કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?
Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે. આ સિવાય એસજી હાઈવે, ચાંદખેડા સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના ભાણવડમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતાં આખું શહેર પાણી પાણી થયું હતું. ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદથી રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતાં લોકો અચંબામાં મુકાયા હતા. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો.
અંબાજી પંથક માં ધીમે ધારે વરસવાનું શરુ કર્યું
હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જોતા અંબાજી પંથકમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. જે રીતે એક દિવસ અગાઉ આ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તે રીતે આજે ફરી બપોરના સમય આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, ને ઘેરાયેલા આ વરસાદી વાદળોએ ફરી એક વાર અંબાજી પંથકમાં ધીમે ધારે વરસવાનું શરુ કર્યું હતું. અંબાજી પંથકમાં પડેલા આ ધીમીધારાના વરસાદથી ઠંડક પ્રસરી છે, પણ ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદને લઇ સતત ખેડૂતવર્ગ ચિંતા અનુભવતું રહ્યું છે, ત્યારે આ કમોસમી વરસાદના કહેર માંથી ક્યારે મુક્તિ મળશે તે નક્કી જણાતું નથી.
પાટણના વાતાવરણમાં પલટો
પાટણ જિલ્લામાં વાતાવરણમાં પણ આજે અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી કાળઝાળ ગરમી બાદ વરસાદી માહોલ બન્યો છે. રાધનપુર, સાંતલપુર તાલુકામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બન્યો છે. બન્ને તાલુકામાં વરસાદી વાદળો ઘેરાયા છે. વારાહી, લખાપુરા, કમાલપુર, સાતુંન સહીત ગામોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. વાદળની ગર્જના અને હળવા પવન સાથે વરસાદ પડ્યો છે. ભર ઉનાળે જામ્યો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે.
અંજારમા ધોધમાર કમોસમી વરસાદ
કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. બપોર બાદ એકાએક હવામાન બદલાયું છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. બે કલાકમા આશરે દોઢ ઈંચ જેટલા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. શહેરના માર્ગો ઉપર પાણી ફળી વળ્યા છે. ગાજવીજ સાથે બપોરે કમોસમી વરસાદ શરૂ થયો છે. ચૈત્ર માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે.
બીજા દિવસે અમરેલીના વાતાવરણમાં પલટો
ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધારી ગીરના દલખાણીયા, આંબાગાળા, પાણીયા, મીઠાપુર સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભર ઉનાળામા ધારી ગીરના ગામડાઓમાં પણ બીજા દિવસે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે.
સાબરકાંઠામાં કમોસમી વરસાદ
પોશીના પંથકમાં ભર ઉનારે કમોસમી વરસાદ ખાબક્યો છે. પોશીના પંથકમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડ્યો છે. પોશીના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ભાણવડ પંથકમાં પણ વાતાવરણમાં પલટો
દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા બાદ ભાણવડ તાલુકામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. ભાણવડ પંથકના ગુંદા ગામે ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
મોરબીમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
મોરબીમાં ભર ઉનાળે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ચોમાસા જેવો માહોલ બન્યો છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે. જીલલાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. મોરબી શહેર અને જિલ્લામાં આકાશમાં ચોમાસા જેવા કાળા ડિબાગ વાદળો જોવા મળ્યા છે.
ગાંધીધામમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીધામમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગાંધીધામમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીધામ આદિપુરમાં માવઠું વરસ્યું હોવાના અહેવાલ છે. ગાંધીધામ આદિપુરમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદને કારણે માર્ગો ઉપરથી પાણી વહી નીકળ્યા છે. અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલ છે.
Trending Photos