કોણ છે દિપ્તી પટેલ, જે ખરા અર્થમાં તરછોડાયેલા સ્મિતના ‘જશોદા’ બન્યા અને 17 કલાકથી આપી માતાની હૂંફ

સ્મિત મળ્યાના 17 કલાક બાદ પણ તેઓ સ્મિતને છોડીને ગયા નથી. નાનકડો સ્મિત પણ જાણે માતાની હૂંફ હોય તેમ તેમનો ખોળો છોડી નથી રહ્યો. 

ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાં નવરાત્રિના બીજા નોરતે રાત્રે 9 વાગ્યે જ્યારે તરછોડાયેલુ બાળક મળ્યુ, ત્યારે સ્થાનિક લોકો પાસેથી માહિતી મળ્યા બાદ સૌથી પહેલા ગાંધીનગરના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર દિપ્તી પટેલ દોડી આવ્યા હતા. રાત્રે 9 વાગ્યાથી અત્યાર સુધી દિપ્તી પટેલ સતત બાળકની પડખે રહીને ખરા અર્થમાં તેની જશોદા બન્યા છે. તરછોડાયેલા બાળકને સ્મિત નામ અપાયુ છે. જ્યારથી સ્મિત મળ્યો છે, ત્યારથી તે દિપ્તીબેનના જ ખોળામાં છે. તેઓ સતત પોતાના દીકરાની જેમ સ્મિતની સારસંભાળ રાખી રહ્યા છે. સ્મિત મળ્યાના 17 કલાક બાદ પણ તેઓ સ્મિતને છોડીને ગયા નથી. નાનકડો સ્મિત પણ જાણે માતાની હૂંફ હોય તેમ તેમનો ખોળો છોડી નથી રહ્યો. 
 

ZEE 24 કલાકની મુહિમ

1/6
image

માસુમ બાળકના માતાપિતાને શોધવા માટે ZEE 24 કલાક સતત મુહિમ ચલાવી રહ્યુ છે. આ વચ્ચે મહિલા કોર્પોરેટર દિપ્તી પટેલ સતત સ્મિતની સારસંભાળ રાખી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, બાળક એટલો ક્યુટ છે કે તેને વ્હાલ કર્યા વગર કોઈ ન રહી શકે. તે જરા પણ રડી નથી રહ્યો. આખી રાત તે શાંતિથી સૂઈ ગયો હતો, અને જરા પણ ત્રાસ આપી નથી રહ્યો. 

મારી અપીલ છે કે માતાપિતા બાળકને લેવા આવી જાય

2/6
image

દિપ્તી પટેલે ઝી 24 કલાકને કહ્યું કે, માનવતાની દ્રષ્ટિએ મેં આ કામ કર્યુ છે. મારી એક જ ઈચ્છા છે કે, બાળક તેના રિયલ માતાપિતા સુધી પહોંચી જાય. મીડિયા દ્વારા સારો પ્રસાર થયો છે. હજી સુધી તેના માતાપિતા મળ્યા નથી. તેથી  મારી અપીલ છે કે, જો બાળકને તરછોડ્યો હોય તો વહેલી તકે તમારી ભૂલ સુધારી લો અને તેને અપનાવી લો. આપણા ગૃહરાજ્ય મંત્રીએ બાળકનુ સ્મિત જોઈને તેને સ્મિત નામ આપ્યુ છે. બાળક હકીકતમાં આ નામ જેવો હસમુખો છે. 

3/6
image

તો બીજી તરફ, બાળકના વાલીને શોધવા માટે પોલીસ પણ મક્કમ બની છે. ગાંધીનગર પોલીસ દ્વારા બાળકના માતા પિતાની જાણકારી આપવા માટે મોબાઈલ નંબરો જાહેર કરાયા છે. ગાંધીનગર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી કે, જાહેર જનતાને આ નંબરો ઉપર કોઈપણ જાતની માહિતી હોય તો આપવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે પીઆઈ, 4 પીએસઆઈ અને 30 જેટલા પોલીસ કર્મી તપાસે લાગ્યા છે. 

ગૃહરાજ્યમંત્રીએ તાકીદે પગલાં ભરવા આદેશ કર્યા

4/6
image

બાળકના માતા-પિતાની શોધખોળ પોલીસે તેજ કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષદ સંધવીએ તાકીદે પગલાં ભરવા આદેશ કર્યા છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બાળકને કોણ મૂકી ગયું કયા વાહન પર આવ્યા હતા તે તમામ ટેકનોલોજીના આધારે શોધખોળ ચાલી રહી હોવાનો દાવો કર્યો છે. સાથે જ મીડિયા દ્વારા વ્યાપક પ્રસિદ્ધિ થાય તેવી પણ અપીલ કરી છે. જરૂર પડે બાળક મૂકી ગયા છે તે સમયગાળાના મોબાઇલ નેટવર્કના આધારે પણ પોલીસ તપાસ કરશે. 

5/6
image

શુક્રવારે ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું હતું.. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક લોકો આ બાળકને દત્તક લેવા માટે પહેલ કરી ચૂક્યા છે.  

માસુમ સ્મિતને મા યશોદા હૂંફ

6/6