બનાસકાંઠામાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી, કાટમાળમાં 11 લોકો દટાયા, 3ના મોત
Trending Photos
અલકેશ રાવ, બનાસકાંઠા: પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે આજે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા 11 લોકો દિવાલના કાટમાળમાં દટાયા હતા. જેમાં બે બાળકો અને એક ગર્ભવતી મહિલા સહિત 3 લોકોના મોત નીપજતા છે. જેથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે.
મોટાભાગે મકાનોના બાંધકામ દરમિયાન સેફટી માટે જે તકેદારી રાખવી જોઈએ તે રાખવામાં આવતી નથી. જેના કારણે જ જ્યારે પણ બાંધકામ થતું હોય ત્યાં અકસ્માત સર્જાય છે ત્યારે અનેક નિર્દોષ મજૂર લોકો મોતને ભેટે છે. આવી જ એક ઘટના બની છે પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે. જ્યાં એક જર્જરિત દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત નિપજ્યા.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સેજલપુરા ગામે એક નવુ કોમ્પ્લેક્ષ બની રહ્યું હતું અને તેના પાયા પુરવાનું કામ 11 મજૂરો કરી રહ્યા હતા જ્યાં બે નાના બાળકો પણ હતા. જોકે તે દરમિયાન જ તેની પાસે આવેલી જર્જરિત દીવાલ ધરાશાયી થતા 11 લોકો દિવાલના કાટમાળમાં દટાયા હતા. એક સાથે 11 લોકો દટાતા ગામના ટોળેટોળા એકત્ર થયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને જેસીબીની મદદ લઈને દટાયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરી તપાસમાં બે નાના બાળકો તેમજ એક ગર્ભવતી મહિલા મોતને ભેટી હોવાની પુષ્ટિ કરાઈ હતી. જોકે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી..
ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં જે મૃતકો છે તેની લાશને પીએમ માટે દુર્ઘટના બનવા પાછળ શું કારણ છે તે મામલે તપાસ માટે પોલીસને પણ આ સૂચના આપવામાં આવી છે. જે પણ આ દુર્ઘટના માટે કારણો હશે તમામ કારણોને ધ્યાને લઇ તે બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેવું પાલનપુર મામલતદારે કહ્યું હતું.
આજે બનેલી દુર્ઘટનામાં ત્રણ ગરીબ મજૂર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બાંધકામ દરમિયાન જે સેફટી રાખવી જોઈએ તે ન રાખવામાં આવી અને તેના કારણે દુર્ઘટના સર્જાઈ છે.જોકે આ બાબતે ગામના સરપંચે કહ્યું હતું કે અમે આ જર્જરિત મકાનની દીવાલ હટાવી લેવા મૌખિક સુચના આપી હતી અને હવે આ ઘટના બાદ તાત્કાલીક ગામમાં જે મકાનો જર્જરિત હશે તેમને નોટિસ આપશે ત્યારે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે તપાસમાં ગુનેગાર લોકો સામે શું એક્શન લેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે