11 સિંહનાં મોતઃ રાજ્યથી માંડીને કેન્દ્રીય ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
ગીરના જંગલમાં 12 દિવસમાં 11 સિંહના મોતના સમાચાર બાદ રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે, રાજ્ય દ્વારા ટીમો ગીરના જંગલમાં દોડાવાઈ છે તો શનિવારે દિલ્હીથી પણ કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ માટે મોકલવામાં આવ્યા છે,રવિવારે પત્રકાર પરિષદનું આયોજન
Trending Photos
ગાંધીનગરઃ ગીરના જંગલમાં બે દિવસ પહેલાં છેલ્લા 12 દિવસમાં 11 સિંહના મોતના સમાચાર આવ્યા હતા. આ સમાચાર બાદ રાજ્યથી માંડીને રાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના બાબતે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શનિવારે દિલ્હીથી કેન્દ્ર સરકારના બે ઉચ્ચ અધિકારીઓ આ ઘટનાની વિગતવાર માહિતી મેળવવા અને આગળની કાર્યવાહી અંગે ચર્ચા-વિચારણા કરવા માટે ગુજરાત દોડી આવ્યા હતા.
કેન્દ્રના અધિકારીઓ આવી પહોંચ્યા
શનિવારે ગુજરાત સરકારની વિનંતી બાદ કેન્દ્રના 2 ઉચ્ચ અધિકારીની ટીમે ગીરના જંગલમાં આવી પહોંચી હતી. કેન્દ્રના વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન વિભાગના ડિરેક્ટર અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના AIG ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. શનિવાર અને રવિવાર એમ બે દિવસ તેઓ ગીરના વિસ્તાર સહિત હાલ સિંહોએ જ્યાં-જ્યાં વસવાટ વધાર્યો છે એ તમામ સ્થળોની તેઓ મુલાકાત લેવાના છે. સિંહોના મોતના કારણની વિસ્તૃત માહિતી મેળવશે. ત્યાર બાદ તેઓ સિંહોના સંરક્ષણ અને તેમની વધતી જતી વસતીને ધ્યાનમાં રાખીને લાંબાગાળાના આયોજન અંગે રાજ્ય સરકારને સુચન કરશે.
રવિવારે જૂનાગઢ ખાતે આ અંગે વધુ ખુલાસો કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય વન વિભાગના સચિવ, PCCF જી.કે. સિંહા, PCCF વાઈલ્ડ લાઇફના અક્ષય સક્સેના તેમજ CCF જૂનાગઢ હાજરી આપશે.
રાજ્ય સરકાર દ્વારા પણ તપાસનો ધમધમાટ
ગીરનાં જંગલના પૂર્વવિભાગનાં રેન્જ વિસ્તારોમાં સિંહોનાં મોત થતાં રાજ્ય સરકાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ઘટનાની ગંભીરતાને જોતાં વનવિભાગ દ્વારા સિંહોનું મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગીર પુર્વ વનવિભાગની જસાધાર રેન્જમાં 55 સિંહો સલામત હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 11 સિંહ, 35 સિંહણ અને 9 સિંહબાળનો સમાવેશ થાય છે. હાલ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મોનિટરિંગમાં 1 વેટરનીટી તબીબ, 6 ટ્રેકર્સ અને 41 વન કર્મચારીઓને આ કામમાં લગાડવામાં આવ્યા છે.
વેરાવળ રેન્જ અને જૂનાગઢમાં પણ તપાસ
વેરાવળ રેન્જના ફોરેસ્ટર એચ.ડી. ગલચારે આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, વેરાવળ અને સુત્રાપાડા બંનેમાં લગભગ 600 હેક્ટરના વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. આ વિસ્તારને રેન્જ ફોરેસ્ટ (RF) કહેવામાં આવે છે, જે સમગ્ર જૂનાગઢ વન વિભાગ હેઠળ આવે છે. જૂનાગઢ વન વિભાગ અને વેરાવળ રેન્જમાં કુલ 18 જેટલા સિંહનો વસવાટ છે. હાલ સિંહો માંગરોળ સુધી સ્થળાંતર કરતા રહે છે. ચોમાસામાં વધી જતા ઝાડી-ઝાંખરાને કારણે સિંહો જંગલ છોડીના માનવ વસાહત અને ખુલ્લા મેદાનમાં આવી પહોંચતા હોય છે.
કુરતી રીતે થયાં છે મોતઃ સરકારનો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, ગીરના જંગલમાં છેલ્લા 12 દિવસમાં 11 સિંહના મોતથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયા બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યાર બાદ સરકાર તરફથી ઘટના અંગે વધુ હોબાળો ન મચે તેના માટે એવો ખુલાસો કરાયો હતો કે, આ 11 સિંહોનું મોત કુદરતી રીતે થયું હતું. સિંહણ ઉપર હક જમાવા માટે થતી ઈનફાઈટમાં અને કુદરતી બિમારીને કારણે આ સિંહોના મોત થયાનું સરકારે જણાવ્યું હતું.
5 વર્ષમાં 414 સિંહ અને 535 દિપડાના મૃત્યુ
રાજયમાં 2013થી પાંચ વર્ષના ગાળા દરમિયાન 414 સિંહ અને સિંહબાળના મોત થયા છે. જેમાં 260 સિંહ અને 154 સિંહબાળ છે. 42 સિંહ અને 28 સિંહબાળના અકુદરતી રીતે મૃત્યુ થયા છે. કુલ 688 દિપડાના મોત થયા છે. તેમાં 535 દિપડા અને 153 દિપડાના બચ્ચાં છે. તેમાં 164 દિપડા અને 28 દિપડાના બચ્ચાના અકુદરતી રીતે મૃત્યુ થયા છે.
દલખાણીયા રેંન્જ ગેરકાયદે લાયન શો માટે કુખ્યાત
હાલમાં જે દલખાણીયા રેંજમાં 11 સિંહના મોતનો મામલે સામે આવ્યો છે ત્યાં ગેરકાયદે લાયન શો મોટા પ્રમાણમાં થતા રહે છે. માથાભારે તત્વો દ્વારા વનકર્મીઓ પર પણ હુમલો કરવાની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની છે. અગાઉ વનકર્મી પર ફાયરીંગ અને એક વનકર્મીની હત્યા જેવી ઘટના પણ બની ચૂકી છે. મોટી રકમ લઈને મોડી રાત્રે ગેરકાયદે રીતે લાયન શો માટે સેમરડી વિસ્તાર કુખ્યાત છે. તાજેતરમાં જ સિંહને મરઘી દેખાડીને લલચાવવાનો એક વીડિયો ખુબ જ વાયરલ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે