ચાકબંધ સુરક્ષા છતાં કેવી રીતે હાનિયાના ચીથરા ઉડ્યા? બે મહિના સુધી ગેસ્ટ હાઉસમાં છૂપાવી રાખ્યો હતો બોમ્બ!
Trending Photos
હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા ઈરાનના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે તહેરાન ગયો હતો. તે ત્યાં ઈરાની સેના આઈઆરજીસીના જે ગેસ્ટહાઉસમાં રોકાયો હતો ત્યાં જ તેની હત્યા થઈ ગઈ. પરંતુ હવે એવા ચોંકાવનારા સમાચાર આવ્યાછે કે જે બોમ્બથી હાનિયાની હત્યા થઈ તે બે મહિના પહેલા તસ્કરી દ્વારા તહેરાન લાવવામાં આવ્યો હતો.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે જે રિમોટ કંટ્રોલ્ડ બોમ્બનો ઉપયોગ થયો હતો તેને બે મહિના પહેલા જ તહેરાનના એ ગેસ્ટહાઉસના રૂમમાં રખાયો હતો જ્યાં હાનિયા રોકાયો હતો. રિપોર્ટમાં ઈરાનની સેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના બે સભ્યો સહિત અનેક અધિકારીઓના હવાલે આ જાણકારી અપાઈ છે. આ નવો ખુલાસો એ પ્રાથમિક અહેવાલોથી બિલકુલ અલગ છે જેમાં કહેવાયું હતું કે મિસાઈલ હુમલામાં હાનિયાનું મોત થયું હતું.
રિપોર્ટમાં ઈરાનના કેટલાક અધિકારીઓના હવાલે કહેવાયું છે કે તહેરાનમાં હાનિયાની હત્યા આઈઆરજીસી માટે ખુબ જ શરમજનક વાત છે કારણ કે જે ગેસ્ટહાઉસમાં હાનિયા અને અન્ય ગણમાન્ય લોકો રોકાયા હતા તેને તે ઓપરેટ કરે છે. હાનિયા તહેરાનમાં નેશહત નામના આઈઆરજીસીના કમ્પાઉન્ડરમાં રોકાયો હતો. આ કમ્પાઉન્ડનો ઉપયોગ સીક્રેટ મીટિંગ્સ અને હાનિયા જેવા હાઈ પ્રોફાઈલ ગેસ્ટના રહેવા માટે કરાય છે.
કઈ રીતે થયો હતો ધડાકો
આઈઆરજીસીના અધિકારીઓનું કહેવું છે કે હાનિયાનું મોત બોમ્બ ધડાકામાં થયું હતું. આ બોમ્બ રિમોટ કંટ્રોલ્ડ હતો. જેવો ધડાકો થયો કે ગેસ્ટ હાઉસના કમ્પાઉન્ડની દીવાલનો હિસ્સો ધસી પડ્યો. બારીઓ તૂટી ગઈ. જો કે આ ધડાકાથી હાનિયાની બાજુવાળા રૂમને વધુ નુકસાન પહોંચ્યું નહી. તે રૂમમાં પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદના નેતા જિયાદ નખલેહ રોકાયા હતા. તેનાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે હાનિયાની હત્યા એક ફુલપ્રુફ પ્લાનિંગ હેઠળ કરાઈ હતી.
રિપોર્ટ મુજબ સ્થાનિક સમય મુજબ મધરાતે બે વાગે જેવો હાનિયાના રૂમમાં બોમ્બધડાકો થયો કે કમ્પાઉન્ડનો મેડિકલ સ્ટાફ ત્યાં પહોંચી ગયો. હાનિયાને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયો હતો. હાનિયાના બોડીગાર્ડને પણ મૃત જાહેર કરાયો. હમાસનો એક વરિષ્ઠ અધિકારી ખલીલ અલ હાયા પણ ઘટનાસ્થળે પહોંચ્યો. જ્યાં તેણે હાનિયાનો મૃતદેહ જોયો. ત્યારબાદ આઈઆરજીસીના કુદસ ફોર્સના કમાન્ડર ઈસ્માઈલ ગનીએ તરત ઈરાનના સુપ્રીમ લીડર અયોતોલ્લાહ અલી ખામેનેઈને ઊંઘમાંથી જગાડ્યા અને તેમને જણાવ્યું કે હાનિયા માર્યો ગયો છે.
રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને કહેવાયું છે કે આ પ્રકારના બ્લાસ્ટ માટે મહિનાઓનું પ્લાનિંગ અને સર્વિલાન્સની જરૂર પડે છે. ઈરાનના કેટલાક અધિકારીઓનું કહેવું છે કે તેમને ખબર નથી કે આ બોમ્બને કેવી રીતે અને ક્યારે હાનિયાના રૂમમાં લાવવામાં આવ્યો. પરંતુ કેટલાક મીડલ ઈસ્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ લગબગ બે મહિના પહેલા હાનિયાના રૂમમાં પ્લાન્ટ કરાયો હતો. રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે જે પ્રકારે હાનિયાને સટીક રીતે નિશાન બનાવ્યો તે જોતા એવું લાગે છે કે બોમ્બ રિમોટ કંટ્રોલથી સંચાલિત હતો. આ પ્રકારના બોમ્બનો ઉપયોગ ઈઝરાયેલના મોસાદે 2020માં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક મોહસેનની હત્યામાં કર્યો હતો.
ઈઝરાયેલની ચૂપ્પી
ઈરાને તહેરાનમાં ઈસ્માઈલ હાનિયાના મોત માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. પરંતુ ઈઝરાયેલે ન તો આ હુમલાની પુષ્ટિ કરી છે કે ન તો ઈન્કાર કર્યો છે. ત્યારબાદ ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈએ ઈરાન સેનાને ઈઝરાયેલ પર હુમલાનો આદેશ આપી દીધો છે. ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બાદ ખામેનેઈએ આ હુમલાનો આદેશ આપ્યો હતો.
અત્રે જણાવવાનું કે આ અગાઉ 13એપ્રિલના રોજ જ્યારે ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કર્યો હતો તો તેમા સીરિયા અને ઈરાક પણ કૂદી પડ્યા હતા. જ્યારે લેબનોનના ઈરાન સમર્થિત કટ્ટરપંથી જૂથ હિજબુલ્લાહે પણ સીરિયામાં બનેલા ઈઝરાયેલી મિલેટ્રી બેઝ પર હુમલો કર્યો હતો. ઈરાનના હુમલાના આ આદેશ બાદ હવે ઈઝરાયેલ તરફથી પણ નિવેદન આવ્યું છે. ઈઝરાયેલી એરફોર્સના કમાન્ડર મેજર જનરલ તોમેર બારે કહ્યું કે એરફોર્સ યુદ્ધના દરેક ક્ષેત્રમાં દેશની રક્ષા અને હુમલો કરે છે. અમે કોઈ પણ પરિસ્થિતિમાં જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છીએ. જે પણ ઈઝરાયેલ અને ઈઝરાયેલી નાગરિકોને નુકસાન પહોંચાડવાની યોજના ઘડશે તેમને અમે જડબાતોડ જવાબ આપીશું. એવી કોઈ જગ્યા નથી જે અમારી પહોંચથી દૂર હોય કે જ્યાં અમે હુમલો કરી ન શકીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે