Pics: જાપાનીઝ યુગલને ભારતનું ઘેલુ!! ભારતીય પરંપરાથી આશ્રમમાં પરણ્યા, સંસ્કૃતના શ્લોક બોલ્યા
દિપ્તી સાવંત/પોરબંદર :ભારતીય સંસ્કૃતિ અને વેદ-શાસ્ત્રો-પુરાણોનો મહિમા હવે સાત સમુંદર પાર રહેતા વિદેશીઓ પણ જાણી ચૂક્યા છે. દર વર્ષે હજ્જારોની સંખ્યામાં વિદેશીઓ યોગાભ્યાસ, ગીતાભ્યાસ તથા ભારતીય સંસ્કૃતિથી આકર્ષાઈને આવતા હોય છે. ભારતીય પરંપરાને મહત્વ આપતો અનોખો પ્રસંગ પોરબંદરના આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમમાં બન્યો. ગઈકાલે આશ્રમમાં એવા એવુ કપલ લગ્નગ્રંથિથી જોડાયું, જે હિન્દુ સંસ્કૃતિમાં જન્મ્યું ન હોવા છતા, તેઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અપાર પ્રેમ, લાગણી અને માન છે. જાપાનના ચિસતો અને અકીરા ભારતીય રિવાજોથી પરણ્યા હતા.
ચિસતો જાપાનમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે, અને અકીરા પર્વતારોહક છે. પોરબંદરમાં ગઈકાલે તેમના લગ્નની શરણાઈઓ ગૂંજી હતી, ઢોલ-નગારા વાગ્યા હતા, અને જાપાની મહેમાનો ભારતીય પોષક પહેરીને જાનમાં નાચ્યા હતા. આ બધા જ એટલા ઉત્સાહી હતા કે, તેમનો આ ઉત્સાહ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો.
પીઠી ચોળી, વેદો-સ્ત્રોતોનું ગાન કરાવીને તથા દાંડિયા-રાસ રમીને જાપાનીઝ યુગલ પરણ્યું હતું. લગ્નની દરેક વિધીમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. આશ્રમના સંચાલકો દ્વારા પૂરતા વિધીવિધાનથી તેમના લગ્ન કરાવાયા હતા. લગ્નમાં 12 થી 13 જાપાનીઝ આવ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે, આ જાપાનીઝ યુગલ જાન્યુઆરી મહિનામાં જ જાપાનીઝ વિધીથી પરણી ચૂક્યું હતું, પણ ભારતીય સંસ્કૃતિના પ્રેમને કારણે તેઓએ ભારત આવીને ભારતીય વિધીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું તેવું આશ્રમના સંચાલક નિગમાનંદા સરસ્વતીજીએ જણાવ્યું.
લગ્ન વિશે આશ્રમના અન્ય સંચાલક નિત્ય કલ્યાણાનંદા સરસ્વતીએ કહ્યું કે, એક જાપાનીઝ વિદ્યાર્થી ગત ત્રણ વર્ષથી અમારા આશ્રમમાં વેદાંતા, ભગવદ ગીતા, શ્લોકો અને સંસ્કૃત ગ્રામરનો અભ્યાસ કરી રહ્ય છે. સંન્યાસી અવતાર ધારણ કરીને તે સ્વામી ચેતનાનંદ સરસ્વતી બની ગયો છે. તે છેલ્લા 12 વર્ષથી જાપાનમાં ભગવદ ગીતા શીખવી રહ્યો છે. ત્યાં તેના અનેક વિદ્યાર્થીઓ છે. તેમની પાસેથ ભારતીય સંસ્કૃતિની ભવ્યતા જાણ્યા બાદ તેમણે નક્કી કર્યુ હતું કે, તેઓને હિન્દુ રીતરિવાજોથી પરણવું છે.
આમ, પોરબંદરના આંગણે અનોખો લગ્નોત્સવ યોજાયો હતો. જાપાનીઝ યુવતી ચિસતો ભગવત ગીતા, ઉપનિષદોની ઊંડી જાણકાર છે. તે સંસ્કૃત ભાષાનુ પણ બહોળુ જ્ઞાન ધરાવે છે. તે સંસ્કૃતિ શબ્દોનું પણ શુદ્ધ ઉચ્ચારણ કરે છે. તે નિયમિત પૂજાપાઠ કરે છે.
ભારતીય પહેરવેશ પહેરેલી જાપાનીઝ યુવતીઓ સોહામણી લાગતી હતી. તેમણે ઢોલ-નગારા પર ડાન્સ પણ કર્યો હતો.
આશ્રમના આંગણે આ યુગલના લગ્નથી અનોખો માહોલ સર્જાયો હતો. બંનેના લગ્નની પત્રિકા પણ બનાવવામાં આવી હતી. જેમાં ખાસ વાત એ હતી કે, પત્રિકા ગુજરાતી ભાષામાં છાપવામાં આવી હતી. જેના પર સંસ્કૃત શ્લોક લખાયેલો હતો.
Trending Photos