Japan Earthquake: જાપાનમાં ભૂકંપે મચાવી ભારે તબાહી; મૃત્યુઆંક 30 પર પહોંચ્યો અનેક ઘાયલ, હજારો ઘરોમાં અંધારપટ
જાપાનમાં શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી સર્જી છે. છેલ્લે મળતી માહિતી મુજબ મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
Trending Photos
દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલી હતી ત્યારે જાપાનના લોકો પરેશાની સામે ઝઝૂમી રહ્યા હતા. સોમવારે 7.6ની તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપથી જાપાનની ધરતી ધ્રુજી ઉઠી. આ ભૂકંપે અત્યાર સુધીમાં 30 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા છે. જાપાનમાં 38 ફ્લાઈટ કેન્સલ થઈ ચૂકી છે. 33 હજારો ઘરોમાં અંધારપટ છે. સ્થિતિ એટલી વણસી છે કે જાપાનની સેનાને જમીન પર ઉતારવી પડી છે.
વાત જાણે એમ છે કે જાપાને 2024ના પહેલા દિવસે ભૂકંપની એક સિરીઝનો સામનો કર્યો. જાપાની અધિકારીઓના જણાવ્યાં મુજબ એક જ દિવસની અંદર ભૂકંપના લગભગ 155 જેટલા આંચકા આવ્યા. જેમાંથી અનેક આંચકા તો 6ની તીવ્રતાથી પણ વધુ હતા જ્યારે પહેલો ઝટકો 7.6ની તીવ્રતાનો હતો. આ આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી.
#UPDATE The death toll from a powerful earthquake in central Japan rose to 30 on Tuesday, local authorities say, with 14 others seriously injured.
Half the deaths were recorded in the city of Wajima, where a huge blaze tore through homes, the Ishikawa prefectural government says pic.twitter.com/BS1lEa0vJ5
— AFP News Agency (@AFP) January 2, 2024
યુનાઈટેડ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 4.10 વાગે ઈશિકાવા પ્રાંતના નોટો પ્રાયદ્વીપ પર આવ્યો. ભૂકંપ 10 કિમી ઊંડાણમાં મહેસૂસ થયો. જાપાનમાં ધતી હલતા જ ઈમારતો ધસી પડી. આગ લાગી અને પૂર્વ રશિયા સુધી સુનામીની ચેતવણી ઈશ્યું કરાઈ. જ્યારે જાપાનના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળો પર જતા રહેવાના નિર્દેશ અપાયા.
100થી વધુ ઘર ખાખ
મધ્ય જાપાની શહેર વાજીમામાં સોમવારે સાંજે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 100થી વધુ દુકાનો અને ઘર બળીને ખાખ થયા હતા. આ જાણકારી એનએચકે વર્લ્ડ તરફથી આપવામાં આવી. પરમાણુ વિનિયમન પ્રાધિકરણ મુજબ ઈશિકાવા પ્રાંતમાં શિકા ન્યૂક્લિયર પાવર ફેસિલિટીમાં એક વિસ્ફોટ થયો અને બળવાની વાસ આવી. ઓપરેટરે દાવો કર્યો કે એક ટ્રાન્સફોર્મર ફેલ ગયું. પરંતુ બેકઅપ તંત્ર બે પરમાણુ રિએક્ટરો મુજબ સંચાલન ચાલુ રહ્યું. એનએચકે વર્લ્ડના રિપોર્ટ મુજબ જાપાનમાં મોટા મોબાઈલ ફોન પ્રોવાઈડર્સનો દાવો છે કે ભૂકંપ પ્રભાવિત જગ્યાઓ પર તેમની સેવાઓ ખોરવાઈ રહી છે.
#BREAKING Japan has been hit since Monday by 155 earthquakes including a 7.6-magnitude jolt and another over 6, the Japan Meteorological Office says pic.twitter.com/JmV15gERCj
— AFP News Agency (@AFP) January 2, 2024
સૌથી વધુ નોટો પ્રાયદ્વિપ પર અસર
અત્રે જણાવવાનું કે જાપાનમાં આવેલા ભૂકંપે સૌથી વધુ આંતરિયાળ નોટો પ્રાયદ્વિપને પ્રભાવિત કર્યું છે. આ જગ્યા પર જાપાની સેનાના હજારો જવાનો તૈનાત કરાયા છે. જાપાનના પરિવહન મંત્રાલય મુજબ ચાર એક્સપ્રેસવે, બે હાઈસ્પીડ ટ્રેન, 34 લોકલ ટ્રેન લાઈન અને 16 જેટલા સમુદ્રી પરિવહન સાધન રોકવામાં આવ્યા છે. જાપાનના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં ભૂકંપના વધુ શક્તિશાળી ઝટકા આવી શકે છે.
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ રેસ્ક્યૂ ટીમોને ભૂકંપ પ્રભાવિત વિસ્તારો સુધી પહોંચવાનો આદેશ આપ્યો છે. જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ રશિયા, દક્ષિણ કોરિયા, અને ઉત્તર કોરિયામાં પણ સુનામીની ચેતવણી અપાઈ છે. રશિયાના સખાલિન દ્વિપના પશ્ચિમી તટ અને મુખ્ય ભૂમિ પ્રિમોસર્ક અને ખાબરોવસ્ક વિસ્તારોમાં સુનામીનું જોખમ છે.
2011માં આવ્યો હતો શક્તિશાળી ભૂકંપ
જાપાનમાં ભૂકંપનું જોખમ તોળાયેલું રહેતું હોય છે. અહીં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે ખુબ કડક નિયમો છે. અહીંની ઈમારતો એ રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે ભૂકંપના તેજ આંચકા પણ ખમી શકે. 1 જાન્યુઆરી પહેલા જાપાનમાં ભૂકંપનો મોટો ઝટકો 16 માર્ચ 2022ના રોજ આવ્યો હતો. આ દિવસે ફુકુશિમામાં 7.3ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે 2 લોકોના મોત થયા હતા. જ્યારે 94 લોકો ઘાયલ થયા હતા. જાપાનના ઈતિહાસમાં સૌથી ભયાનક ભૂકંપ 11 માર્ચ 2011ના રોજ આવ્યો હતો. જ્યારે 9ની તીવ્રતાવાળા ભૂકંપે જાપાનને હચમચાવી નાખ્યું હતું. સુનામી બાદ લગભગ 20 હજાર લોકોના મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે