પાક આવો હોય, તો ખેડૂતના નસીબમાં રોદણા રોવાનો જ વારો આવે ને...

સરકાર દ્વારા નુકશાનીનું તાત્કાલિક સરવે કરવામાં આવે અને ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ભાવનગરના ખેડૂતોએ માંગ કરી

નવનીત દલવાડી :ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ, છાયા, ભવાનપુર સહિતના ગામોમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે પાણી ખેતરોમાં ભરાઈ જતાં ખેડૂતોના બાજરી, કપાસ, તલ, મગફળી સહિતના ઉભા પાક ધોવાઈ ગયા છે. અનેક ખેડૂતોનો પાક ખેતરોમાં જ ઊગી જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી હાલત જોવા મળી રહી છે, ત્યારે સરકાર દ્વારા નુકશાનીનું તાત્કાલિક સરવે કરવામાં આવે અને ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

ખેતરોમાં આવા જ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

1/3
image

સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવના કારણે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ઘણા જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં પણ ખેતરોમાં આવા જ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘોઘા તાલુકાના છાયા, મોરચંદ, ભવાનપુર, ઓદરકા, પીથલપુર, વાવડી સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.   

ખેડૂતોના મુખે આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો

2/3
image

અહીં ખેડૂતોએ ભારે મહેનતથી વાવેલ ઉભા પાકો પર પાણી ફરી વળ્યું છે, અને ખેડૂતોનો ઉભો પાક ખેતરો માં જ ઊગી નીકળ્યો છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોના મુખે આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો, તેમજ મોરચંદ ગામમાં ખરીફ પાક માટે ખેડૂતોએ વિવિધ બેંક પાસેથી પાક ધિરાણ મેળવી ખેતી કરી હતી ત્યારે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા પાક ધિરાણની ભરપાઇ કેવી રીતે કરવી તે માટે ખેડૂતો ચિંતિત બન્યા છે.  

સર્વે એક પણ વાર કરવામાં આવતો નથી

3/3
image

રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘોઘા તાલુકાના ગામોમાં જ્યાં આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. એક તરફ કોરોના મહામારીના કારણે ખેડૂતોને પાક વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ખેડૂતોએ વાવેલા પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતો ફરી ચિંતીત બન્યા છે, ખેડૂતોનો આક્ષેપ છે કે પાક વિમો પૂરતો લેવામાં આવે છે પરંતુ સર્વે એક પણ વાર કરવામાં આવતો નથી અને ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા આ ગામોમાં  તાત્કાલીક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.