ગુજરાતમાં ચારેતરફ હાહાકાર! વડોદરા-રાજકોટના હાલ બેહાલ થયા, કચ્છ તરફ ડીપ ડિપ્રેશન આવે તેવી શક્યતા
Gujarat Flood : રાજ્યમાં હજુ બે દિવસ છે અતિભારે વરસાદનું સંકટ... હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ... તો ભારે વરસાદના કારણે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં રજા.... રાજ્યમાં મેઘો મૂશળધાર.. 24 કલાકમાં 251 તાલુકામાં વસ્યો વરસાદ... સૌથી વધુ મોરબીના ટંકારામાં ખાબક્યો 14 ઈંચ વરસાદ.. કુલ 11 તાલુકામાં 12 ઈંચથી વધારે વરસાદ...
Trending Photos
Gujarat Rains : રાજ્યમાં મેઘરાજાએ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના દરેક ભાગમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 170 તાલુકામાં 2થી 14 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મોરબીના ટંકારામાં વરસ્યો 14 ઈંચ વરસાદ વરસ્યો. તો પંચમહાલના મોરવાહડફમાં પણ ખાબક્યો 14 ઈંચ વરસાદ ખાબક્યો. રાજ્યના 11 તાલુકામાં 12 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. નડિયાદમાં 13, બોરસદ અને વડોદરા શહેરમાં પોણા 13 ઈંચ વરસ્યો. આણંદ અને પાદરામાં 12.5 ઈંચ વરસાદ વરસ્યો. તો ખંભાત, ગોધરા, વાંકાનેર અને તારાપુરમાં પણ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. વસો, સોજીત્રા અને માંડવીમાં પણ 10 ઈંચ વરસાદ વરસ્યો. બાલાસિનોર, મોરબી, નખત્રાણા, પેટલાદમાં 9 ઈંચથી વધુ વરસાદ રહ્યો. રાજકોટ, ખંભાળિયા, ગલતેશ્વર, કાલાવડમાં 8.5 ઈંચ વરસાદ રહ્યો. શહેરા, સંતરામપુર, મહેમદાબાદ, મહુધા, મેઘરજમાં 8 ઈંચ વરસાદ નોંધાયો. ધોળકા, લીમખેડા, માતરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો.
ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમને કારણે અનેક તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 251 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં મેઘ મહેર થઈ છે. આ કારણે કચ્છના માંડવી-કંડલા બંદર પર 3 નંબરનો સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ બની છે. મધ્યપ્રદેશ- રાજેસ્થાન વચ્ચે ડીપ ડિપ્રેશન બન્યું છે. ગુજરાત/કચ્છ તરફ ડીપ ડિપ્રેશન આવે તેવી શક્યતા છે. ડીપ ડિપ્રેશનના કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી છે. ગુજરાતના કાંઠા પર મોટો ખતરો ઝુંળંબી રહ્યો છે, ત્યારે કચ્છ સહિતના તમામ વિસ્તારોના પોર્ટને એલર્ટ કરાયા છે. કચ્છના તમામ બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. માંડવી કોટેશ્વર જખો સહિતના તમામ બંદરો ના માછીમારોને સલામત સ્થળે તેમની હોડીઓ લાંગરી દેવાની સૂચનાને પગલે મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે.
સિઝનનો કેટલો વરસાદ?
- કચ્છ 116.79 ટકા
- દ.ગુજરાત 108.20 ટકા
- સૌરાષ્ટ્ર 101.52 ટકા
- મ.ગુજરાત 98.74 ટકા
- ઉ.ગુજરાત 79.99 ટકા
ગુજરાતના 433 રસ્તાઓ બંધ
રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે એસ.ટી બસ પરિવહનને માઠી અસર પડી છે. વરસાદને લઈ રાજ્યભરના 433 રૂટ બંધ હાલતમાં છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડાનાં રૂટ ઉપર માઠી અસર થઈ છે. રાજ્યમાં 433 રૂટ બંધ કરતા 2081 ટ્રીપ કેન્સલ થઈ છે. કુલ 14512 રૂટ પૈકી 433 રૂટ બંધ તેમજ 40515 ટ્રીપ પૈકી 2081 ટ્રીપ બંધ છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નરોડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો. તો મણીનગરમાં પણ 13 ઇંચ વરસાદ નોંધાયો. ઉસ્માનપુરામાં 11 ઇંચ વરસાદ નોંધાયો. વાસણા બેરેજ 128-5 ફૂટ લેવલ પર આવતા 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. સોમવારે બંધ કરેલા નવ અંડરપાસમાંથી સાત ખોલી નાંખ્યા છે. હજુ પણ બે બંધ હાલતમાં છે. અમદાવાદમાં આજે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદ છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા સલાહ અપાઈ છે.
ભારે વરસાદથી પાણી પાણી થયું રાજકોટ...
રાજકોટમાં 12 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી 6 ઇંચ વરસાદ વરસ્યો. હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ છે. શહેરના આજી-૧ ડેમના નીચાણવાળા વિસ્તારમાં નાગરિકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. રાજકોટ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની મદદ માટે સંપર્ક નંબર જાહેર કરાયા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ક્લેક્ટર કચેરી રાજકોટ ખાતે મોબાઈલ નંબર ૯૯૯૮૩૪૪૧૯૨ પર સંપર્ક કરી શકાશે.
સૌરાષ્ટ્રમાં મેઘમહેર, આ રહ્યાં આંકડા
રાજ્યભરમાં મેઘરાજા અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે પણ સવાર સવારમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ મેઘરાજાએ રાજકોટને ઘમરોળ્યું છે. સવારે બે કલાકમાં રાજકોટના લોધિકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો. રાજકોટ શહેરમાં બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો. સુરેન્દ્રનગરના થાનગઢમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો. મોરબીના વાંકાનેરમાં આજે પણ અઢી ઈંચ વરસાદ નોંધાયો. મોરબીમાં 26 કલાકમાં સાડા 16 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલા, ખેડાના મહુધામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. જૂનાગઢના કેશોદ, મેંદરડામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો.
રાજકોટની સ્થિતિ ખરાબ
પડધરી તાલુકાના ૧૦ દરવાજા ૧.૮ મીટર ખોલાયા-હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલ ન્યારી-૨ જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા રુલ લેવલ જાળવવા જાળવવા ૧૦ દરવાજા ૧.૮ મીટર સવારે ૮.૨૦ વાગ્યે ખોલવામાં આવેલ છે. આથી પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે