#Me Too : આલોકનાથ ઉપર હવે દીપિકા અમીને પણ લગાવ્યો આરોપ, જાણો શું કહ્યું
ફિલ્મ 'સોનું કે ટીટ્ટુ કી સ્વિટી'ની અભિનેત્રી દીપિકા અમીને લખ્યું છે કે, થોડા વર્ષ પહેલાં તે જ્યારે એક ટેલિફિલ્મ માટે આઉટડોર શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે આલોકનાથે 'તેના રૂમમાં ઘુસવાનો' પ્રયાસ કર્યો હતો
Trending Photos
નવી દિલ્હીઃ તાજેતરમાં જ આવેલી ફિલ્મ 'સોનુ કે ટીટ્ટુ કી સ્વિટી'માં અભિનેતા આલોકનાથ જોવા મળેલી અભિનેત્રી દીપિકા અમીને પણ હવે આલોકનાથના વ્યવહાર અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી છે. દીપિકાનો દાવો છે કે, હિન્દી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં આલોકનાથની દારૂડિયા અને મહિલાઓનું શોષણ કરનારી છબીને દરેક વ્યક્તી જાણે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ટીવી સીરિયલ 'તારા'ની નિર્દેશક અને જાણીતી ફિલ્મનિર્માતા વિન્તા નંદાએ પણ આલોકનાથ પર વર્ષો પહેલાં તેના ઉપર બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. વિન્તાના આરોપ બાદ અભિનેત્રી સંધ્યા મૃદુલે પણ તેનું સમર્થન કરતાં આલોકનાથ દ્વારા તેનું જાતીય શોષણ કરવા અંગેની પોતાની આપવીતી જણાવી હતી.
ફેસબુક પર વિન્તા નંદાની પોસ્ટને શેર કરતાં દીપિકા અમીને લખ્યું કે, થોડા વર્ષ પહેલાં તે જ્યારે એક ટેલીફિલ્મ માટે આઉટડોર શૂટિંગ કરી રહી હતી ત્યારે આલોકનાથે તેના રૂમમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મંગળવારે ફેસબુકમાં લખ્યું કે, "ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ જાણે છે કે આલોકનાથ એક અપ્રિય દારૂડિયા છે, જે મહિલાઓનું જાતીય શોષણ કરતા આવ્યા છે.
વર્ષો પહેલાં તેમણે એક ટેલીફિલ્મના શૂટિંગ દરમિયાન મારા રૂમમાં ઘુસવાનો પ્રયાસ કર્યોહતો. મહિલાઓને જોઈને તેમની લાળ ટપકે છે. દારૂ પીવે છે અને પછી તોફાન મચાવે છે."
દીપિકાએ વધુમાં લખ્યું કે, "એ સમયે યુનિટ મારી પડખે આવ્યું હતું અને એ સુનિશ્ચિત કર્યું હતું કે હું સલામત રહું. હું એ સમયે ઘણી જ યુવાન હતી, પરંતુ મને આજે પણ યાદ છે કે તે કેટલા બિહામણા બન્યા હતા." અમીને વધુમાં લખ્યું કે, "જોકે, 'સોનુ કે ટીટ્ટુ કી સ્વિટી' ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમનો વ્યવહાર અત્યંત મૃદુ વ્યવહાર હતો. બની શકે કે તેઓ બદલાઈ ગયા હોય. બની શકે કે નિર્દેશક લવ રંજને સ્પષ્ટ કરી દીધું હોય કે તેઓ ખરાબ વ્યવહાર સહન નહીં કરે."
દીપિકા અમીને વિન્તા નંદાની વાત પર લખ્યું કે, "વિન્તા નંદાનો હૃદચ હચમચાવી દેનારો અનુભવ વાંચ્યા બાદ મને લાગ્યું કે મારે તેમને ટેકો આપવો જોઈએ. મહિલાઓ પર વિશ્વાસ મુકો. પોતાની વાત જણાવીને તેમની પાસે ગુમાવા માટે ઘણું બધું છે."
ઉલ્લેખનીય છે કે, વિન્તાની ફેસબુક પોસ્ટ અનુસાર તે આલોકનાથની પત્નીની બહેનપણી હતાં. તેનો ફાયદો ઉઠાવીને આલોકનાથે તેનું જાતીય શોષણ કર્યું હતું. વિન્તાએ લખ્યું હતું કે, "તેમણે મારી સાથે એ વખતે શારીરિક દુર્વ્યવહાર કર્યો હતો જ્યારે 1994માં હું પ્રખ્યાત શો 'તારા' માટે કામ કરતી હતી."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે