VIDEO: ખતરનાક ગુફામાંથી કેવી રીતે બહાર નિકળશે બાળકો? આ રહ્યો રેસ્ક્યુ પ્લાન
થાઈલેન્ડમાં પૂરગ્રસ્ત ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમના 12 બાળકો અને તેમના એક કોચ અંગે ભાળ મળ્યા બાદ હવે તેમને રેસ્ક્યુ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Trending Photos
મે સાઈ: થાઈલેન્ડમાં પૂરગ્રસ્ત ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમના 12 બાળકો અને તેમના એક કોચ અંગે ભાળ મળ્યા બાદ હવે તેમને રેસ્ક્યુ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાનની દેખરેખ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું કે 12 ખેલાડી અને તેમના એક કોચને એક સાથે બહાર કાઢી શકાશે નહીં. ચિઆંગ રાય પ્રાંતના ગવર્નર નારોંગસક ઓસાતાનાકોર્ને બુધવારે જણાવ્યું કે 'તમામ 13 લોકોને એક સાથે બહાર કાઢી શકાય નહીં. જો તેમનું સ્વાસ્થ્ય ઠીક અને બધા 100 ટકા તૈયાર હશે ત્યારે જ બહાર આવી શકશે.'
તેમણે જણાવ્યું કે અધિકારીઓ દરરોજ તેમના સ્વાસ્થ્યને ચેક કરશે અને તપાસ કરશે કે તેઓ બહાર નિકળવા માટે તૈયાર છે કે નહીં. જો કોઈ જોખમ હશે તો તેઓ આગળ વધશે નહીં. એક તાજા વીડિયોમાં આ છોકરાઓ અને તેમનો કોચ થાઈલેન્ડની નેવી સીલ સાથે અંધેરી ગુફામાં બેઠેલા છે. તેમના ચહેરા પર ફ્લેશ લાઈટની રોશની પડે છે ત્યારે તેઓ ગરમ ધાબળા ઓઢેલી અવસ્થામાં અને પહેલા કરતા સ્વસ્થ જોવા મળી રહ્યાં છે. તેઓ પરંપરાગત રીતે હાથ જોડીને બધાનું અભિવાદન કરતા જોવા મળે છે. બાળકોએ એક એક કરીને પોતાનું નામ પણ જણાવ્યું અને કહ્યું કે તેઓ સ્વસ્થ છે.
ડાઈવિંગ માસ્ક અને શ્વાસ લેવાનો અભ્યાસ કર્યો
નારોંગસકે જણાવ્યું કે છોકરાઓએ ડાઈવિંગ માસ્ક પહેરવાનો અને શ્વાસ લેવાનો અભ્યાસ કર્યો. પરંતુ તેમનું માનવું છે કે હજુ સુધી તેમણે ગોતાખોરી (ડાઈવિંગ)નો કોઈ અભ્યાસ કર્યો નથી. અત્રે જણાવવાનું કે 11થી લઈને 16 વર્ષની ઉંમરના આ ફૂટબોલરો અને તેમનો 25 વર્ષનો કોચ 23 જૂનના રોજ ફૂટબોલની એક મેચ બાદ ઉત્તરી ચિયાંગ રાય પ્રાંતમાં થામ લુઆંગ નાંગ નોન ગુફા જોવા નિકળ્યા હતાં. ત્યારબાદ ગૂમ થઈ ગયા હતાં.
બ્રિટિશ ગોતાખોરે શોધી કાઢ્યા
ભારે વરસાદના કારણે ગુફામાં ખુબ પાણી ભરાઈ જવાના કારણે તેઓ ગુફામાં ફસાઈ ગયા છે. એક બ્રિટિશ ગોતાખોરે સોમવારે રાતે તેમને શોધી કાઢ્યા હતાં. છોકરાઓને જોઈને તેમના પરિવારના સભ્યોએ રાહતના શ્વાસ લીધા. અધિકારીઓ ગુફા સુધી ઈન્ટરનેટ કેબલ લગાવવાનું કામ કરી રહ્યાં છે. જેથી કરીને માતા પિતા બાળકો સાથે વાત કરી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે