ભાજપના પૂર્વ MLA કેસરીસિંહનો હુંકાર, 'જિલ્લા પંચાયતમાં ભાજપને લીલા તોરણે ઘર ભેગી કરીશું'
કેસરીસિંહે જણાવ્યુ઼ હતું કે, હવે સહકારી સંઘની ચૂંટણી આગળની રણનિતીમાં જિલ્લા પંચાયત છે. જિલ્લા પંચાયતમાં ભાજપને લીલા તોરણે ઘર ભેગી કરીશું.
Trending Photos
ઝી બ્યુરો/ખેડા: ખેડા જિલ્લા સહકારી સંઘના સંચાલક મંડળના સભ્યોની 4 જાન્યુઆરીના રોજ કુલ 13 બેઠકોમાંથી બાકી રહેલી પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ખેડા જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લા રાજકારણ ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના સ્થાનિક આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કેસરીસિંહ સોંલકી સામે આક્ષેપો કર્યો છે. જી હા...ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વિરુધ માતર વિધાનસભા વિસ્તારના સંગઠને નારાજગી વ્યક્ત કરતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
જિલ્લા પંચાયતમાં ભાજપને લીલા તોરણે ઘર ભેગી કરીશું: કેસરીસિંહ
આ બાબતે કેસરીસિંહે જણાવ્યુ઼ હતું કે, હવે સહકારી સંઘની ચૂંટણી આગળની રણનિતીમાં જિલ્લા પંચાયત છે. જિલ્લા પંચાયતમાં ભાજપને લીલા તોરણે ઘર ભેગી કરીશું. 2014 થી 2022 સુધી ભારતીય જનતા પાર્ટીના માતરના ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ સોલંકી અવારનવાર વિવાદોમાં આવતાં જ રહ્યા છે. અગાઉ મહિલા ડીવાયએસપી સાથે તેમણે કરેલા વર્તનની ટીકા થયા બાદ, જુગાર ધામમાં તેમનું નામ સામે આવ્યું હતું. તેઓ જુગાર રમતાં ઝડપાયા બાદ અને પાર્ટી વિરૂધ્ધ પ્રવૃત્તિઓ ધ્યાને આવ્યા બાદ પાર્ટીએ તેમને સાઇડ લાઇન કર્યા હતા.
કેસરીસિંહે મ્યાન કરેલી તલવાર કાઢી
છેલ્લા બે વર્ષથી સાઇલન્ટ રહેલાં કેસરીસિંહે આખરે મ્યાન કરેલી તલવાર કાઢી અને ખુલીને પક્ષમાં હોવા છતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી, પક્ષના મેન્ડેટ ઉમેદવારને હરાવીને સહકારી સંઘમાં જીત હાંસલ કરી. હવે પછીનો તેમનો ટાર્ગેટ જિ.પા માં ભાજપને હરાવવાનો છે.
કેસરીસિંહ પાર્ટી વિરુધ જઈ કૃત્ય કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ
પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપો લાગ્યા છે કે બે-બે વખત પાર્ટી વિરુધ જઈ પાર્ટીને હારનો સામનો કરાવ્યો છે. કેસરીસિંહે માતર APMC ની ચૂંટણીમાં કોંગ્રેસના ચેરમેન બનાવવા જાહેરમાં ટેકો આપ્યો હતો. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરુધ પૂર્વ ધારાસભ્યએ ઉમેદવારી કરી હતી. આ તમામ આક્ષેપ સાથે માતર વિધાનસભાના ધારાસભ્ય, ત્રણ તાલુકા અને શહેર મંડળના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા હતા. કેસરીસિંહ ભાજપના પૂર્વ ધારાસભ્ય હોવા છતાં સહકારી ચૂંટણીઓમાં પાર્ટી વિરુધ જઈ કૃત્ય કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કેસરીસિંહના લીધે પાર્ટીમાં કાર્યકર્તાઓને મનભેદ થતો હોવાનો પત્રમાં ઉલ્લેખ
તમને જણાવી દઈએ કે ચૂંટણી પૂર્વે જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે માતર સહિતની તમામ બેઠકો પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે બે બેઠકો પર કોંગ્રેસની જીત થતાં 13માંથી 3 બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ધારાસભ્ય કલ્પેશ પરમાર, ચંદ્રેશ પટેલ, ભગવતિસિંહ પરમાર, અજીતસિંહ ગઢવી, કિશોરસિંહ ઝાલા, મનોજસિંહ રાઠોડ, વિજય વ્યાસ સહિતના નેતાઓ સહિત 200થી વધુ કાર્યકર્તાઓ કમલમ પહોંચી રજૂઆત કરી હતી. જેથી પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને તાત્કાલિક પાર્ટીમાંથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. કેસરીસિંહના લીધે પાર્ટીમાં કાર્યકર્તાઓને મનભેદ થતો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો.
કેસરીસિંહને 16 અને ભગવતસિંહને 12 મત મળતા ભાજપના ઉમેદવારની હાર
ખેડા જિલ્લા સહકારી સંઘની પાંચ બેઠકો માટે ગત શનિવારે મતદાન યોજાયું હતું. આ બેઠકો પર મંગળવારે મતદાન હાથ ધરાતા નડિયાદ અને કપડવંજની બેઠકો ઉપર કોંગ્રેસ, મહુધા અને કઠલાલ બેઠક પર ભાજપની જીત થઈ હતી. માતર બેઠક પર ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ જઈને માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે ભાજપે ભગવતસિંહ પરમારને મેદાને ઉતાર્યા હતા. ભાજપના અનેક પ્રયાસો છતાં કેસરીસિંહને 16 અને ભગવતસિંહને 12 મત મળતા ભાજપના ઉમેદવારની હાર થઈ હતી.
આવનાર સમય માટે ભાજપ માટે ખૂબ જ નુકશાનકારક બનશે
મહત્વની વાત એ છે કે માતરની બેઠક પરથી ભાજપના બળવાખોળ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે પક્ષની વિરુદ્ધમાં જઈને ઉમેદવારી નોંધાવી હતી, તેઓ આ ચૂંટણીમાં વિજય બન્યા છે તે જોતા આ તાલુકામાં ભાજપનો દબદબો હવે ઘટી ગયો છે અને કેસરીસિંહ તેના પર કબજો જમાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે તે આવનાર સમય માટે ભાજપ માટે ખૂબ જ નુકશાનકારક બનશે તેવું વિશેષજ્ઞોનું માનવું છે
પૂર્વ ધારાસભ્યને ભાજપમાંથી હાકી કાઢવામાં આવે તેવી માંગ
અગાઉ માતર એપીએમસીના ચેરમેન પદ માટે પણ કેસરીસિંહે કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારને જાહેરમાં ટેકો આપ્યો હતો. બે વખત ભાજપ વિરુદ્ધ જઈને ભાજપને જ હાર અપાવનારા કેસરીસિંહ સામે પક્ષવિરોધ કામગીરી કરતા હોવાના આક્ષેપ કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે. કેસરીસિંહની આ કામગીરીના કારણે પક્ષમાં આંતરિક વિખવાદ સર્જાતો હોવાથી પૂર્વ ધારાસભ્યને ભાજપમાંથી હાકી કાઢવામાં આવે તેવી માંગ થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે