મિતાલી 'રાજ' : ટીમ ઇન્ડિયાની અત્યાર સુધીની સૌથી મોટી ઐતિહાસિક જીત
ભારતીય મહિલા ટીમે રવિવારે મહિલા ટી-20 એશિયા કપમાં મેજબાન મલેશિયા સામે 142 રનથી જંગી જીત મેળવી ઇતિહાસ રચ્યો છે.
Trending Photos
કુઆલાલમ્પુર : મલેશિયામાં ચાલી રહેલા મહિલા ટી-20 એશિયા કપમાં ટીમ ઇન્ડિયા પોતાની શક્તિ બતાવી રહી છે. નિયમિત કેપ્ટન મિતાલી રાજની ગેરહાજરીમાં કેપ્ટનશીપ સંભાળી રહેલી હરનપ્રીત કૌર અને ટીમ પોતાનો જાદુ ચલાવી રહી છે. ટુર્નામેન્ટના બીજા દિવસે પણ ટીમ ઇન્ડિયાએ થાઇલેન્ડને 66 રનથી હરાવી જીત મેળવી હતી. આ અગાઉ રવિવારે મિતાલી રાજના અણનમ 97 રનના સહયોગથી ટીમ ઇન્ડિયાએ મેજબાન મલેશિયાને માત્ર 27 રનમાં ઓલ આઉટ કરી 142 રનની ઐતિહાસિક જીત મેળવી રેકોર્ડ બનાવ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં ભારત, મલેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને થાઇલેન્ડ ટીમો વચ્ચે જંગ જામ્યો છે. ટુર્નામેન્ટના બીજા દિવસે સોમવારે મિતાલી બ્રિગેડે કેપ્ટન મિતાલીની ગેરહાજરીમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં થાઇલેન્ડને પણ પછાડ્યું હતું. આ મેચમાં થાઇલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી મોના મેશરામે 32, સ્મૃતિ મંધાનાએ 29, અંજુ પાટિલે 22 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 27 રન બનાવતાં નિર્ધારીત 20 ઓવરમાં 132 રન બનાવ્યા હતા. થાઇલેન્ડ તરફથી રમતાં વોન્ગપાકા લિન્ગપ્રાસર્ટે ત્રણ ઓવરમાં 16 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે નતાયા બૂચાથમ અને રત્નાપોર્ન પોદુગ્લેર્ડે એક એક વિકેટ ઝડપી હતી.
બીજો દાવ લેતાં થાઇલેન્ડની ટીમ માત્ર 66 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. થાઇલેન્ડની છ ખેલાડી તો બે આંકડામાં પણ પહોંચી શકી ન હતી. માત્ર નતાયા બૂચાથમે સૌથી વધુ 21 રન બનાવ્યા હતા. તો નારૂએમોલ ચાઇવાઇ 14 અને ચાનિદા સટથિરૂઆંગ 12 રન બનાવી શકી હતી. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. દિપ્તી શર્માએ બે અને પૂજા વત્સરકર અને પૂનમ યાદવે એક એક વિકેટ ખેરવી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરને બેસ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો.
142 રનની ઐતિહાસિક જીત
રવિવારે મલેશિયા સામે યોજાયેલી પ્રારંભિક મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટીંગ કરી હતી. નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ભારતે 169 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મલેશિયા માત્ર 27 રન બનાવી ઓલ આઉટ થયું હતું. કોઇ પણ ખેલાડી બે અંકમાં પહોંચી ન હતી. જ્યારે કેટલાક ખેલાડી તો ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. શશા આજમીએ સૌથી વધુ 9 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૂજા વત્સકકરે છ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
આ બે જીત સાથે ભારત 4 પોઇન્ટ સાથે અત્યાર સુધીની મેચમાં ટોપના સ્થાને પહોંચ્યું છે. આ ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશને પણ બે બે પોઇન્ટ મળ્યા છે. શ્રીલંકાએ અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે બે બે મેચ રમી છે. થાઇલેન્ડ અને મલેશિયાને એકેય પોઇન્ટ મળ્યો નથી.
(ઇનપુટ આઇએએનએસ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે