INDwvsNZw: ભારતીય મહિલા ટીમ ત્રીજી ટી20 પણ હારી, કીવીએ 3-0થી જીતી સિરીઝ
હેમિલ્ટનમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડ મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ પર 161 રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમ અત્યંત રોમાંચક આ મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 159 રન બનાવી શકી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ઓપનર સ્મૃતિ મંધાના (86)ની દમદાર ઈનિંગ છતાં ભારતીય મહિલા ટીમ રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં 2 રનથી હારી ગઈ હતી. ડેમિલ્ટનમાં સિરીઝના અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમ અત્યંત રોમાંચક આ મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ પર 159 રન બનાવી શકી હતી. આ સાથે ભારતીય ટીમે 3-0થી ટી20 સિરીઝ ગુમાવી દીધી છે. મહત્વનું છે કે, ભારતીય મહિલા ટીમે 2-1થી વનડે સિરીઝ પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડની ઓપનર સોફી ડિવાઇનને શાનદાર પ્રદર્શન કરવા માટે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
મંધાનાની શાનદાર બેટિંગ
સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી 22 વર્ષીય મંધાનાએ આ મેચમાં પણ જોરદાર બેટિંગ કરી હતી. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 8મી અડધી સદી 33 બોલમાં પૂરી કરી હતી. તે સદી તરફ આગળ વધી રહી હતી, પરંતુ ટીમના 123ના સ્તોર પર સોફી ડિવાઇનના બોલ પર તાહુહુએ કેચ કરીને તેને પેવેલિયન પરત મોકલી આપી હતી. તેણે 62 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેના આઉટ થયા બાદ ભારતની આશા મિતાલી રાજ (24*) પાસે હતી પરંતુ તે ટીમને જીત અપાવી ન શકી. દીપ્તિ શર્મા 21 રન બનાવી અણનમ રહી હતી.
અંતિમ ઓવરનો રોમાંચ
અંતિમ ઓવરમાં ભારતને જીત માટે 16 રનની જરૂર હતી. બોલ કાસપેરેકના હાથમાં હતો, જ્યારે બેટિંગમાં મિતાલી રાજ અને દીપ્તિ શર્મા હતી. પ્રથમ બોલ પર મિતાલીએ બાઉન્ડ્રી ફટકારી અને ત્યારબાગ 1 રન લીધો. ત્યારબાદ ત્રીજા બોલ પર દીપ્તિએ ચોગ્ગો ફટકાર્યો. ચોથા બોલ પર બે રન લીધા અને પાંચમાં બોલ પર એક રન. અંતિમ બોલે ભારતને ચાર રનની જરૂ હતી અને ભારતની આશા મિતાલી રાજ પર હતી. આ બોલ મિતાલીએ મીડવિકેટ તરફ રમ્યો પરંતુ માત્ર એક રન બનાવી શકી હતી.
ડિવાઇનની અડધી સદી
આ પહેલા ન્યૂઝીલેન્ડની ઓપનર સોફી ડિવાઇન (72)ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. સોફીએ 52 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા અને કરિયરની 10મી અડધી સદી પૂરી કરી હતી. સોફીએ સૂઝી બેટ્સ (24)ની સાથે 46 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. કેપ્ટન એમી સૈટર્થવેટે 23 બોલમાં 3 બાઉન્ડ્રીની મદદથી 31 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય હૈના રોવે 12 રન બનાવ્યા હતા.
દીપ્તીને અંતિમ ઓવરમાં મળી બે વિકેટ
ભારતની દીપ્તિ શર્માએ 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેને બંન્ને વિકેટ છેલ્લી ઓવરમાં મળી હતી. તો માનસી જોશી, રાધા યાદવ અને ફાસ્ટર અરૂંધતિ રેડ્ડી અને પૂનમ યાદવને એક-એક સફળતા મળી હતી.
મિતાલીની વાપસી
અનુભવી મહિલા બેટ્સમેન મિતાલી રાજને આ મેચમાં ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી અને તેની ટી20માં વાપસી થઈ હતી. તેણે નવેમ્બર 2018 બાદ પ્રથમ ટી20 મેચ રમી હતી. શ્રેણીના પ્રથમ બે મેચમાં તેને બહાર રાખવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે