ગરીબ હોય કે ધનવાન, બધાના સંતાનોના લગ્ન એક જ દિવસે એક જ માંડવામાં થાય, મુહુર્ત નીકળી જાય તો બીજા વર્ષે વારો આવે
aahir samaj wedding : કચ્છના આહીર સમાજમાં વર્ષમાં એક જ દિવસ લગ્ન મુહૂર્ત આવે છે... વર્ષમાં માત્ર એક જ દિવસ વૈશાખ વદ તેરસે લગ્ન યોજવાની પરંપરા.... કચ્છના 111 ગામોમાં આ લગ્ન યોજાયા... આહીર સમાજમાં 900 થી વધુ લગ્ન એક જ દિવસે યોજાયા... વર્ષ દરમિયાન બીજા કોઇ દિવસે-મુહૂર્તે લગ્ન નથી લેવાતા... લગ્ન ઘરમાં, પરંતુ ભોજન સમૂહમાં થાય છે...
Trending Photos
Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ગુજરાતમાં કચ્છ વિશાળ પ્રદેશ છે અને અહીં ભાતીગળ સંસ્કૃતિના અનેક રૂપ જોવા મળે છે. ભલે જિલ્લો હોય પણ સંસ્કૃતિથી અલગ હોતા અલગ પ્રદેશ છે. અહીં પ્રાંથળીયા આહીર સમાજના લગ્નોમાં પોતાની અલગ જ અદાની છાંટ જોવા મળે છે. અંધારી તેરસના કચ્છના આહીર સમાજનાં આગવી ઢબે લગ્નને એક સાથે મહોત્સવ તરીકે લગ્નગી તોથી લઇને ઉજવવામાં આવે છે. પ્રાંથળીયા આહીર સમાજના 900 વધુ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.
લગનમાં થતા ખોટા ખર્ચથી દૂર રહે છે આહીર સામજ
આજે વૈશાખ વદ તેરસ જેને અંધારી તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી કચ્છ આહીર સમાજના ગામડાઓમાં શરણાઈઓના સૂર ગુંજી ઉઠ્યા અને ઢોલ ઢબુક્યા હતા. આજના દિવસે કચ્છના આહીર સમાજનાં ગામડાઓ ભુજ, અંજાર, ભચાઉ, રાપર અને મુન્દ્રા, નખત્રાણા વિસ્તારના પ્રાંથળીયા આહીર સમાજના 900 થી વધુ નવયુગલો લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા. કચ્છ જિલ્લામાં વસતા આહીર સમાજનાં લોકો પોતાના સંતાનોના સામુહિક લગ્નો કરાવી ખોટા ખર્ચથી દુર રહે છે. તેમજ અન્ય સમાજને પણ પ્રેરણા પુરી પાડે છે.
પહેરવેશમાં પણ પરંપરા યથાવત
તો પરંપરાગત વેશભૂષા અને ઘરેણાઓથી સજ્જ જાનૈયાઓથી ગ્રામીણ પંથક ધમધમ્યો હતો. પ્રાંથળીયા આહીર સમાજના લગ્નોનાં પગલે ભુજ તાલુકાના આહીર પંથકના ગામડાઓ લગ્નગીતોથી ગુંજી ઊઠયાં હતાં. પરંપરાગત વેશભૂષાની પરંપરાને જાળવી રાખી અને આજના આધુનિક યુગમાં પણ જે ગામોમાં સમૂહલગ્નની પદ્ધતિ અમલમાં છે. ત્યાં ગામમાં જેટલા લગ્ન હોય તે તમામ પરિવાર-મહેમાનો અને ગામલોકો માટે ભોજનની વ્યવસ્થા પણ સમૂહમાં રાખવામાં આવે છે, જેથી સમય અને ખર્ચનો બચાવ થાય છે. અહીં અનેકવાર એક જ પરિવારના વધુ સંતાનોના લગ્નો પણ થતા હોય છે. તો સમાજના મોભીઓ પણ પોતાના સંતાનોના લગ્નો અહી જ કરાવે છે.
આજે જેમના પરિવારના બે પુત્રોના લગ્ન છે એવા ગામના અગ્રણી સતીષભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, આજે પણ સમાજના વર્ષો જુના રીતરીવાજ અને સંસ્કૃતિને પ્રાંથળીયા સમાજના અગ્રણીઓએ જાળવી રાખી છે. કચ્છના આહીર સમાજના ગામોમાં આજે મહિલાઓ પરંપરાગત ભાતીગળ પહેરવેશ અને આભૂષણોમાં લગ્નમાં જોવા મળે છે. કચ્છના ભુજ, અંજાર, ભચાઉ, રાપર અને નખત્રાણા તાલુકામાં આવેલાં આહીર સમાજનાં ગામડાઓમાં 900 થી વધુ દંપતી વણજોયા મુર્હતે આજે મુર્હત જ છે, તે રીતે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.
આજના મોંઘવારીના સમયમાં આહીર સમાજ દ્વારા સમય, રૂપિયા અને અન્નનો બગાડ ન થાય તે માટે ગામેગામ સમૂહભોજનના આયોજનો પણ કરવામાં આવે છે. જેથી અમીર ગરીબ કોઈને આર્થિક બોજ પણ ના પડે.
આજ દિવસે મોટી સંખ્યામાં પ્રાંથળીયા આહીર સમાજનાં લોકો જોડાયા હતા
આહિર લગ્ન વિશે માહિતી આપતા આ વિસ્તારના અગ્રણી હરિભાઈ જાટીયાએ જણાવ્યું હતું કે, કૃષ્ણ ભગવાનના વંશજ એવા અમારા આહીર સમાજમાં વૈશાખ મહિનાની અંધારી તેરસ લગ્નનો દિવસ ગણાય છે. સદીઓ અગાઉ મહાભારત કાળ વખતે સહદેવજીએ બતાવેલા વણજોયા મુર્હતે આજે પણ પ્રાંથળીયા આહીર સમાજમાં આખા વર્ષ દરમિયાન એક જ દિવસે લગ્ન લેવાય છે. આજે સમાજના અનેક નવજોડિયાના લગ્ન થયા છે.
મમુઆરા ગામની સ્થાનિક યુવતી નિર્મળા છાંગાએ પોતાના ભાઈના લગ્નમાં ઉત્સાહિત થઈને Zee મીડિયાને જણાવ્યું હતું કે,આહીર સમાજની આ પરંપરા મહાભારત કાળથી ચાલી આવી છે.આજના દિવસે અમારા સમાજના સમૂહલગ્ન હોય છે અને સમૂહ ભોજન રાખવામાં આવે છે જેનાથી નાના માણસોને ઓછી તકલીફ પડે છે.આજના દિવસે આહીર સમાજની મહિલાઓ આહીર સમાજનું ટ્રેડિશનલ પહેરવેશ અને આભૂષણો ધારણ કરે છે તેમજ લગ્નગીતો ગાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે