NDDBએ સંવાદ કાર્યક્રમની શરૂ કરી ડિજિટલ સિરીઝ, દેશભરના પશુપાલકોને મળશે લાભ

એનડીડીબીના નિષ્ણાતોએ પશુપાલકો અને અન્ય હિતધારકો દ્વારા પૂછવામાં આવેલા સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપ્યાં હતાં. વેબિનારના સત્ર પહેલાં 500થી વધુ લોકો દ્વારા કૉઑપરેટિવ ડેરી ઉદ્યોગ અને ડેરી પશુપાલનના સારા વ્યવહાર સંબંધિત 500થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં.

NDDBએ સંવાદ કાર્યક્રમની શરૂ કરી ડિજિટલ સિરીઝ, દેશભરના પશુપાલકોને મળશે લાભ

લાલજી પાનસુરીયા, આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)એ ડેરી સહકારી સેક્ટર સાથે સંકળાયેલા તમામ હિતધારકો (ખાસ કરીને પશુપાલકો)ને સાંકળતી ‘એનડીડીબી સંવાદ’ નામની એક પરસ્પર સંવાદાત્મક ડિજિટલ વેબિનાર સીરીઝ લૉન્ચ કરી છે. આ ડિજિટલ પ્લેટફૉર્મનો ઉદ્દેશ્ય કોવિડ-19 રોગચાળા દરમિયાન ડેરી મૂલ્ય શ્રૃંખલામાં જે પ્રક્રિયાનું પાલન કરવાનું છે, તે અંગે જાગૃતિ પેદા કરવાનો છે. પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને અસમના પશુપાલકો અને અન્ય હિતધારકોએ તેમાં ભાગ લીધો હતો.

પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં એનડીડીબીના ચેરમેન દિલીપ રથે ભારતની ડેરી પુરવઠા શ્રૃંખલાની સ્થિરતા સુનિશ્ચિત કરવા બદલ અને રાષ્ટ્રના અર્થતંત્રમાં યોગદાન આપવા બદલ દૂધ ઉત્પાદકોના અને ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓના પ્રશંસનીય પ્રયાસોને બિરદાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ રોગચાળા દરમિયાન દૂધાળા પશુઓની કાળજી લેવી જોઇએ, કારણ કે, તેમના આહાર અને સ્વાસ્થ્યની કાળજી લેવામાં થોડી પણ બાંધછોડ કરવામાં આવે તો તેનો પ્રભાવ તેમની પ્રજોત્પાદનની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા પર પડશે.

એનડીડીબી ખાતેના નિષ્ણાતો એ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે કે, કોવિડ-19 અમારા પશુપાલકોને નવીનીકરણો/નવી ટેકનોલોજીઓ અંગેની માહિતી પૂરી પાડવામાં અવરોધરૂપ બને નહીં. દિલીપ રથે પશુપાલકોને આ ડિજિટલ પ્લેટફૉર્મ મારફતે ડેરી બૉર્ડના નિષ્ણાતો સાથે જોડાવાની તથા આ મુશ્કેલીભરી સ્થિતિમાંથી ઉગરવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવા માટે વિનંતી કરી હતી. પશુ સ્વાસ્થ્ય, પશુ પોષણ, પશુ સંવર્ધન અને સહકારી સેવાઓના વિભાગના એનડીડીબીના નિષ્ણાતોએ વિવિધ પ્રકારની ચિંતાઓને તાત્કાલિક ઉકેલવા અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા અને પ્રવર્તમાન પડકારો સાથે કામ પાર પાડવાના માર્ગો અંગે ચર્ચા કરી હતી.

વેબિનારએ આ બાબતોને ઉજાગર કરી હતી - દૂધાળા પશુઓની કેટલીક મુખ્ય બીમારીઓ (જેમ કે, એફએમડી, મેસ્ટાઇટિસ (થનેલા), હીટ સ્ટ્રેસ વગેરે)ના આર્થિક રીતે પરવડે તેવા ઉપચાર માટે આયુર્વેદ આધારિત એથનો વેટરનેરી મેડિસિન (ઇવીએમ), રસીકરણ અને ઇયર ટૅગિંગનું મહત્ત્વ, દૂધનું ઉત્પાદન વધારવા માટે આહારનું વ્યવસ્થાપન અને સંતુલિત આહાર, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન અને બ્રીડિંગ (સંવર્ધન)ના વ્યવસ્થાપનનું મહત્વ, સહકારી મંડળીઓ દ્વારા અનુભવવામાં આવતી મુશ્કેલીઓ અને પશુપાલકોને નિયમિત ચૂકવણી સુનિશ્ચિત કરવી.

એનડીડીબીના નિષ્ણાતોએ પશુપાલકો અને અન્ય હિતધારકો દ્વારા પૂછવામાં આવેલા સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપ્યાં હતાં. વેબિનારના સત્ર પહેલાં 500થી વધુ લોકો દ્વારા કૉઑપરેટિવ ડેરી ઉદ્યોગ અને ડેરી પશુપાલનના સારા વ્યવહાર સંબંધિત 500થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન તાત્કાલિક 1600 જેટલા પ્રતિભાવો પ્રાપ્ત થયાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news