AUS vs NED: ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપના ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી, નેધરલેન્ડ્સને 309 રને હરાવ્યું
World Cup 2023 NED vs AUS: ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપમાં પોતાની ત્રીજી જીત મેળવી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, પરંતુ આ જીત બાદ તેને નેટ રનરેટમાં મોટો ફાયદો થયો છે.
Trending Photos
World Cup 2023 NED vs AUS: ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ 2023ના 24માં મુકાબલામાં નેધરલેન્ડને 309 રને પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બુધવારે શાનદાર પ્રદર્શન કરતા એકતરફી જીત હાસિલ કરી છે. નેધરલેન્ડ્સની ટીમ શરૂઆતી કેટલીક ઓવર બાદ મુકાબલામાંથી બહાર થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે રેકોર્ડ તોડ સદી ફટકારી હતી. આ પહેલા ડેવિડ વોર્નરે સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને અડધી સદી ફટકારી હતી. ટીમ માટે બોલિંગમાં એડમ ઝમ્પા અને મિચેલ માર્શે કમાલ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ મેળવી વિશ્વકપ ઈતિહાસની સૌથી મોટી જીત
ઓસ્ટ્રેલિયાએ દિલ્હીમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડને કારમો પરાજય આપ્યો છે. તેણે વનડે વિશ્વકપમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રને પરાજય આપ્યો છે. ટીમે પ્રથમ બેટિંગ કરતા 399 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 90 રનમાં ઢેર થઈ ગઈ હતી.
ગ્લેન મેક્સવેલની તોફાની સદી
ઓસ્ટ્રેલિયન ખેલાડી મેક્સવેલે નેધરલેન્ડ્સના બોલરોની ધોલાઈ કરી હતી. મેક્સવેલે 44 બોલનો સામનો કરતા 106 રન ફટકાર્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 8 સિક્સ ફટકારી હતી. મેક્સવેલે દિલ્હીમાં તોફાની બેટિંગ કરતા વિશ્વકપના ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
ડેવિડ વોર્નરની સાથે સ્મિથની શાનદાર ઈનિંગ
ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નરે પણ સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. વોર્નર 93 બોલમાં 104 રન બનાવી આઉટ થયો હતો. તેણે 11 ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી. સ્ટીવ સ્મિથ 68 બોલમાં 9 ચોગ્ગા અને એક સિક્સ સાથે 71 રન બનાવ્યા હતા. લાબુશેને પણ 47 બોલમાં 62 રનનું યોગદાન આપ્યું હતું. પેટ કમિન્સ 12 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે મિચેલ માર્શ 9 રન બનાવી આઉટ થયો હતો.
નેધરલેન્ડ 90 રનમાં ઓલઆઉટ
નેધરલેન્ડ્સને ઓસ્ટ્રેલિયાએ જીત માટે 400 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ 21 ઓવરમાં 90 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર વિક્રમજીત સિંહે 25 બોલમાં 25 રન બનાવ્યા હતા. કોલિન એકરમેન 11 બોલમાં 10 રન બનાવી આઉટ થયો હતો. એંગલબ્રેટ 21 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 3 ઓવરમાં 8 રન આપી 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ માર્શને 2 તથા સ્ટાર્ક, હેઝલવુડ અને કમિન્સને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે