શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ
આશા પટેલનો શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર કરતો ઓડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. જોકે આ ઓડિયો ક્લિપની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી, આ ઓડીયોમાં શહીદ પાટીદાર પરિવારોને રૂપિયા અને નોકરી આપવાની ઓફરના બદલે માત્ર એક વ્યક્તિને રૂપિયા આપીને બાકીના પરિવારોને રાજી કરીને બનાસકાંઠા બેઠક પર સેટિંગ કરવાની ચર્ચા થઈ રહી છે
Trending Photos
મહેસાણાઃ ઊંઝા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા આશાબેન પટેલનો એક ઓડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઝી 24 કલાક આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ તેમાં અવાજ આશાબેન પટેલનો હોય એવું જણાઈ રહ્યું છે. આ ઓડીયોમાં શહીદ પાટીદાર પરિવારોને રૂપિયા અને નોકરી આપવાની ઓફરના બદલે માત્ર એક વ્યક્તિને રૂપિયા આપીને બાકીના પરિવારોને રાજી કરીને બનાસકાંઠા બેઠક પર સેટિંગ કરવાની ચર્ચા થઈ રહી છે.
આશાબેન બટેલ સૌ પ્રથમ બ્રિજેશ પટેલ નામની વ્યક્તિ સાથે વાત કરે છે, જેમાં તેઓ તેને 50 લાખના બદલે 35 લાખમાં સેટિંગ કરી લેવા સમજાવે છે અને સાથે જ અન્ય શહીદ પાટીદાર પરિવારોને રાજી કરવાની જવાબદારી તેના માથે નાખવામાં આવી રહી છે. આ ઓડિયોમાં આશાબેન કોઈ વિમલભાઈ નામની વ્યક્તિનું પણ નામ લે છે, જે આ શહીદ પાટીદાર પરિવારોને પૈસા આપીને રાજી કરવા માટે મિડલમેન તરીકે કામ કરી રહ્યા હોવાનું ચર્ચા દ્વારા સમજાય છે.
આશાબેનની વાતચીત શબ્દશઃ અહીં નીચે રજૂ કરી છે....
આશાબેનઃ મેં વાઘાણી સાહેબ સાથે સીધી વાત કરી નથી, પરંતુ મારી વિમલભાઈ સાથે વાત થઈ છે. તે મુજબ આપણે 14 પાટીદાર પરિવારોને રૂ. 5 લાખ અને સરકારી નોકરી આપી શકીએ. હવે, હું મારી પરિસ્થિતિની વાત કરું છું. મારી પરિસ્થિતી એવી નથી. હું તારી મેટરમાં સમજું છું. હું લોકોના પૈસે ચૂંટણી લડું છું. ગયા વખતે લોકોએ 2-3 કરોડ ભેગા કરીને મને ચૂંટણી લડાવી હતી. હજુ આજ દિન સુધી મેં કરપ્શન કર્યું નથી. તમે બધા મારા છોકરા છો. મેં એવું નક્કી કર્યું છે. જો હું આ વખતે ચૂંટણી જીતીશ તો હું મિનિસ્ટર બનીશ અને પછી આપણે એ રીતે સેટિંગ કરીશું કે તને મારી સાથે રાખીશ. તેમાં તને પૈસા મળતા રહેશે. નજીકના ભવિષ્યમાં કે આગામી જિંદગીમાં તારા માટે નોકરીનું સેટિંગ પણ કરીશું. 50 લાખની વાત કરતાં આ વાત સારી છે. જો હાર્દિક કોંગ્રેસમાં ના જોડાયો હોત તો કિંગમેકર રહ્યો હોત. આંદોલનકારીએ હંમેશાં કિંગમેકર જ રહેવું જોઈએ. જો વિમલભાઈ 35 લાખ આપતા હોય તો તું એટલું તો સેટિંગ કરી લે.
સામેની વ્યક્તિઃ જો વિમલભાઈ 35 આપતા હોય તો હું તૈયાર છું, મને 35 આપી દે. તમારે આપવા હોય તો યસ કહી દો, ના આપવા હોય તો ના પાડી દો.
આશાબેનઃ તમે એવું ના કહેતા કે આશાબેને મને વાત કરી છે.
સામેની વ્યક્તીઃ ના..ના તમારું નામ લઈએ તો વિમલભાઈ એમ સમજી જાય કે આશાબેન એમનું સેટિંગ કરતા હશે. એટલે હું ગઈકાલનો આ જ વિચારતો હતો. આપણે તમારી વાત નહીં કરીએ.
આશાબેનઃ સત્તા હોય તો બધા આપે. સત્તા ના હોય તો કોઈ ન કોઈ ન આપે.
આશાબેન પટેલની વિમલભાઈ નામની વ્યક્તિ સાથેની વાતચીતનો ઓડિયો...
આશાબેનઃ બ્રિજેશના કેસમાં બનાસકાંઠામાં તેમને જો કેસ ચાલતો હતો. તેને આપણા ઉમેદવાર સાથે બેસાડીને વાતચીત કરાવી દઈએ. સરકારે નોકરી આપવાની ખાતરી અપાવી દઈએ તો બનાસકાંઠામાં અને બધે હાર્દિકનું ચેપ્ટર આખું પુરું થઈ જાય. આ હકીકત છે. એ વ્યક્તિનું જે કહીએ છે એટલામાં થાય એવું લાગતું નથી. આપણે બધા શહીદ પરિવારોને આપવાની જરૂર નથી. પરંતુ એ એરિયામાં માત્ર નોકરીની જ વાત કરવાની અને પેલી વ્યક્તિ પુરતી રકમ કરી દેવાની. આપણે તેના વિરુદ્ધમાં તેને ઉપવાસ પર નથી ઉતારવો પરંતુ તેને પાછળથી ખેસ પહેરાવીશું. આપણને વધારે નહીં પરંતુ 5-10 ટકા ફાયદો થાય. બનાસકાંઠામાં આપણને નુકસાન વધુ થાય એવું છે. આપણે તમામ 14 શહીદ પરિવારોને આપવાની જરૂર નથી. માત્ર એક વ્યક્તિને આપીશું, બાકીનું તે સંભાળી લેશે.
સામેની વ્યક્તિઃ હા...હા.. હું તમારી સાથે સહમત છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે