અને દુર્ભાગ્ય અને મૃત્યુની સામે કલાકોથી જંગે ચડેલા આ 7 દિવસના ફૂલ જેવા બાળકનો જીવન મરણના યુદ્ધમાં વિજય થયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news