નવરાત્રિ- દિવાળી ટાણે ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું સુરતના કાપડ ઉદ્યોગની માઠી દશા કેમ બેઠી?

સુરતમાં દરરોજ ₹4,00,000 મીટરથી વધુ કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં વેપારીઓ આગામી તહેવારોને લઈને ઉત્સાહમાં છે. નવરાત્રી દુર્ગા પૂજા અને દિવાળીની તૈયારીઓ ઉદ્યોગકારોએ તો કરી લીધી છે.

નવરાત્રિ- દિવાળી ટાણે ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું સુરતના કાપડ ઉદ્યોગની માઠી દશા કેમ બેઠી?

તેજસ મોદી/સુરત: કોરોનાની મહામારી બાદ સુરતનો કાપડ ઉદ્યોગ ધીરે ધીરે તેજી તરફ વધી તો રહ્યો છે. પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બિઝનેસ ઓછો મળી રહે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. દિવાળી અને નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વેપારીઓનું કહેવું છે કે જો અત્યારે ખરીદી નહીં નીકળે તો ગત વર્ષની સરખામણીમાં ત્રણથી ચાર હજાર કરોડનો ઓછો બિઝનેસ આ વખતે થઈ શકે છે.

સુરતમાં દરરોજ ₹4,00,000 મીટરથી વધુ કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં વેપારીઓ આગામી તહેવારોને લઈને ઉત્સાહમાં છે. નવરાત્રી દુર્ગા પૂજા અને દિવાળીની તૈયારીઓ ઉદ્યોગકારોએ તો કરી લીધી છે. પરંતુ ખરીદી જે પ્રકારે હોવી જોઈએ તે અત્યારે દેખાઈ રહી નથી. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં અલગ અલગ તહેવારો પણ આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને દુર્ગાપૂજાનો તહેવાર મહત્વનો છે. પશ્ચિમ અને દક્ષિણના વેપારીઓ સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ખરીદી શરૂ કરી દેતા હોય છે. પરંતુ અત્યારે ખૂબ ઓછી ડિમાન્ડ થઈ રહી છે.

વેપારીઓનું કહેવું છે કે સામાન્ય સંજોગોમાં દક્ષિણના વેપારીઓ 15 થી 20 દિવસ વહેલી ખરીદી શરૂ કરી દેતા હોય છે. જ્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં તહેવારોના છેલ્લા દિવસો સુધી ખરીદી થતી હોય છે, ઓછી ખરીદી જાણવા માટે વેપારીઓ સુરતથી કેટલા પાર્સલો બહાર જાય છે તેને આધારે ગણતરી કરતા હોય છે. તહેવારોની સિઝનમાં સામાન્ય રીતે 400 થી વધુ ટ્રક દરરોજ પાર્સલ સુરતથી દેશના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લઈ જતા હોય છે. જેની સંખ્યા હાલમાં ઘટીને 200ની આસપાસ થઈ ગઈ છે.

બીજી તરફ ઓનલાઇન વેપાર વધ્યો છે, જેના કારણે પણ ટ્રકોમાં થતી ડિલેવરી ઘટી ગઈ છે. એક અંદાજ પ્રમાણે ગત વર્ષે દિવાળી નવરાત્રી અને દુર્ગા પૂજામાં 16,000 કરોડનો બિઝનેસ થયો હતો. જે આ વખતે ઘટીને 12,000 કરોડનો થાય એવી શક્યતા છે. હાલમાં લોકો ઓનલાઈન ખરીદી વધારે કરે છે. જેના કારણે પણ સુરતના વેપારીઓ સાથે સીધો ખરીદીનો સંપર્ક થતો નથી. 

બીજી તરફ કોરોનાની મહામારી બાદ લોકોની ખરીદ શક્તિ પણ ઘટી છે, ત્યાં જ સતત અન્ય વસ્તુઓના ભાવોમાં થતો વધારો પણ જવાબદાર પરિબળ છે. સતત વધતી મોંઘવારીના કારણે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓને પ્રાથમિકતા આપે છે. જોકે આ બધા વચ્ચે વેપારીઓ અને ઉદ્યોગકારોને આશા છે કે દિવાળી સુધીમાં સ્થિતિ સુધરશે અને તેમની ગતિ સરખામણીમાં જ કમાણી કરવાનો મોકો મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news