વડોદરા દુષ્કર્મ-આપઘાત કેસ: યુવતીના CCTV ફૂટેજ સામે આવ્યા, વીડિયોમાં એવું દેખાયું કે....
સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર યુવતી દેખાઈ ગઈ હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. હવે યુવતી સુરત કોણે મળવા ગઈ હતી?, કેમ ગઈ હતી? તેની તપાસ શરૂ કરી છે.
Trending Photos
રવિ અગ્રવાલ/ વડોદરા: યુવતીએ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત (suicide) કરવાના કેસમાં આજે વધુ એક મહત્ત્વપૂર્ણ સામાચાર મળી રહ્યા છે. દિવાળીના દિવસે ટ્રેનમાં યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે આ યુવતી પર દિવાળીના બે દિવસ પહેલા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. યુવતીએ પોતે ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ (rape) આચર્યાની વાતનો ઉલ્લેખ પોતાની ડાયરીમાં કર્યો હતો. આ યુવતીના આપઘાત પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવતી સુરત રેલવે સ્ટેશન બહાર અને અંદર યુવતી નજરે પડી રહી છે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર યુવતી દેખાઈ ગઈ હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. હવે યુવતી સુરત કોણે મળવા ગઈ હતી?, કેમ ગઈ હતી? તેની તપાસ શરૂ કરી છે.
સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર યુવતીના સીસીટીવી મળ્યા છે, તેમાં ગુલાબી રંગના થેલા સાથે દેખાય છે. સુરતના રેલવે સ્ટેશન પર યુવતી 10.03 વાગ્યાના સમયે દેખાય છે. જેમાં એક વાત સામે આવી રહી છે. આ યુવતીનો કોઈ યુવક પીછો કરી રહ્યો હોય તેવું દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે. યુવતીના કાનમાં હેડફોન જેવું કંઈ હોવાનું તથા ખભા પર થેલો અને સ્પોર્ટસ પ્રકારના બૂટ સાથે યુવતીની ચાલ પણ સામાન્ય છે.ઘરેથી મરોલી જવાનું કહીને યુવતી શા માટે સુરત આવી અને સુરત રેલવે સ્ટેશનથી ક્યાં ગઈ અને ક્યારે ગઈ તે તમામ બાબતે પોલીસની ટીમો વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે.
અત્રે નોંધનીય છે કે, વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતી પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો ડાયરીના આધારે બહાર આવી છે. ઘટના સ્થળે વેકસીન ગ્રાઉન્ડ ખાતે પોલીસની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, રેલવે પોલીસ, ડોગ સ્કોડ, FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટના સ્થળેથી પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
શું હતી સમગ્ર ઘટના
19 વર્ષીય યુવતી વડોદરાની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને સાથે એક સામાજિક સંસ્થામાં ફરજ બજાવતી હતી. દિવાળીના દિવસે તેણે તેની માતાને જણાવ્યું હતું કે, સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે જવાનું છે અને એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવાનું કહ્યું હતું. આ બાદ બીજા દિવસે માનસીનો મૃતદેહ ગુજરાત ક્વીન ટ્રેનના ડી - 12 નંબરના કોચમાં મળી આવ્યો હતો. ટ્રેનમાં સામાન મૂકવાની જગ્યાએ યુવતીએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાત ક્વીન ગાડી મોડી રાત્રે 12.30 વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી. ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે સફાઈ કામદારો ચઢ્યા હતા. તેમની નજર ગળે ફાંસો ખાધેલી યુવતી પર પડી હતી. સફાઈ કામદારો દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
બે રીક્ષાચાલકોએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે હવે ગૌત્રી પોલીસ પણ આ તપાસમાં જોડાઈ છે. રેલવેના ડી.વાય.એસ.પી બી એસ જાદવે માહિતી આપતા કહ્યું કે, યુવતી પાસેથી પોલીસને ડાયરી મળી છે. ડાયરીમાં યુવતીએ બે શખ્સોએ દુષ્કર્મ આચર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રીક્ષા ચાલકોએ સૌ પ્રથમ યુવતીની સાયકલને અડફેટે લીધી હતી. બાદમાં રીક્ષામાં બેસાડી યુવતીને ઝાડીમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ કર્યું હતું.
યુવતીએ મિત્ર પાસેથી મદદ માંગી, પણ તેણે મેસેજ ન જોયો
મૃતક યુવતી મૂળ નવસારીની હતી અને વડોદરામાં અભ્યાસ અને નોકરી કરતી હતી. તે પોતે એવી સંસ્થામાં કામ કરતી હતી જે આત્મહત્યાને રોકવા માટે પ્રેરણા આપી છે. ધનતેરસના દિવસે યુવતી OASIS સંસ્થામાં ફેલોશિપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થામાં કામ કરતા મિત્રને વોટ્સએપ પર મેસેજ કરીને મદદ માંગી હતી. પરંતુ મિત્રએ મોડો મેસેજ જોયો હતો. યુવતીએ મિત્રને વોટ્સએપ પર ‘પ્લીઝ હેલ્પ મી, બે શખ્સો મારો પીછો કરે છે’ તેવો મેસેજ કર્યો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું, કયાં કારણોથી પીછો કરતું હતું એ તમામ બાબત રહસ્ય રહી. પરંતુ તેની મિત્રએ આ મેસેજ અંગે સંસ્થાના મેન્ટરને જાણ કરી હતી. પરંતુ આટલી મોટી ઘટના છતા સંસ્થાએ પોલીસને આ બાબતની કોઈ જાણ કરી ન હતી.
સંસ્થાના સંચાલકે કેમ પોલીસને જાણ ન કરી
આ વિશે ડીવાયએસપીએ જણાવ્યું કે, સંસ્થાએ પોલીસને જાણ કરવી જોઈતી હતી. સમગ્ર કેસમાં પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. સમગ્ર મામલે હાલમાં યુવતીના મેડિકલ રિપોર્ટની રાહ પોલીસ જોઈ રહી છે. તેમજ પોલીસ દ્વારા યુવતીને મોડી રાત્રે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ પાસેથી તેના ઘરે મુકવા જનાર ખાનગી બસના ચાલકને શોધવા તપાસ આરંભી છે. સાથે જ સંસ્થાના સંચાલકોની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે