ગુજરાતનું ગોલ્ડન ગામ! ગામમાં છે પર્સનલ પાર્લામેન્ટ, AC બસ સ્ટેન્ડ અને સોનાની દિવાલો
Gujarat Golden Village: જોવા જેવું છે ગુજરાતનું આ ગોલ્ડન ગામ. એકવાર તમે આ ગામની મુલાકાત લેશો તે વિદેશ ટૂરિસ્ટ પ્લેસને ભૂલી જશો. ગામમાં પ્રવેશ્યા પછી તમને એવું લાગશે કે, આ કંઈ જગ્યા છે? શું ખરેખર હું ગુજરાતમાં છું?
Trending Photos
Gujarat Golden Village: શું તમે ક્યારેય એવા ગામ વિશે સાંભળ્યું છેકે, જયાં બધુ જ સોનાનું હોય? ગામનો ગેટ, ગામનો ઘુંમ્મટ, ગામની પંચાયત, ગામની બજારો, ગામના મકાનો ત્યાં સુધી કે ગામની દિવાલો અહીં બઘુ જ સોનેરી છે. દુનિયાભરમાં ક્યાંય નહીં હોય આવું ગોલ્ડન ગામ. ગામમાં કઈ કઈ સુવિધાઓ છે તે જાણીને તમે ચોંકી જશો. અહીં વાત થઈ રહી છે ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલાં બગસરાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલાં ગોલ્ડન ગામ તરીકે ઓળખાતા રફાળા ગામની.
કઈ-કઈ સુવિધાઓથી સજ્જ છે ગુજરાતનું ગોલ્ડન ગામ?
માત્ર એકાદ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં અંદાજે 200 જેટલાં જ ઓરડા છે. તેમ છતાં આ ગામની દરેક ગલીઓમાં પાકા રોડ-રસ્તા બનાવવામાં આવેલાં છે. આખાય ગામને આધુનિક ટ્રેનેજ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. ગામમાં સુંદર ગાર્ડન છે. સુંદર તળાવ છે. સુંદર પાઠશાળા છે. ગામમાં સુંદર મંદિરો પણ આવેલાં છે. સુરક્ષાની દ્રષ્ટીએ પણ આ ગામ ખાસ છે. આખાય ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. દરેક બહારથી આવતી જતી વ્યક્તિઓ પર અને ગામમાં થતી નાનામાં નાની હિલચાલ ઉપર સીસીટીવી કેમેરાની બાજ નજર રહે છે. એક પ્રકારે કહીએ ને કે જાણે આ ગામમાં ઈઝરાયલ જેવી સુરક્ષા વ્યવસ્થા છે તો પણ અતિશ્યોક્તિ નથી.
જ્યારે આ ઉપરાંત આ ગામમાં જાપાન જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ તમને જોવા મળશે. ગામની અંદર કોઈપણ કાર્યક્રમ હોય અથવા કોઈપણ જાહેરાત કરવાની હોય તે માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. આ ગામનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત પૂજ્ય મોરારિબાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે આખા ગામની તમામ બજારો, ગલીઓમાં તમામ ઘરની દીવાલોને ગોલ્ડન કલરથી રંગી દેવામાં આવી છે. બે ઘડી તો જોનારને એવું જ લાગે કે આ ગામમાં બધી દિવાલો સોનાની હશે. જોકે, એ હકીકત નથી. હાલ આ ગામને નિહાળવા અને અહીંની સુવિધાઓની જાણકારી મેળવવા બહારથી પ્રવાસીઓ પણ અહીં આવે છે.
ગામમાં સંસદ ભવન!
રફાળા ગ્રામ પંચાયત નમુનેદાર પંચાયત છે. આધુનિક સુવિધા સભર આ ગ્રામ પંચાયતને સંસદ ભવનનું નામ અપાયુ છે. ગામના તમામ રસ્તાઓ હંમેશા ચોખ્ખા ચણાક રહે છે. સરપંચ અને તેની ટીમ સ્વચ્છતા માટે તકેદારી રાખે છે. રફાળા ગામનો મુખ્ય પ્રવેશદ્વાર સરદાર ગેટ છે. ગામના રોડ રસ્તા પર પેવર બ્લોકથી રસ્તા તૈયાર કરવામાં આવ્યા છે તો સાથે જ ગામની તમામ દિવાલો ગોલ્ડન કલરની છે પીવાના પાણીની પાઇપલાઇન અને અંડર ગ્રાઉન્ડ ગટરનો પણ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે જેથી ગામની અંદર એક પણ જગ્યા પર પાણીનો વેડફાટ કે વ્યાપ જોવા નથી મળતો.
લાડલી ભવન-
રફાળા ગામમાંથી પાછલા 50 વર્ષો દરમિયાન પરણીને સાસરે મોકલાયેલી દીકરીઓની યાદમા શાનદાર લાડલી ભવન બનાવાયું છે. થોડા સમય પહેલા આ તમામ દીકરીઓને ગામમા બોલાવી તેમના હાથના થાપા અને તસ્વીરો લઇ અહી સ્મૃતિમાં રખાયા છે. આ દીકરીઓ પૈકી કેટલીક તો હાલ વૃદ્ધાવસ્થા ભોગવી રહી છે.
કોણે બદલી નાંખી આ ગામની શકલ?
ઉલ્લેખનીય છેકે, ગામમાં આ સુવિધાઓ અને આ પ્રકારની ઓળખ આજે ઉભી થઈ છે. પણ આજથી પાંચ-સાત વર્ષ પહેલાં કોઈ ગામનું નામ સુદ્ધા પણ જાણતું નહોતું. પરંતુ ગામમાં જન્મેલી એક વ્યક્તિએ એવી નિમ ઉપાડી કે મારે મારા ગામને સોને મઢી દેવું છે. બસ પછી તે એના પ્રયાસોમાં લાગી ગયો. આ કામમાં પછી ગ્રામજનોનો પણ તેને સાથ મળ્યો અને ત્યાર બાદ આ રીતે તૈયાર થયું ગોલ્ડન ગામ. અમે વાત કરી રહ્યાં છીએ ગુજરાતના જાણીતા ઉદ્યોગ સાહસિક અને સુરતથી પોતાના ધંધાની ચમક દેશ અને દુનિયામાં પ્રસરાવનાર સવજીભાઈ ધોળકિયાની. જીહાં આ સવજીભાઈનું ગામ છે. સવજીભાઈ ધોળકિયા અને ગામ લોકોના સંયુક્ત પ્રયાસોથી આ નમુનેદાર ગામને ગોલ્ડન વિલેજ તરીકે ઓળખ મળી છે.
કઈ રીતે આવ્યો ગોલ્ડન ગામ બનાવવાનો વિચાર?
સવજીભાઇ ધોળકિયા એક વખત ગાંધીનગરમાં પરિવારના કોઇ બાળકના એડમિશન માટે સ્કૂલમાં ગયા હતા. તે સમયે શાળા સંચાલકે તેમના ગામનું નામ સાંભળી પૂછ્યું, આ રફાળા ગામ ક્યાં આવ્યું છે? ત્યારથી તેમણે સંકલ્પ કર્યો હતો કે મારું ગામ કયાં આવ્યું છે તે કોઈને પૂછવું ન પડે તેવી તેની ઓળખ ઊભી કરવી. અહીંથી ગોલ્ડન ગામના બીજ રોપાયા. અને ત્યાર બાદ તૈયાર થયું ગુજરાતનું ગોલ્ડન ગામ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે