શું ભરૂચ લોકસભાથી ફૈઝલ લડશે ચૂંટણી? 'હું તો લડીશ' નાં બેનર સાથે જાહેર કર્યું પોસ્ટર

દેડીયાપાડામાં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 'હું તો લડીશ' નાં બેનર સાથે ફૈઝલ પટેલનું સ્વ.અહેમદ પટેલ સાથે કોંગ્રેસે પોસ્ટર જાહેર કર્યું. મોટી સંખ્યામાં આદિવાસી લોકો કોંગ્રેસના કાર્યક્રમમાં જોડાયા હતા.

શું ભરૂચ લોકસભાથી ફૈઝલ લડશે ચૂંટણી? 'હું તો લડીશ' નાં બેનર સાથે જાહેર કર્યું પોસ્ટર

Bharuch Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ ભરૂચ ની બેઠક મહત્વની બનતી જઈ રહી છે. ખાસ કરીને ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાના નામની જાહેરાત થઈ છે. જોકે હજુ તેઓ જેલમાં છે ત્યારે બીજી તરફ ભરૂચની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બે નામ ચર્ચામાં છે. જેમા રાજ્ય સભાના પૂર્વ સદસ્ય સ્વ.અહેમદ પટેલના દીકરા અને દીકરી ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના નામો ચર્ચાઈ રહ્યાં છે. ત્યારે હું તો લડીશના બેનર સાથે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે.

જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન
દેડીયાપાડામાં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 'હું તો લડીશ' નાં બેનર સાથે ફૈઝલ પટેલનું સ્વ.અહેમદ પટેલ સાથે કોંગ્રેસે પોસ્ટર જાહેર કર્યું. મોટી સંખ્યામાં આદિવાસી લોકો કોંગ્રેસના કાર્યક્રમમાં જોડાયા હતા. આ સાથે જ કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આમ આદમી પાર્ટીનાં ચૈતર વસાવાની જાહેરાત જેને લઈને ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, એ તેમની પાર્ટીનો વિષય છે. ઇન્ડીયા ગઠબંધનમાં જે નક્કી કરશે તે જ ઉમેદવાર રહેશે.

મહત્વનું છે કે, ભાજપામાંથી સતત સાતની વાર વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવા ફરીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. ભરૂચ લોકસભા 2024માં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે એવી શક્યતા છે. ભરૂચ લોકસભા સીટ પર સ્વ.અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી હોય એવી કોંગ્રેસની ઈચ્છા છે.                          

ભરૂચમાં લાગેલા એક બેનરથી રાજકારણ ગરમાયું
ભરૂચમાં લાગેલા એક બેનરથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના બેનરથી ચર્ચા ઉઠી છે. ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે મરહૂમ એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની તસ્વીર સાથે "હું તો લડીશ" ના સ્લોગન સાથે બેનર લાગતા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

ફૈઝલ પટેલના બેનરથી પરિવારમાં બે ભાગ પડ્યા!
હજી થોડા સમય પહેલા જ અહમદ પટેલના પુત્રી મુમતાઝે પણ કોંગ્રેસમાંથી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ફૈઝલ પટેલના બેનરથી પરિવારમાં બે ભાગ પડ્યા હોય તેવું લાગે છે. બીજી તરફ ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી રાજ્યની ફક્ત આ એક જ બેઠક માંગી રહી છે. ત્યારે ભરૂચ બેઠક હોટ બેઠક બની રહી છે. જોકે, હજી તો બેઠકના દાવેદાર વિશે કંઈ નક્કી નથી, તેમાં ભાઈ-બહેન વચ્ચે ડખા શરૂ થયા છે. 

અહેમદ પટેલના દીકરા દીકરી વચ્ચે બેઠક માટે જંગ
લોકસભાની ચૂંટણીને હજી વાર છે. પરંતુ અત્યારથી જ ટિકિટ માટે નેતાઓમાં હોડ લાગી ગઈ છે. દરેક નેતા પોતાને ટિકિટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. કારણ કે, આ બેઠક માટે એક સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં લડાઈ છે. ત્યારે હવે અહેમદ પટેલના દીકરા દીકરી વચ્ચે આ બેઠક માટે જંગ શરૂ થઈ ગઈ છે. 

ભરૂચના રસ્તાઓ પર ફૈઝલનું બોર્ડ
ભરૂચના જાહેર માર્ગે પર એક બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનરમાં માત્ર “હું તો લડીશ – ફૈઝલ અહેમદ પટેલ” લખેલું છે. તો સવાલ એ છે કે, આ બેઠક પરથી જો ફૈઝલ પટેલ ચૂંટણી લડશે તો મુમતાઝ પટેલનું શું થશે, જેઓએ થોડા સમય પહેલા જ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ભરૂચની બેઠક અહેમદ પટેલના પરિવારમાં વિવાદ જગાવી રહી છે. કારણ કે, ફૈઝલ પટેલ કોંગ્રેસથી નારાજ છે. તેથી તેઓ કયા પક્ષથી ચૂંટણી લડશે તે મોટો સવાલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news