આ વર્ષે માર્કેટમાં મોંઘી મળશે કેરી! ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોએ આપ્યા ખરાબ સમાચાર
Unseasonal Rain : ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે કેરીના પાકને નુકસાન કર્યું... ખેડૂતોએ વાડીમાં મહામહેનત ઉભા કરેલી કેરીના પાક પર પાણી ફરી વળ્યું, ભાવનગર જિલ્લામાં ઉત્પાદન ઘટતા સામાન્ય વર્ગ માટે દુષ્કર બનશે કેરીનો સ્વાદ
Trending Photos
Mavthu Effect On Mango નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ ગયો છે, વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 50 થી 60 ટકા ઓછું ઉત્પાદન થવાની સંભાવના છે. આ વર્ષે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મ્હોર ખરી રહ્યા છે. તેમજ આંબા પર અચાનક નવી કૂંપળો ફૂટી રહી છે, જે કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે. કેરીનું ઓછું ઉત્પાદન થતા અનેક ખેડૂતો પોતાના બગીચાઓમાંથી આંબાના વૃક્ષો દૂર કરી રહ્યા છે. કેરીનો પાક ઓછો ઉતરતા કેસર કેરી મોંઘીદાટ મળશે, જેથી સામાન્ય વર્ગ માટે કેરી ખાવી દુષ્કર બની જશે.
ઓછી ઠંડી અને ઉનાળો જામતા જ કેરીના મોર પર અસર પડી
ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો કેસર કેરીનું હબ ગણાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલર સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટાપાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે. તળાજા પંથકમા આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવનાં દેખાઈ રહી છે. આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ આંબા પર નાની નાની ખાખટી જોવા મળી હતી. પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલાની વહેલી ગરમીને કારણે આંબા પરના મોર ખરી જવાનું પ્રમાણ વધી ગયું હતું.
નાની કેરી ખરી જતા ઓછી કેરી ઉતરી
તો બીજી તરફ એપ્રિલના પ્રારંભે મહોરમાં ફળ આવવાના ટાણે જ અચાનક આંબાઓ પર નવી કૂપળો ફૂટીને નવા પાન આવવા લાગ્યા હતા. સામાન્ય રીતે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા નવા પાન આવી જતા કેરીના ફળનો ગ્રોથ અટકી ગયો હતો. તેમજ નાની નાની કેરીઓ ખરી પડવા લાગતા કેરીનો ઉતારો ઘટી જવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબાઓ પર કેરીનું 60 થી 70% એટલે કે સામાન્યથી પણ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ઓછું ઉત્પાદન થવાને કારણે મોંઘીદાટ થનાર કેસર કેરી સામાન્ય પરિવારો માટે દુષ્કર બની રહેશે.
માવઠાની કેરી પર અસર
તળાજા તાલુકા પંથકના સોસીયા, ભાંખલ, મણાર, દાઠા, વાલર સહિતના ગ્રામ્ય વિસ્તારનાં પ્રગતિશિલ બાગાયતકાર ખેડૂતો કેસર કેરીના શ્રેષ્ઠ ઉત્પાદન માટે ખૂબ જ જાણીતા છે. અહીંની કેસર કેરી સોસિયાની કેસર તરીકે પ્રખ્યાત છે, જેની માંગ માત્ર દેશમાં જ નહિ વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. વર્ષે અંદાજે 5 હજાર ટન કેરીનું આ પંથકમાં ઉત્પાદન થતું હોય છે. પરંતુ હાલ ગ્લોબલ વોર્મિંગની અસર અને વિષમ તાપમાનના કારણે કેસર કેરીનો સફળ પાક લેવો પડકારરૂપ બની રહ્યો છે. જેના કારણે આ વર્ષે માત્ર 1500 થી 2000 ટન કેરીનું ઉત્પાદન થવાની સંભાવના જોવા મળી રહી છે. કુદરતના ક્રમ મુજબ ડિસેમ્બર જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં આંબા ઉપર મોર બેસવા લાગે છે અને ફેબ્રુઆરીમાં આંબા પૂર્ણ કક્ષાએ મોહરી ઊઠે છે. પરંતુ આ વર્ષે દિવાળી બાદ વિષમ વાતાવરણને કારણે આંબા ઉપર પાંખા મોર બેઠા હતા અને ઉનાળા પહેલાની વધારે ગરમીના કારણે નાના ફળ ખરી જવાનુ પ્રમાણ વધી જતાં કસમયે આંબા પર નવા પાન આવવા લાગ્યા છે, જેની કેરીના કુદરતી ઉત્પાદનને ગંભીર અસર થઈ છે. જેના કારણે કેરીનો ભાવ બમણો થઈ શકે છે.
કેરીના શોખીનો સિઝનના પ્રારંભથી જ કેરી ખાવાની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ જેઠ સુદ અગિયારસ જેને ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે તે દિવસે સૌથી વધારે કેરી આરોગતા હોય છે. પરંતુ આ વર્ષે કેરીની ભારે માંગની સામે ઉત્પાદન ઓછું થતાં અપૂરતા પુરવઠાને કારણે કેરીના ભાવ ઉંચકાઇ જવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે