અંબાલાલની આગાહીએ ટેન્શન કરાવ્યું, પણ હવામાન વિભાગની આગાહીએ ખુશ કરી દીધા
Ambalal Patel Prediction : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દિવાળીએ વરસાદ આવવાની આગાહી કરીને ગુજરાતીઓને ટેન્શન આપી દીધું છે. લોકો તહેવારની ઉજવણી કરવામાં મૂંઝવાયા છે. ત્યારે બીજી તરફ, હવામાન વિભાગની આગાહી ગુજરાતીઓને ખુશ કરી દે તેવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરી છે. સાથે જ આ દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી.
બિન્દાસ્ત ઉજવો દિવાળી, નહિ આવે વરસાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગત રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી નોંધાયું છે, જે 3.2 ડિગ્રી વધુ તાપમાન છે. તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી તાપમાન છે, જે સામાન્ય 4.3 ડિગ્રી વધુ તાપમાન છે. વર્ષ 2010-2023 માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે. આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી
સાથે જ હવામાન વિભાગે તો વરસાદ નહિ આવે તેવી આગાહીકરી છે. આગામી 7 દિવસ માટેની આગાહી કરી છે તેમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી. આ સાથે કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. રાજ્યમાં 3 નવેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું જઈ રહ્યું છે.
અંબાલાલ પટેલે શું કહ્યું
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.
Trending Photos