ગુજરાતમાં આતંક મચાવનારી સાળા-બનેવીની જોડી પકડાઈ, 51 મંદિરોમાં કરી હતી હાથસફાઈ

Crime News : ભાવનગર એલસીબીએ ગુજરાતના વિવિધ મંદિરોમાં થતી ચોરીનો ભેદ ઉકેલ્યો, સાળા બનેવીની ત્રિપુટી ઝડપાઈ.... જેઓેએ ગુજરાતના 9 જિલ્લાના મંદિરોને બનાવ્યા હતા ટાર્ગેટ

ગુજરાતમાં આતંક મચાવનારી સાળા-બનેવીની જોડી પકડાઈ, 51 મંદિરોમાં કરી હતી હાથસફાઈ

Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : અમુક લોકો વગર મહેનતે ઝડપથી પૈસાદાર બનવાના રસ્તા શોધતા હોય છે. અને એ માટે અવનવા કિમિયા પણ અપનાવતા હોય છે. જેને લઇને અનેક લોકો ચોરીના રવાડે ચડી જતા હોય છે. પરંતુ કાયદાના સકંજા માં આવે ત્યારે આવા લોકોને જેલમાં જવાનો વારો આવે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં રહેતા સાળા અને અમદાવાદ જિલ્લામાં રહેતા બે સગા બનેવીઓના આવા જ એક ચોરી કરવાના કારસ્તાનનો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે
 
રાજ્યમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હોવા છતાં આવા તસ્કરો પોલીસને પણ હાથતાળી આપી બેફામ રીતે ચોરીને અંજામ આપી લાખોનો મુદ્દામાલ હાથવગો કરી પલાયન થઈ રહ્યા છે, આવા તસ્કરો સામાન્ય રીતે બંધ ઘરો કે મિલકતોને ટાર્ગેટ બનાવતા હોય છે તેમજ જેતે વિસ્તારની રેકી કરી ચોરીને અંજામ આપતા હોય છે, આવી જ એક ભાવનગર અને અમદાવાદ જિલ્લાની ત્રિપુટીએ ચોરી કરવા મંદિરોને નિશાન બનાવ્યા તેમજ રાજ્યના ૯ જિલ્લાના ૫૧ મંદિરો માથી રોકડ અને સોનાચાંદીના આભૂષણોની ચોરી કરી લાખોનો મુદ્દામાલ લઈ પલાયન થઈ ગયા હતા. જેની અલગ અલગ ફરિયાદો ને લઈને રાજ્યભરની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું.

ચોરીની અનેક ફરિયાદોના પગલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ સક્રિય બની હતી. એવામાં એલસીબી સ્ટાફના માણસોને સિહોર તાલુકાના સિહોર ઘાંઘળી ચોકડી નજીક ઉભેલા ત્રણ શખ્સોની શંકાસ્પદ ગતિવિધિ અંગે બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચતા ત્રણે શખ્સો મળી આવ્યા હતા. જેની પૂછપરછ દરમ્યાન અતુલ પ્રવીણભાઈ ધકાણ નામનો એક આરોપી અગાઉ પણ અનેક ગુન્હામાં સંડોવાયેલો હોય તેની ઓળખ થઈ જતાં એલસીબી એ ત્રણેને ઝડપી લઇ આગવી ઢબે વધુ સઘન પૂછપરછ કરતાં ગુજરાતના ૯ જિલ્લાના ૫૧ મંદિરોમાં લાખોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
 
રાજ્યના ભાવનગર, અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, પોરબંદર સહિત ૯ જિલ્લામાં મંદિરોને ટારગેટ બનાવી તરખાટ મચાવનાર ત્રિપુટી સગા સાળા બનેવી હોવાનું બહાર આવ્યું છે, મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નવાગામનો વતની અતુલ પ્રવીણભાઈ ધકાણ અને અમદાવાદના નેસડા ગામનો ભરત પ્રવીણભાઈ થડેશ્વર બંને સાઢુભાઈ છે. જ્યારે અમદાવાદના હીરાવાડી વિસ્તારનો સંજય જગદીશભાઈ સોની બંનેનો સાળો થાય છે.

સાળા-બનેવી કેવા મંદિરોને ટાર્ગેટ બનાવતા
સાળા બનેવી સહિતની ત્રણેની તિપૂટી એ ટોળકી બનાવી ચોરી કરવામાં સૌથી આસાન બની શકે એવા મંદિરોને ટાર્ગેટ બનાવ્યા હતા. આ લોકો એવા મંદિરોને નિશાન બનાવતા જે લોકોની અવર જવર અને ગામથી થોડા દૂર હોય, દર્શન કરવાના બહાને મંદિર રોકાઈ જતાં અને બાદમાં રોકડ અને ભગવાનને ચડાવવામાં આવેલા આભૂષણોની ચોરી કરી પલાયન થઈ જતાં, આમ તેઓ એક બાદ એક મંદિરને નિશાન બનાવતા ગયા અને રાજ્યના ૯ જિલ્લા મળી 51 મંદિરોમાં ચોરી કરી લાખોનો મુદ્દામાલ ઉઠાવી લીધો હતો. 

આ વિશે ભાવનગરના ડીવાયએસપી આરવી ડામોરે જણાવ્યું કે, ચોરી કરનાર સાળા-બનેવીની ગેંગ સિહોરના ઘાંઘળી ચોકડી નજીક શંકાસ્પદ ગતિવિધિ કરતા હોય જે શખ્સો અંગે એલસીબીને બાતમી મળી હતી. જે બાદ તાત્કાલિક સ્થળ પર પહોંચતા ત્રણ ઈસમો મળી આવ્યા હતા, જેની આગવી ઢબે પૂછપરછ કરતાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં ચોરી કરી હોવાની કબૂલાત આપતા એલસીબીએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news