મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને સકંજામાં લેશે ઈમરાન ખાન, આપ્યો સંકેત
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને જણાવ્યું કે, તેમની સરકાર 2008ના મુંબઈ હુમલાના કાવતરાખોરોને ન્યાયના કઠેડામાં ઊભા કરવા માગે છે અને આ બાબત પાકિસ્તાનના પણ હિતમાં છે
Trending Photos
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે, ભારતમાં સત્તાધારી ભાજપનું વલણ 'મુસ્લિમ વિરોધી અને પાકિસ્તાન વિરોધી' છે. આશા છે કે આવતા વર્ષે ભારતમાં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ અટકી ગયેલી દ્વીપક્ષીય વાટાઘાટો ફરીથી શરૂ થશે.
ખાને જણાવ્યું કે, તેમની સરકાર 2008ના મુંબઈ હુમલાના કાવતરાખોરોને ન્યાયના કઠેડામાં ઊભા કરવા માગે છે અને આ બાબત પાકિસ્તાનના હિતમાં પણ છે.
ગુરૂવારે 'વોશિંગટન પોસ્ટ'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને જણાવ્યું કે, "ભારતમાં હવે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. (ભારતના) સત્તામાં રહેલા પક્ષનું વલણ મુસ્લિમ વિરોધી અને પાકિસ્તાન વિરોધી છે. તેમણે મારી પહેલને ફગાવી દીધી છે.... આશા રાખીએ કે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ અમે ફરીથી ભારત સાથે દ્વીપક્ષીય વાટાઘાટો શરૂ કરી શકીશું."
ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, વાટાઘાટો અને આતંકવાદ એકસાથે ચાલી શકે નહીં. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટોનો ત્યાં સુધી ઈનકા કર્યો છે જ્યાં સુધી તે ભારત વિરુદ્ધ સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓ બંધ નહીં કરે.
ભારતમાં 2019ના એપ્રિલ કે મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. મુંબઈ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા પાક. વડા પ્રધાન ઈમરાન ખાને જણાવ્યું કે, "મુંબઈના હુમલાખોરો અંગે કંઈક કરવું જોઈએ. મેં મારી સરકારને આ અંગેની સ્થિતિની તપાસ કરવા જણાવ્યું છે.આ અમારા હિતમાં છે, કેમ કે આ એક આતંકવાદી કૃત્ય હતું."
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદી 26 નવેમ્બર, 2008ના રોજ સમુદ્રના માર્ગે ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ઘુસી આવ્યા હતા અને તેમણે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 166 લોકોનાં મોત થયા હતા. સુરક્ષા બળોએ 9 આતંકવાદીઓને મારી નાખ્યા હતા, જ્યારે પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસાબને ફાંસીને માચડે લટકાવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, 26/11નો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાનો પ્રમુખ છે અને પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. એ વાતથી સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાન તેની સામે કોઈ કાર્યવાહી કરવા માટે ગંભીર નથી. અમેરિકાએ સઈદ પર એક કરોડ અમેરિકન ડોલરનું ઈનામ રાખેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે