ભાજપ રાજકોટ સિવાય જામનગર પણ હારશે આવો કોણે કર્યો દાવો, તો સામે ભાજપે કહ્યું-25માંથી 25 જીતીશું
BJP On Rupala Controversy : ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ દાવો કર્યો કે, ગુજરાતમાં ક્ષત્રિય ચળવળને કારણે તેઓ પાંચ લાખ મતોથી જીતીને 25 બેઠકોનો દાવો કરવાનું ભૂલી ગયા છે
Trending Photos
Lok Sabha Election 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાના મતદાન બાદ ક્ષત્રિય સમાજની આંદોલન સમિતિએ મોટો દાવો કર્યો છે. સમિતિએ કહ્યું કે ભાજપ રાજ્યમાં ઓછામાં ઓછી સાત બેઠકો ગુમાવી શકે છે. ક્ષત્રિય સમાજની સમિતિએ પોતાના કંટ્રોલ રૂમમાં મળેલા ફીડબેક પરથી આ દાવો કર્યો છે. જોકે, પાટીલે કહ્યું હતું કે અમે 25માંથી 25 બેઠકો જીતી રહ્યાં છે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન બાદ ક્ષત્રિય આંદોલન સમિતિએ મોટો દાવો કર્યો છે. સમિતિએ જણાવ્યું છે કે ગુજરાતમાં મતદાનની ટકાવારી ઓછી રહી હોવા છતાં ક્ષત્રિય સમાજ અને તેના સહયોગી સમાજોએ 80 ટકા મતદાન કર્યું છે. આવી સ્થિતિમાં ભાજપને રાજ્યમાં ઓછામાં ઓછી સાત બેઠકો ગુમાવવી પડી શકે છે. આ દાવો ક્ષત્રિય આંદોલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કર્યો છે. ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ ચાવડાએ જણાવ્યું હતું કે અમારા આંદોલનની પાર્ટ-2ની રાજ્યમાં વ્યાપક અસર થઈ છે.
સંકલન સમિતિનો મોટો દાવો
ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ઓળખની લડાઈમાં અમને અન્ય સમાજનો પણ સાથ મળ્યો છે. ચાવડાએ કહ્યું કે અમને જે પ્રતિસાદ મળ્યો છે. તે હિસાબે ભાજપ સાત બેઠકો ગુમાવી રહી છે અને ચાર બેઠકો એવી છે કે જ્યાં જબરદસ્ત રસાકસી છે. ચાવડાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં ક્ષત્રિય ચળવળને કારણે તેઓ પાંચ લાખ મતોથી જીતીને 25 બેઠકોનો દાવો કરવાનું ભૂલી ગયા છે.
ચાવડાએ જણાવ્યું હતું કે, સમાજનું આંદોલન સફળ રહ્યું છે. અમને સાથ આપનાર તમામ લોકો અને અન્ય સમાજના લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. ગુજરાતમાં ક્ષત્રિયોએ રાજકોટથી ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, પરંતુ ભાજપે તેમની ટિકિટ રદ કરી ન હતી. આ પછી ક્ષત્રિયોએ ઓપરેશન 26 શરૂ કર્યું હતું, પરંતુ સુરત બેઠક પર ભાજપની બિનહરીફ જીત બાદ ઓપરેશન 25 કરવામાં આવ્યું હતું.
ઓછા મતદાનથી ભાજપને થશે નુકસાન!
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં રાત્રે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ 25 લોકસભા બેઠકો પર 56.76 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા માટે થયું હતું. ઓછા મતદાન વચ્ચે ક્ષત્રિય સમાજનું વધુ મતદાન થયું હોવાનો દાવો કરતી સંકલન સમિતિએ રાજકોટમાંથી રૂપાલાની હાર નિશ્ચિત હોવાનું અનુમાન આપ્યું છે. ક્ષત્રિય સમાજ વતી જણાવાયું છે કે રાજકોટની સાથે જામનગર બેઠક પર પણ ભાજપનો પરાજય થશે. જામનગરમાંથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે.
જોકે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ઉનાળું વેકેશન અને ગરમીને કારણે 4થી 5 ટકા મતદાનમાં ઘટાડો થયો છે, પણ અમે 25માંથી 25 બેઠકો જીતીશું. જોકે, એ પણ ના ભૂલવું જોઈએ કે 2004માં અને 2009માં 45 ટકાની આસપાસ મતદાન વચ્ચે કોંગ્રેસને ફાયદો થયો હતો. હાલમાં આ મતદાનનો આંક 60 ટકાની આસપાસ છે. જેટલું વધુ મતદાન એટલો ભાજપને ફાયદો થાય છે. ભલે સંકલન સમિતિ હાલમાં દાવાઓ કરતી પણ વધુ મતદાન એ ભાજપને ફાયદો કરાવે છે એ ભૂતકાળ સાક્ષી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે