6 દુર્ઘટનામાં 234 લોકોના મોત, હવાઈ મુસાફરો માટે 'કાળ' સાબિત થયો ડિસેમ્બર મહિનો

અઝરબૈજાન એરલાઈન્સનું એક વિમાન બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક ક્રેશ થયું હતું, જેમાં 38 લોકોના મોત થયા હતા. આ વિમાન અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના શહેર ગ્રોન્જી માટે ઉડ્યું હતું.
 

 6 દુર્ઘટનામાં 234 લોકોના મોત, હવાઈ મુસાફરો માટે 'કાળ' સાબિત થયો ડિસેમ્બર મહિનો

નવી દિલ્હીઃ વર્ષ 2024નો ડિસેમ્બર મહિનો વિમાન યાત્રીકો માટે કાળ સાબિત થયો છે. આ મહિને દુનિયાભરમાં કુલ 6 વિમાન દુર્ઘટના ઘટી, જેમાં 234 લોકોના મોત થયા છે. આ આંકડા ખરેખર ચોંકવનારા છે અને હવાઈ યાત્રા દરમિયાન સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા કરે છે. દક્ષિણ કોરિયાના એક એરપોર્ટ પર રવિવારે લેન્ડિંગ કરતી વખતે પેસેન્જર પ્લેનમાં આગ લાગી હતી. આ ઘટનામાં 176 લોકોના મોત થયા હતા. જેમાં 83 મહિલાઓ અને 82 પુરૂષોનો સમાવેશ થાય છે. જો કે, અન્ય 11 લોકોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી. વિમાનમાં કુલ 181 મુસાફરો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દેશમાં અત્યાર સુધીની સૌથી ખરાબ વિમાન દુર્ઘટનાઓમાંની એક છે. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન 15 વર્ષ જૂનું બોઇંગ 737-800 જેટ હતું, જે બેંગકોકથી પરત ફરી રહ્યું હતું. આ અકસ્માત સ્થાનિક સમય અનુસાર સવારે 9:03 વાગ્યે થયો હતો.

અઝરબૈજાન એરલાઈન્સનું એક વિમાન બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક ક્રેશ થયું હતું, જેમાં 38 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે વિમાને અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયન શહેર ગ્રોનજી માટે ઉડાન ભરી હતી. અઝરબૈજાન એરલાઈન્સ અનુસાર, પ્લેનમાં સવાર 42 મુસાફરો અઝરબૈજાનના નાગરિક હતા. આ સિવાય 16 રશિયન નાગરિકો, કઝાકિસ્તાનના છ નાગરિકો અને કિર્ગિસ્તાનના ત્રણ નાગરિકો પણ હતા. ઓનલાઈન સામે આવેલા મોબાઈલ ફોનથી લીધેલા વીડિયોમાં વિમાન ઝડપથી જમીન પર પડતું અને આગમાં ભડકતું જોઈ શકાય છે. અન્ય ફૂટેજમાં પ્લેનનો પૂંછડીનો ભાગ પાંખોથી અલગ અને બાકીનો ભાગ ઘાસમાં ઊંધો પડેલો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા કેટલાક વીડિયોમાં બચી ગયેલા લોકો પ્લેનના કાટમાળમાંથી સાથી મુસાફરોને ખેંચતા જોવા મળે છે.

બ્રાઝિલ વિમાન દુર્ઘટનામાં 10 મુસાફરોના મોત
બ્રાઝિલના દક્ષિણી શહેર ગ્રામાડોના શહેરી કેન્દ્રમાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં દસ લોકોના મોત થયા હતા. જ્યારે 17થી વધુ લોકો ઘાયલ થયા છે. સવારે વિમાને ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં આ અકસ્માત સર્જાયો હતો. વિમાન એક ઈમારતની ચીમની સાથે અથડાયું હતું. અકસ્માત દરમિયાન ફાટી નીકળેલી આગના ધુમાડાને કારણે મોટાભાગના લોકો બીમાર પડ્યા હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિયો ગ્રાન્ડે દો સુલના ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા અને તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો હતા. અધિકારીઓ આ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ X પર પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

આર્જેન્ટીના અને હવાઈમાં પણ વિમાન દુર્ઘટના
પાપુઆ ન્યૂ ગિનીમાં નોર્થ કોસ્ટ એવિએશન તરફથી સંચાલિત બીએન-2બી-26 આઈલેન્ડર 22 ડિસેમ્બરે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં સવાર 5 લોકોના મોત થયા હતા. તો આર્જેન્ટીનાના સૈન ફર્નાન્ડો એરપોર્ટ પાસે બોમ્બાર્ડિયાર BD-100-1A10 ચેલેન્જર 300 દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ દુર્ઘટનામાં બંને પાયલટના મોત થયા હતા. આ વિમાન પુંટા ડેલ એસ્ટે એરપોર્ટથી સૈન ફર્નાન્ડો એરપોર્ટ માટે ઉડાન પર હતું, જે રનવેથી આગળ નિકળી ગયું અને ઝાડ સાથે ટકરાયું હતું. ત્યારબાદ તેમાં આગ લાગી હતી. આ સિવાય 17 ડિસેમ્બરે 208બી ગ્રાન્ડ કારવાં હવાઈના હોનોલૂલૂમાં ઇનૌયે ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં બંને પાયલટોનો મોત થયા હતા. વિમાને ઉડાન ભરવાની સાથે નિયંત્રણ ગુમાવ્યું, ત્યારબાદ તે એક ઈમારત સાથે ટકરાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news