આણંદ તાલુકા કલસ્ટર સખી સંઘનું ટર્નઓવર રૂપિયા 14 લાખને પાર, હજુ વધુ ઉંચી હશે આ ઉડાન
Trending Photos
બુરહાન પઠાણ, આણંદઃ આજે વિશ્વ મહિલા દિવસે વાત કરવી છે નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન એટલે કે એન આર એલ એમ દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં નોંધાયેલ સખી મંડળના જૂથની.
આણંદ જિલ્લામાં કુલ ૧૧૪૩૪ સખી મંડળો નોંધાયેલા છે. આ સખી મંડળો પૈકી આણંદ તાલુકા કલસ્ટર સખી સંઘને આણંદ જિલ્લા પંચાયતની ૫૬ જેટલી શાખાઓ અને જિલ્લાની તમામ તાલુકા પંચાયત સંલગ્ન ઓફિસોને સ્ટેશનરી પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સ્ટેશનરીનો કોન્ટ્રાક્ટ ધરાવતા તરુણાબેન કનુભાઈ પ્રજાપતિએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું ધોરણ ૧૦ પાસ છું. મારી સાસરીમાં અમારું મૂળ કામ માટલા બનાવીને વેચવાનું છે. આ ઉપરાંત ઘરે ત્રણ ભેંસ છે, જેથી પશુપાલન સાથે ખેતીનું કામ પણ કરીએ છીએ.
પરંતુ આ બધું જ કામ મારા પતિ કરી શકે છે જેથી મેં વિચાર્યું કે હું પણ કંઈક કામ કરું.. એટલે તેમણે સખી મંડળ બનાવ્યું અને તેનું નામ આપ્યું વિરલ સખી મંડળ.. તેમણે તેનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. તરુણાબેન છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદ અને વડોદરા ખાતે જઈને સ્ટેશનરી ખરીદી લાવે છે અને આણંદ જિલ્લા પંચાયતની તમામ શાખાઓ સહિત તાલુકા પંચાયતોને પૂરી પાડે છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લા પંચાયતની બ્રાન્ચમાંથી જે કોઈ ઝેરોક્ષ કાઢવાની થાય તે પણ તેમણે બે ઝેરોક્ષ મશીન રાખ્યા છે તેના દ્વારા કાઢી આપે છે. આ સખી મંડળના માધ્યમથી તેઓ નેશનલ રૂલર લાઈવલી હુડ મિશનનો આભાર માને છે કે, તેમણે આર્થિક મદદ કરી અને સરકારની આ યોજના દ્વારા તેમને પોતાનામાં રહેલી શક્તિનો અહેસાસ થયો..
તરુણાબેન એ વધુમાં જણાવ્યું હતું કે, મારી સાથે મનિષાબેન ચાવડા, ઉર્વશીબેન પઢીયાર અને રંજનબેન પરમાર પણ કામ કરે છે અને અમારે ચારેયના સહકારથી સ્ટેશનરી ઝેરોક્ષ અને અમૂલ આઈસ્ક્રીમનું વેચાણ પણ કરીએ છીએ. અમે સવારે ૯-૩૦ કલાકે જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં આવેલી અમારી આ દુકાનને ચાલુ કરીએ છીએ, જે સાંજે ૬-૩૦ કલાક સુધી કાર્યરત રહે છે. આ ઉપરાંત તેમણે ૧૨૦ બહેનોને તેમની જોડે જોડ્યા છે અને ૧૨ સખી મંડળ ચલાવે છે. તેમણે પોતાના સખી મંડળના કામનો વિસ્તાર કરતા ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક દ્વારા પણ ₹૧ ,૦૦,૦૦૦ ની લોન લીધી છે. ગત વર્ષ દરમિયાન તેમણે સત્તર લાખ રૂપિયા ઉપરાંતનું વેચાણ કર્યું હતું, જે આ વર્ષે પણ ૧૪ લાખએ પહોંચ્યું છે.
તેઓ વધુમાં જણાવે છે કે, અમારા ઘરની આવક પશુપાલન ખેતી અને કુંભારના વ્યવસાય દ્વારા ૧૫ હજાર કરતાં પણ વધારે ઇન્કમ છે અને તેમણે એમના ગામ વઘાસી ખાતે સીએસસી સેન્ટર પણ શરૂ કર્યું છે કોમન સર્વિસ સેન્ટર... અને આ કોમન સર્વિસ સેન્ટર તેમણે એનઆરએલએમના માધ્યમથી જ મેળવ્યું છે. આ ઉપરાંત તેમણે બેન્કિંગની એક્ઝામ પાસ કરી છે અને બેંક કોરસપોન્ડન્ટ નો કોડ પણ એનઆરએલએમના માધ્યમથી મેળવ્યો છે. ખૂબ જ મહેનતુ એવા તારુણાબેન પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પહેલાં ઘરની બહાર પણ નીકળી શકતા નહોતા અને કોની જોડે કેવી રીતે વાત કરવી તે જાણતા જ નહોતા પરંતુ સરકારના આ સખી મંડળના પ્રોજેક્ટ દ્વારા અને આણંદ તાલુકા ક્લસ્ટર સખી સંઘમાં જોડાયા બાદ નેશનલ રૂરલ લાઈવ મિશન અંતર્ગત સખી મંડળોને રિવોલ્વિંગ ફંડની જે સહાય આપવામાં આવે છે.
ઉપરાંત યુવતીઓને સ્કીલ માટે તાલીમ આપવામાં આવે છે અને સખી મંડળોને પ્રોત્સાહિત કરવા માટે એનઆરએલએમના માધ્યમથી જે કામ કરવામાં આવે છે તેના કારણે આજે અમે પોતાના પગભર બન્યા છીએ અને હું અને મારી સાથે કામ કરતા બધા જ બહેનો દર મહિને આ સ્ટેશનરી ઝેરોક્ષ આઈસ્ક્રીમનું વેચાણ કરીને ૫,૦૦૦ કરતાં પણ વધુ રૂપિયા કમાઈએ છીએ. આ ઉપરાંત જિલ્લા પંચાયત પરિસરમાં વેન્ડિંગ મશીન પણ મૂકીને નવી શરૂઆત કરી છે જેના દ્વારા અમારે નવી આવક શરૂ થઈ છે. આ વેન્ડિંગ મશીન દ્વારા દરરોજ ₹૪૦૦/- ની આવક થાય છે.
મનિષાબેન કમલેશભાઈ ચાવડા ઉર્વશીબેન મહેશભાઈ પઢિયાર અને રંજનબેન ઈશ્વરભાઈ પરમારએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લા પંચાયત અને તાલુકાઓને જે સ્ટેશનરી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયતની ૫૬ જેટલી શાખાઓમાં ઝેરોક્ષ કાઢવા માટે બધા અહીંયા આવે છે. આ ઉપરાંત બાજુમાં આવેલી પ્રાથમિક શાળાના ભૂલકાઓ કે આજુબાજુની બીજી ઓફિસમાંથી પણ સ્ટેશનરી લેવા આવે છે, જેથી અમોને બિઝનેસ કેવી રીતે કરવો તેનું જ્ઞાનમાં ઉમેરો થયો છે. જિલ્લા પંચાયત દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે, તે ભાવે આણંદ તાલુકા ક્લસ્ટર સખી સંઘ સ્ટેશનરી અને ઝેરોક્ષનો કોન્ટ્રાક્ટ મેળવીને સમયસર બધી જ શાખાઓને સ્ટેશનરી પૂરી પાડે છે.
સરકારની આ યોજના થકી તેમણે હવે જેમ પોર્ટલ પણ વિરલ સખીમંડળનું રજીસ્ટ્રેશન કરાવીને પોર્ટલના માધ્યમથી પોતાના સખીમંડળ દ્વારા જે સેવા પૂરી પાડવામાં આવે છે તેનું કામ પણ તેઓ આગળ વધારવા માંગે છે તેવું તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું. મિશન મંગલમ યોજનાના ડિસ્ટ્રિક્ટ લાઈવ હુડ મેનેજર શ્રીમતી બીનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળ ૫૫;લોકોનો સ્ટાફ કાર્યરત છે જે માત્ર ને માત્ર બહેનો માટે જ કામ કરે છે. બહેનો પગભર બને, બહેનો સખી મંડળો બનાવે અને બહેનો પોતાના ઘરકામમાંથી બહાર આવીને સરકારની આ યોજનામાં જોડાઈ અને પોતાનું યોગદાન આપે તે માટે તેઓ આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૧૨થી કામ કરી રહ્યા છે અને તેમને એ વાતનું ગૌરવ છે કે આણંદ જિલ્લામાં ૧૧૦૦૦ કરતાં વધારે સખી મંડળો અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે.
એવી જ રીતે આણંદ તાલુકા ક્લસ્ટર સખી સંઘને જે જિલ્લા પંચાયત આણંદનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તેમાં તેઓ એક કેન્ટીન પણ ચલાવે છે. આ કેન્ટીનમાં ભોજનની વ્યવસ્થા છે. દાળ, ભાત, શાક, રોટલી બનાવે છે, ચા-કોફી બનાવે છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, થેપલા અને તૈયાર નાસ્તાઓ પણ આ કેન્ટીન દ્વારા પૂરા પાડવામાં આવે છે, એટલે સમગ્ર જિલ્લા પંચાયતમાં મીટીંગ હોય ટ્રેનિંગ હોય કે મુલાકાત લેતા દરેક જનો આ કેન્ટીનનો લાભ લે છે અને તેઓ માત્ર ૬૦ રૂપિયામાં જ દાળ-ભાત શાક રોટલી કઠોળ કચુંબર પ્રેમથી લોકોને જમાડે છે. આ કેન્ટીનનું કામકાજ સંભાળતા ૪૧ વર્ષીય અને ધોરણ આઠનો અભ્યાસ કરેલ સરોજબેન મહિપતસિંહ રાઉલજીએ કે, જેઓ મૂળ સારસાના છે તેમણે જણાવ્યું હતું કે, હું અને મારી સાથે સદાનાપુરા રેલવે સ્ટેશન ખાતેથી આવતા ઉષાબેન અશોકભાઈ પટેલ, કોકીલાબેન અને તેમની દીકરી ભૂમિ કે જે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે. ઉપરાંત પોતાની માતાને કેન્ટીનમાં મદદ કરવા કોલેજ પતે પછી પહોંચી જાય છે. આમ આ ચારેય લોકો મળીને દરરોજ સવારથી સાંજ સુધી સ્વાદિષ્ટ ભોજનની સાથે ચા નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડે છે અને સાંજ પડે દરરોજ લગભગ ત્રણ હજાર જેટલી આવક મેળવે છે.
તેઓએ તો એમ જણાવ્યું હતું કે, આજુબાજુની ઓફિસ વાળા અને અહીંથી પસાર થતા ઘણા લોકો અમારા ભોજનનો અને ચા નાસ્તાનો સ્વાદ મેળવે છે. આ કેન્ટીનમાં કામ કરતા ઉષાબેન અને કોકીલાબેન બંને રૂપિયા ૫૦૦૦ કરતાં વધારે આ કેન્ટીનના માધ્યમથી મેળવે છે અને પગભર બન્યા છે. એનઆરએલએમના માધ્યમથી સરોજબેનના પતિ શ્રી મહિપતસિંહ રાઉલજીને પણ જિલ્લા પંચાયત ખાતે સિક્યુરિટી તરીકે કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવ્યા છે અને તેઓ પણ પોતાની પત્નીની સાથે જ પોતાની પત્ની જિલ્લા પંચાયતની કેન્ટીન ચલાવે છે. પતિ જિલ્લા પંચાયતની રખેવાળી કરે છે અને તેમની દીકરી કેન્ટીનમાં મદદરૂપ કરે છે. આમ તેઓએ જણાવ્યું હતું કે, સખી મંડળના માધ્યમથી અને જિલ્લા પંચાયત ખાતે અમોને જે કોન્ટ્રાક્ટ મળ્યો છે તેનાથી અમારું ઘર પગભર બન્યું છે અમને સારી એવી આવક થાય છે અને અમે આ કામથી એટલા ખુશ છીએ કે નેશનલ રૂરલ લાઈવલી રોડ મિશનના માધ્યમથી અમારા જેવા ઘણા મહિલાઓ અને તેમના કુટુંબો પગભર બન્યા છે અને સુખી બન્યા છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે