Photos : ગુજરાતના આ શિવમંદિરનો રોમાંચક ઈતિહાસ સંતોની સાથે એક હરણીના શિકારી સાથે પણ જોડાયેલો છે
કેતન બગડા/અમરેલી :શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં શિવમંદિર અને શિવ પૂજાનું અનેરુ મહત્વ હોય છે. આ મહિનામાં મોટાભાગના શિવાલયોમાં ભીડ જામતી હોય છે. ત્યારે સાવરકુંડલાથી 30 કિલોમીટર દૂર આવેલ 400 વર્ષ પુરાણુ કેદારનાથ મંદિર પૌરાણિકતાની દ્રષ્ટિએ ખાસ છે. આ મંદિર પ્રકૃતિની ગોદમાં આવેલું છે. તેમજ તેનો ઇતિહાસ અનેક કથાઓ સાથે સંકળાયેલો છે.
અહીં નિયમિત આવનાર ભક્તજનોએ આ મંદિરની વિશેષતા વિશે જણાવ્યું કે, આ મંદિર ઈશાન ખૂણા માં આવેલું છે. આ શિવાલયમાં ત્રણ શિવલિંગની સ્થાપના કરાઈ છે. જેમાં એક શિવલીંગ સ્વયંભૂ પ્રગટ છે. કુદરતને ખોળે આવેલા શિવાલય અને તેના દર્શને આવતા દૂર દેશાવરથી ભક્તજનોની મનોકામના પૂરી થાય છે. ઉપરાંત અહીં નજીક આવેલ મોટા ભમોદરા ગામના લોકો જળઝીલણી અગિયારસના સમયે અહીંયા જળ ઝીલવા આવે છે. અહીં આવનાર ભક્તજનો બદ્રી કેદારનાથની યાત્રાએ જતા હોય તેવો નયનરમ્ય નજારો જોઇને ખુશ થાય છે. આ અતિ પૌરાણિક શિવાલયની સાર સંભાળ અને દેખરેખ માટે એક કમિટી બનાવવામાં આવી આવી છે, હજારો ભાવિક ભક્તજનો અહીં આવે છે અને આ વિશિષ્ટ શિવાલયની મુલાકાત લઈ પોતાની મનોકામના પૂરી કરે છે. આ શિવાલય નદી કિનારે આવેલું હોઈ શિવાલય નજીક એક મોટો ધોધ આવેલો છે. અહીં દર્શન કરવા આવનાર શિવભક્તો કુદરતી રીતે પડતા ધોધનો આનંદ માણે છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં અહીંયા નયનરમ્ય નજારો જોવા મળે છે. કેદારનાથ મહાદેવમાં લોકો પોતાની મનોકામના પૂરી કરે છે. પ્રકૃતિની ગોદમાં આવેલા શિવાલયમાં સૌ કોઈ માથું ટેકવવા આવે આવે છે.
કેદારેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક ઇતિહાસ જોડાયેલા છે. જેમાં ફકીરા ખુમાણનો ઈતિહાસ કંઈક અલગ જ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આજથી આશરે 2૦૦ વર્ષ પહેલા ફકીરા ખુમાણ નામનો એક શિકારી અહીં શિકાર કરવા આવ્યો હતો અને આ વિસ્તારમાં એક સગર્ભા હરણીનો શિકાર કર્યો હતો. એ હરણીએ તરત જ બચ્ચાને જન્મ આપતા ફકીરા ખુમાણનું દિલ પીગળી ગયું. તેણે શિકારમાં વાપરેલી બંદુકને તોડીને શિવજીને ચરણે બેસી ગયો હતો. જેની ખાંભી યાદગીરી રૂપે આજે પણ અહીં છે. આમ અહીં આવનારા શિવ ભક્તો કેદારનાથ મહાદેવની સાથે-સાથે ફકીરા ખુમાણને પણ યાદ કરે છે.
કેદારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં બારેમાસ વહેતી ગૌમુખમાંથી પવિત્ર જળ આવે છે. અહીંયા આવનાર શ્રદ્ધાળુઓ આ કુંડમાંથી પવિત્રજળનું આચમન કરે છે અને ગંગાજળ સમાન માનીને તેને ઘરમાં પણ લઈ જાય છે. ગમે તેવો દુષ્કાળ કે વરસાદ ના હોય તેવા સમયમાં પણ આ ગૌમુખમાંથી અવિરત પાણીનો પ્રવાહ હંમેશા વહેતો રહે છે. 1987માં પડેલા દુષ્કાળ આ સમયે પણ આ ગંગાધારા અવિરત ચાલુ હતી. આ જ પવિત્ર જળમાંથી શિવજીને અભિષેક કરવામાં આવે છે. 400 વર્ષ પુરાણા આ કેદારનાથ મહાદેવ મંદિરે અનેક પૂજારીઓ સંતો આવી ગયા, પરંતુ સુબ્રમણ્યમ સ્વામી નામના એક સંતે 35 વર્ષ સુધી પૂજા કરી અને આ મંદિરનો મહિમાને જાળવી રાખ્યો હતો. જેની યાદગીરીરૂપે ભક્તજનોએ તેમની સમાધિ બનાવી છે. અહીં શિવભક્તો આ સ્વામીની પણ પૂજા કરે છે.
અતિ પૌરાણિક એવા આ કેદારનાથ શિવાલયનો ઇતિહાસ જણાવતા અહીંના પૂજારી સ્વામી મુકુંદહરી કહે છે કે, આશરે 600 વર્ષ પહેલા સંતોનું એક સંઘ કેદારનાથ દર્શને ગયો હતો. પરંતુ વરસાદને કારણે કેદારનાથના દર્શન ન થયા અને નિરાશ થઈ વિચરણ કરતાં આ વિસ્તારમાં આવ્યા હતા. અહીં તેમને સ્વયંભૂ શિવલિંગ મળ્યા અને અહીં જ કેદારનાથ મહાદેવની સ્થાપના કરી. કેદારનાથના દર્શન કર્યાનું અનુભૂતિ કરી ત્યારથી આ મંદિર વિવિધ પૂજારીઓને સંતોના સેવા ભક્તિથી ગૂંજતું રહ્યું છે. શિવાલયના દ્વાર પર જે પ્રતિમાઓ રાખવામાં આવી છે એ પણ રાજવી ઇતિહાસ અને પૌરાણિકતાની પ્રતીતિ કરાવે છે.
Trending Photos