વાહ વડોદરા ! આ ખરીફ મૌસમમાં જિલ્લાના હજારો ખેડૂતોએ આટલા એકર જમીનમાં કર્યું પ્રાકૃતિક કૃષિથી વાવેતર
સાવલી તાલુકાના વાંકાનેર ગામના ધર્મેશભાઇ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તે કહે છે, પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં નજરે દેખાય એવો સુધારો થયો છે. તેઓ કુલ ૨.૭૫ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી છે. તે પૈકી ચાર વિઘામાં કેળ વાવી છે. કેળમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાના કારણે શું ફેરફાર થયો ? તેની વાત રસપ્રદ છે.
Trending Photos
વડોદરા: ખેતી લાયક જમીનના સંરક્ષણ માટે બહુ મહત્વના સાબિત થનારી અને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને વડોદરા જિલ્લાના ખેડૂતો સહજતાથી અપનાવવા લાગ્યા છે. આ ખરીફ મૌસમમાં જ વડોદરા જિલ્લાના ૧૨૨૩૧ ખેડૂતોએ પોતાની ૧૬૮૭૯ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી વાવેતર કર્યું છે. પ્રાકૃતિક કૃષિના વધેલા વ્યાપ પાછળનું કારણ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી નવતર પહેલ છે.
આઝાદીના અમૃત મહોત્સવને અનોખી રીતે મનાવવા માટે કલેક્ટર અતુલ ગોરે નિયત કર્યું હતું અને તેમણે જિલ્લાના તમામ ગામો પૈકી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આત્મ પ્રોજેક્ટના માધ્યમથી આ ખેડૂતોને તબક્કાવાર તાલીમ આપવામાં આવી અને હવે જે જે ખેડૂતોને તાલીમ મળી તે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી રહ્યા છે.
વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિકારો અને તેમની જમીનના આંકડા તાલુકાદીઠ જોઇએ તો વડોદરા તાલુકામાં ૧૩૧૮ ખેડૂતોની ૧૮૧૯ એકર જમીન, કરજણ તાલુકામાં ૧૬૧૦ ખેડૂતોની ૨૨૨૨ એકર જમીન, પાદરા તાલુકાના ૧૬૬૮ ખેડૂતોની ૨૩૦૨, શીનોર તાલુકામાં ૧૧૪૦ ખેડૂતો અને ૧૫૭૫ એકર, ડભોઇમાં ૧૮૭૭ ખેડૂતો અને ૨૫૯૦, સાવલીમાં ૨૦૬૦ ખેડૂતોની ૨૮૪૩ એકર જમીન, વાઘોડિયા તાલુકાના ૧૭૦૭ ખેડૂતોની ૨૩૫૬ એકર જમીન, ડેસર તાલુકામાં ૮૫૧ ખેડૂતો અને ૧૧૭૪ એકર જમીન મળી જિલ્લામાં ૧૨૨૩૧ ખેડૂતોને ૧૬૮૭૯ એકર જમીનમાં આરોગ્યદાયક પાક વાવવામાં આવ્યો છે.
સાવલી તાલુકાના વાંકાનેર ગામના ધર્મેશભાઇ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તે કહે છે, પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં નજરે દેખાય એવો સુધારો થયો છે. તેઓ કુલ ૨.૭૫ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી છે. તે પૈકી ચાર વિઘામાં કેળ વાવી છે. કેળમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાના કારણે શું ફેરફાર થયો ? તેની વાત રસપ્રદ છે.
તે કહે છે, ચાર વિઘાની કેળ પાછળ પહેલા રૂ. બે લાખ જેટલો ખર્ચ થઇ જતો હતો. આટલા રૂપિયા માત્ર રસાયણો અને જંતુનાશકો પાછળ જ ખર્ચ થતાં હતા. તેની સામે આવક રૂ. પાંચ લાખ જેટલી થતી હતી. હવે, તેની સામે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવતા ખર્ચ માત્ર રૂ. ૬૫ હજાર થયો અને આવક થઇ રૂ. ૫.૬ લાખ ! વળી ઉત્પાદન સ્વાદમાં બેનમૂન ! ધર્મેશભાઇનું સ્પષ્ટ માનવું છે જો ખેડૂતો પોતાની જમીનનો ખ્યાલ નહીં રાખે તો કોણ રાખશે ! ખેડૂતો પણ રસાયણોનો ઉપયોગ કરીને થાકી ગયા છે. એટલે પ્રાકૃતિક કૃષિ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. આના ખેત ઉત્પાદનોથી આરોગ્ય પણ સારૂ રહે છે. એનો અમને ખુદને અનુભવ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે