ટ્રેનિંગ બાદ ગુજરાત આવ્યા બાંગ્લાદેશી, ગુજરાતમાં અલકાયદાના મોડ્યૂઅલનો પર્દાફાશ
Al-Qaeda Module Busted: ગુજરાત ATSના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ દીપન ભદ્રને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ચાર સભ્યોને ભારત મોકલતા પહેલા બાંગ્લાદેશમાં તેમના હેન્ડલર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
Trending Photos
Al-Qaeda Module Busted: અલ કાયદાના ભારતીય મોડ્યુલનો પર્દાફાશ કર્યા બાદ ગુજરાત ATSએ તેની તપાસનો વ્યાપ વધારી દીધો છે. અલકાયદા સાથે સંકળાયેલા ચાર બાંગ્લાદેશીઓ પાસેથી મળેલી માહિતીના આધારે એટીએસ હવે તેમના મદદગારોને પકડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ભારતીય મોડ્યુલને સંપૂર્ણ રીતે તોડી શકાય.
ગુજરાતના અમદાવાદમાં આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ના હાથે ઝડપાયેલા ચાર બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે તેમણે ભારતમાં પ્રવેશતા પહેલા બાંગ્લાદેશમાં સંપૂર્ણ તાલીમ લીધી હતી. બાંગ્લાદેશમાં તેમણે મેળવેલી તાલીમમાં ખાસ કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે ભારતમાં જઈને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવું. એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ચાર બાંગ્લાદેશીઓને પકડીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધા છે. એટીએસની તપાસમાં વધુ ખુલાસા થવાની આશા છે.
બાંગ્લાદેશમાં તાલીમ મળી
ગુજરાત ATSના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ દીપન ભદ્રને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ચાર સભ્યોને ભારત મોકલતા પહેલા બાંગ્લાદેશમાં તેમના હેન્ડલર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
ભદ્રને જણાવ્યું હતું કે આ સભ્યોને અલ-કાયદાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા, સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એટીએસે શરૂઆતમાં એક બાંગ્લાદેશીને પકડી લીધો હતો અને ત્રણની અટકાયત કરી હતી. એટીએસે ચારેયની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. અલ-કાયદાના ચાર કથિત સભ્યોની ઓળખ મોહમ્મદ સોજીબ, મુન્ના ખાલિદ અંસારી, અઝહરૂલ ઇસ્લામ અંસારી અને મોમિનુલ અંસારી તરીકે કરવામાં આવી છે.
ત્રણ રૂમ ભાડે આપ્યા હતા
ભદ્રને કહ્યું કે ચોક્કસ બાતમીના આધારે અમે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા સોજીબની પૂછપરછ માટે પહેલા અટકાયત કરી હતી. સોજીબે અમને જણાવ્યું કે તે અને અન્ય ત્રણ લોકો અલ-કાયદા નેટવર્કનો ભાગ છે અને બાંગ્લાદેશ સ્થિત તેમના હેન્ડલર શરીફુલ ઇસ્લામ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યા છે. ઇસ્લામના માધ્યમથી આ યુવકો બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લામાં અલ-કાયદાના ઓપરેશન ચીફ શાયબાને મળ્યા હતા.
ભદ્રને જણાવ્યું હતું કે ATSએ બાદમાં શહેરના નારોલ વિસ્તારમાંથી મુન્ના, અઝહરુલ અને મોમિનુલની ધરપકડ કરી હતી, જ્યાં તેઓ ભારતીય નાગરિક તરીકે ઓળખાતી ફેક્ટરીઓમાં કામ કરતા હતા. ભદ્રને જણાવ્યું હતું કે એટીએસને ત્રણેયના ભાડાના રૂમમાંથી આધાર, પાન કાર્ડ અને આતંકવાદી સંગઠનની મીડિયા વિંગ અસ-સાહબ મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કેટલાક સાહિત્ય મળ્યા છે.
હવે મદદગારોની શોધમાં છે
અલ કાયદાના આ ઓપરેટિવ્સને પકડ્યા પછી, એટીએસ હવે તપાસ કરી રહી છે કે ચારેયને ભારત-બાંગ્લાદેશ સરહદ પાર કરવામાં કોણે મદદ કરી હતી. નાણાં એકત્ર કરવાની તેમની પદ્ધતિઓ શું હતી? એટીએસ એ પણ શોધી રહી છે કે કેટલા લોકો તેમના સંપર્કમાં આવ્યા છે. ગુજરાત ATSએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દેખરેખ વધારી છે.
એટીએસના જણાવ્યા અનુસાર, આ તમામે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પછી પોતાને ભારતીય સાબિત કરવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. અમદાવાદ શહેરમાં થોડા દિવસોમાં ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા નીકળવાની છે ત્યારે ATSએ અલ-કાયદાના ભારતીય મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ બાંગ્લાદેશીઓનો હેતુ યાત્રામાં વિક્ષેપ પાડવાનો પણ હોઈ શકે તેવી આશંકા એટીએસ નકારી શકતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે