શું આમ ભણશે ગુજરાતના બાળકો? અહીં 100થી વધુ વિદ્યાર્થીઓ 10 કિમી ચાલીને અઢી કલાકે પહોંચે છે શાળા
નવસારી જિલ્લાના આદિવાસી બહુલ વાંસદા તાલુકાના ઘણા ગામડાઓ ડુંગરાળ વિસ્તારમાં છે. જેમાં મહારાષ્ટ્રની સરહદ નજીકના ગામડાઓમાંનુ એક ખાટાઆંબા ગામ વિસ્તારની દ્રષ્ટિએ ઘણુ મોટું છે.
Trending Photos
ધવલ પારેખ/વાંસદા: શિક્ષણ માટે આદિવાસી ડુંગરાળ વિસ્તારના વિદ્યાર્થીઓએ કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એનું જીવંત ઉદાહરણ છે ખાટાઆંબા. અહીંના 100 ઘી વધુ વિદ્યાર્થીઓ ડુંગરાળ રસ્તાઓ જોખમી રીતે પર કરી 8 થી 10 કિમી દૂર આવેલી બોરીયાછ ગામે ઉચ્ચત્તર માધ્યમિક શાળાએ પગપાળા ચાલી 2 થી અઢી કલાકે પહોંચે છે. ચોમાસામાં વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી થાય છે, ત્યારે સરકાર બસ સેવા શરૂ કરે એવી માંગ ઉઠવા પામી છે.
નવસારી જિલ્લાના આદિવાસી બહુલ વાંસદા તાલુકાના ઘણા ગામડાઓ ડુંગરાળ વિસ્તારમાં છે. જેમાં મહારાષ્ટ્રની સરહદ નજીકના ગામડાઓમાંનુ એક ખાટાઆંબા ગામ વિસ્તારની દ્રષ્ટિએ ઘણુ મોટું છે. 19 ફળિયા અને અંદાજે 10 હજારની વસ્તી ધરાવતા આ ગામથી 6 કિમી દૂર બોરીયાછ ગામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે.
ગરીબ આદિવાસી વિસ્તારના આ વિદ્યાર્થીઓ ડુંગર ઓર આવેલા પોતાના ઘરેથી ખાટાઆંબા મુખ્ય રસ્તા સુધી પહોંચે છે અને ત્યાંથી શાળાએ પહોંચતા 8 થી 10 કિમીનું અંતર કાપે છે. જેના કારણે 2 થી અઢી કલાકે શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓ થાકી જાય છે અને અભ્યાસમાં તેમનું મન ચોંટતુ નથી.
સાંજે પણ એટલો જ સમય ઘરે પહોંચતા થાય છે અને થાકને કારણે આળસ ચડતા વિદ્યાર્થીઓ ઘરે પણ ભણી શકતા નથી. ચોમાસામાં તો સ્થિતિ વધુ ખરાબ થાય છે, કારણ ડુંગરાળ અને કાચા પગદંડી જેવા રસ્તાઓ પર કાદવ કીચડ થાય છે, જ્યારે ઘણી જગ્યાએ ઝરણા ફૂટી નીકળતા પાણીમાંથી પણ પસાર થવું પડે છે. ભારે વરસાદમાં કોતર કે નાળામાં પાણીની આવક વધતા જોખમ પણ વધી જાય છે. સાથે જ વરસાદમાં કપડા અને ચોપડા પણ પલળી જતા હોય છે, ત્યારે અભ્યાસમાં પણ તકલીફ પડે છે.
વાંસદા તાલુકાની શ્રેષ્ઠતમ શાળાઓમાંની એક બોરીયાછ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 માં કુલ 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં કુમાર અને કન્યા છાત્રાલય પણ છે, પરંતુ આસપાસના રંગપુર, બોરીયાછ, લાછકડી, ખાટાઆંબા, નવાપુર, વાંસીયાતળાવ મળી 6 ગામોમાંથી 150 થી વધુ વિદ્યાર્થીઓ ઘરેથી અપડાઉન કરે છે. આ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર હોવાથી અહીં મુસાફરોની સંખ્યા ન મળતા એસટી બસ સેવા બંધ થઇ હતી. જેના કારણે ખાટાઆંબા જેવા ડુંગરાળ વિસ્તારના બાળકોએ ડુંગરાળ માર્ગે જોખમી રીતે પગપાળા કલાકો બગાડી શાળાએ પહોંચવુ પડે છે.
નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ શિક્ષણ સહિત ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્સાહ દાખવતા હોય છે, પણ રોજના 4 થી 5 કલાક ચાલવામાં બગડવા સાથે થાકને કારણે અભ્યાસ પ્રત્યે તેમની રૂચિ ઘટી જાય છે. પરંતુ એસટી બસ સેવા શરૂ થાય, તો વિદ્યાર્થીઓ શારિરીક અને માનસિક રીતે ફૂર્તિલા રહે, તો એમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનેની આશા શાળાના શિક્ષકો અને ગામ આગેવાનો પણ સેવી રહ્યા છે.
શાળાએ પહોંચવા કલાકો ચાલવું પડતું હોવા છતાં વિદ્યાર્થીઓએ ભણતર પ્રત્યે પોતાનો ઉત્સાહ જાળવી રાખ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ આદિવાસી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી એસટી બસ સેવા શરૂ કરે એ જ સમયની માંગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે