સિરામીક ઉદ્યોગમાં લાંબુ વેકેશન: મોરબી એસ.ટી મથકો પર સેંકડો મજુરોનો ધસારો

વિશ્વ કક્ષાએ મોરબીનો સિરામીક ઉદ્યોગ વખણાય છે ત્યારે હાલની મંદીને ધ્યાને રાખીને મોટુ વેકેશન જાહેર કરવામાં આવ્યું ઉપરાંત ખેતીમાં પણ વધારે વરસાદના કારણે કોઇ મજુરી નહી મળતા મોટા પ્રમાણમાં મજુરો વતન પરત ફરી રહ્યા છે.

સિરામીક ઉદ્યોગમાં લાંબુ વેકેશન: મોરબી એસ.ટી મથકો પર સેંકડો મજુરોનો ધસારો

હિમાંશુ ભટ્ટ/મોરબી : વિશ્વ કક્ષાનો સિરામિક ઉધોગ મોરબીમાં આવેલ છે. જેથી તેમાં રોજગારી મેળવવા માટે દાહોદ અને ગોધરા બાજુથી ઘણા શ્રમજીવીએ આવતા હોય છે. જો કે, હાલમાં મંદીની અસર હોવાથી કેટલાક કારખાનેદારો દ્વારા દિવાળી પહેલાથી જ દિવાળી વેકેશન જાહેર કરીને રજા આપી દીધી છે. તો બીજી તરફ ખેતીમાં પણ ભારે વરસાદથી હાલમાં કશું જ કામ થઇ શકે તેમ ન હોવાથી મજુરોએ તેના વતનની વાટ પકડી છે. જેથી કરીને એસટીમાં મુસાફરોનો ધસારો રહેતો હોવાથી હાલમાં દરરોજની આઠ થી દસ બસો એક્સ્ટ્રા મુકવામાં આવી રહી છે.

મોરબીની આસપાસ પથરાયેલા વિશ્વકક્ષાના સિરામિક ઉદ્યોગ તેમજ ખેતીમાં રોજગારી મેળવવા માટે દાહોદ, ગોધરા, સુરત તરફથી ઘણા લોકો અહીં આવતા હોય છે. દિવાળીના પર્વ પર તેઓ પોતાના પરિવારજનો સાથે રોશનીનો પર્વ ઉજવવા માટે જતા હોય છે. જેથી કરીને દિવાળીના છેલ્લા દિવસોમાં મોરબી એસટી વિભાગ દ્વારા દર વર્ષે એસટીની એક્સ્ટ્રા બસ મુસાફરો માટે દાહોદ, ગોધરા અને સુરત જવા માટે મુકવામાં આવે છે. જેથી કરીને મુસાફરો સલામત રીતે તહેવારમાં પોતાના ઘર સુધી પહોંચી શકે. આ સુવિધા ઉભી કરવાથી એસટી વિભાગને પણ દૈનિક એક લાખ રૂપિયાની આવક વધી જાય છે. હાલમાં મોરબી એસટી ડેપો દ્વારા હાલમાં દાહોદ અને સુરત તરફ જવા માટેના મુસાફરોને ધ્યાનમાં લઇને છેલ્લા એક સપ્તાહથી દરરોજ ની આઠ થી દસ જેટલી એક્સ્ટ્રા બસો મુકવામાં આવી રહી છે.

હાલમાં મોરબીના જુદાજુદા કારખાનાઓમાંથી હજારો મજુરો વતનમાં જઈ રહ્યા છે. જેને ધ્યાને રાખીને મોરબી એસટી ડેપો દ્વારા સુરત અને દાહોદના રૂટ ઉપર એક્સ્ટ્રા બસો મુકવામાં આવી રહી છે. સામાન્ય રીતે દિવાળી ઉપર મજૂરોનો માદરે વતન જવા માટે જેટલો ટ્રાફિક એસટીની બસોમાં હોય છે તેના કરતા આ વર્ષે વધારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિરામિકના કારખાનામાં મંદીની અસરના લીધે વેકેશન લંબાવવામાં આવે તેવી શક્યતા છે માટે અહી કામ મળે તેવી હાલમાં શક્યતા મજુરોને દેખાતી નથી. જેથી તેઓ તહેવારમાં વતન તરફ રવાના થઇ રહ્યા છે.

 

એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે તહેવારોમાં ખાસ કરીને એક્સ્ટ્રા બસો મુકવામાં આવતી જ હોય છે. તહેવારમાં ટ્રાફિક વધારે હોય છે ત્યારે બસમાં વધારે મુસાફરોને બેસાડીને જોખમ લેવાના બદલે વધારાની બસો જ દોડાવવામાં આવે છે. મોરબીના બસ સ્ટેન્ડમાં છેલ્લા દિવસોથી મુસાફરોનો ટ્રાફિક વધારે જોવા મળી રહ્યો છે. જેથી વધુ બસો દોડાવવામાં આવે છે માટે બહારથી મજુરી કરવા માટે મોરબી આવેલા મજુરો તેના પરિવાર સાથે સલામત રીતે તેના વતન જઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news