પશ્ચિમ બંગાળમાં રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટનો ભાજપને ઝટકો, વહેલી સુનાવણીનો ઈનકાર

સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે વેકેશન બેન્ચ સમક્ષ અરજીને યાદીમાં મુકવાનો ઈનકાર કરી દીધો. હવે આ કેસની સુનાવણી 2 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ ખુલ્યા બાદ જ થઈ શકશે...

પશ્ચિમ બંગાળમાં રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટનો ભાજપને ઝટકો, વહેલી સુનાવણીનો ઈનકાર

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં રથયાત્રાની મંજુરી બાબતે સુપ્રીમ કોર્ટે ભાજપને ઝટકો આપ્યો છે. હાઈકોર્ટના આદેશ સામે રાજ્ય ભાજપની અરજી પર સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે વેકેશન બેન્ચ સમક્ષ અરજીને યાદીમાં મુકવાનો ઈનકાર કરી દીધો. હવે આ કેસની સુનાવણી 2 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ ખુલ્યા બાદ જ થઈ શકશે.

હકીકતમાં, કોલકાતામાં ભાજપની પ્રસ્તાવિત ગણતંત્ર બચાવો રથયાત્રા અંગે કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પ્રતિબંધ લગાવી દીધો હતો. આ અગાઉ કોલકાતાની હાઈકોર્ટની સિંગલ બેન્ચે ભાજપની પ્રસ્તાવિત રથયાત્રાને મંજુરી આપી હતી, જેને રાજ્ય સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવતો હતો. ત્યાર બાદ મમતા સરકારે હાઈકોર્ટની સિંગલ બેન્ચના આ ચૂકાદા સામે ડિવિઝન બેન્ચમાં અરજી કરી હતી. 

આથી બંગાળમાં રથયાત્રાની મંજુરી ન મળવાના કોલકાતા હાઈકોર્ટના આદેશ સામે રાજ્ય ભાજપે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ભાજપે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના ચૂકાદાને રદ કરવાની માગ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની મમતા સરકારે રાજ્યમાં સાંપ્રદાયિક શાંતિ વ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં ભાજપની ગણતંત્ર રથયાત્રાને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ ભાજપ સરાકારના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news