'જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો' આટલું બોલતા જ ચમત્કાર થાય છે...જાણો શીતળા સાતમની રોચક કથા

શ્રાવણ માસ ન માત્ર ભગવાન શિવની વિશેષ પૂજાનો માસ પરંતુ આ માસમાં બોળચોથથી લઈને જન્માષ્ટમી સુધીની સળંગ તહેવારો આવી જાય છે જેને ભારે ઉત્સાહ સાથે મનાવાય છે. દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે, આ દિવસોમાં કેવી રીતે પૂજા કરવી, શું ખાવું તમામ વાતોનું અલગથી મહત્વ છે... અહીં વાત છે શીતળા સાતમની...આજે શીતળા સાતમનો પર્વ છે. જાણો તેના મહત્વ વિશે, તેની વિધિ અને શું છે પૌરાણિક કથા તેના વિશે...

'જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો' આટલું બોલતા જ ચમત્કાર થાય છે...જાણો શીતળા સાતમની રોચક કથા

ઝી બ્યૂરો, અમદાવાદઃ શીતળા સાતમ પર શીતળા માતાની વ્રતકથા અને પૂજાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા સાતમમાં વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. કહેવાય છે કે વ્રત કરનાર શીતળા સાતમના દિવસે વિશેષ પૂજાવિધિ કરે છે અને તેનું વાચન કરે છે તેના પર શીતળા માતા પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિને સમગ્ર જીવન શીતળતાનો અનુભવ થાય છે. કથા પ્રમાણે કોઈ ગામમાં દેરાણી-જેઠાણી તેના સાસુ સાથે રહેતા હતા. સાસુની બંને પુત્રવધૂના ઘરે એક-એક દીકરા હતા. દેરાણી-જેઠાણીમાં જેઠાણી ઈર્ષાળુ હતી તો દેરાણી ભલી અને શાંત સ્વભાવની હતી. એક વખત શ્રાવણ માસમાં રાંઘણછઠ્ઠનો દિવસ આવ્યો. સાસુએ નાની પુત્રવધૂને રાંઘવા બેસાડી, નાની પુત્રવધૂ મોડી રાત સુધી રાંઘતી રહી. આ બધા વચ્ચે ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. પોતાના બાળકને રડતા જોઈ માએ બધું કામ પડતું મૂક્યું અને છોકરાને લઈને જરા આડે પડખે સૂતી થઈ, દિવસભરના કામના કારણે નાની વહુને થાક લાગ્યો હતો અને થાકના કારણે તે જોતજોતામાં સૂઈ ગઈ. નાની વહુ બાળકને સાચવવામાં ચૂલો બંધ કરવાનું ભૂલી ગઈ..

ચૂલો સળગતો રહ્યો, મદ્યરાત પછી શીતળા માં ફરવા નીકળે છે અને તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે પહોંચી જાય છે, શીતળા માં ચૂલામાં આળોટવા લાગે છે પરંતુ શીતળા માને શરીરે ઠંડક લાગવાના બદલે ત્વચામાં જલન થવા લાગે છે અને તેઓ આખા શરીરે દાઝી જાય છે. ગુસ્સે ભરાયેલા શીતળા મા નાની વહુને શ્રાપ આપે છે કે  'જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો'.

વહુ જ્યારે સવારે ઉઠે છે તો જોયું ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો, તેનું આખું શરીર દાઝી ગયુ હતું. બાળકને આ હાલતમાં જોઈ નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો છે, નાની વહુ રડતી રડતી સાસુ પાસે જાય છે અને બધી વાત કરે છે. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થાના કર બધું સારું થઈ જશે. નાની વહુ બાળકને ટોપલામાં નાખી નીકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ, આ બન્ને તલાવડી પાણીથી છલોછલ હતી, કોઈ તેનું પાણી પીતું ન હતું કેમ કે  જે પણ પીએ તે મૃત્યું પામતું હતું.

નાની વહુને જતા જોઈ તલાવડીઓ બોલી, "બહેન તું ક્યા જાય છે?" ત્યારે નાની વહુ કહે છે કે, "હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું." તલાવડીઓએ નાની વહુને કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતાં જ મૃત્યુ પામે છે? અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો.

નાની વહુ ત્યાંથી આગળ વધે છે જ્યાં રસ્તામાં તેને બે આખલા મળે છે, તેમના ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બન્ને લડતા હતા. નાની બહુને જોઈને બન્ને આખલાએ પુછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે.

નાની વહુ આગળ વધે છે ત્યા થોડે દૂર તેણે જોયું કે બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળ પરથી જૂ વીણતી હતી. વહુને જોઈને ડોશીમા બોલે છે કે બહેન મારા માથામાં  ખંજવાળ આવે છે, જરા જૂ કાઢી આપ ને...  નાની વહુ દયાળુ હતી, ભલે તેને ઉતાવળ હતી તેમ છતાં પોતાના દીકરાને ડોશીમાના ખોળામાં મૂકી ડોસીમાંના માથામાંથી જૂ કાઢી આપે છે. થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી જાય છે. તેઓ વહુને આશીર્વાદ આપતા કહે છે કે "જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો" આટલું બોલતા જ ચમત્કાર થાય છે, ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ જાય છે. વહુ જાણી જાય છે કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળામાતા છે. આથી તે તેના આશીર્વાદ લે છે.

વહુએ શીતળા માતાને   તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતાએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ બન્ને તલાવડીઓ રોજ ઝઘડ્યા કરતી હતી, કોઈને શાક-છાશ આપે નહીં અને આપે તો તેમાં પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું, તેના જવાબમાં શીતળા માં બોલ્યા કે ગયા જન્મમાં બન્ને દેરાણી-જેઠાણી હતા, તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા-ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બન્ને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે. તુ આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે.

નાની વહુ ખુશી થઈને  શીતળા માના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતાં તલાવડીઓ પાસે વહુ આવી, તેમના શ્રાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું. બંને તલાવડીનો શ્રાપ દૂર થયો. ઘરે આવી તેણે સાસુમાને આ બધી વાત કરી આ સાંભળી તેની જેઠાણીને ઈર્ષા થઈ.

ત્યારબાદ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે, તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મઘરાત થતાં શીતળા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળા માતાનું શરીર દાઝી ગયું તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો.

સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો, દુ:ખી થવાના બદલે જેઠાણી ઊલટાની ખુશ થઈ  તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળે છે. રસ્તામાં જેઠાણીને તલાવડી મળે છે અને પૂછે કે બહેન ક્યાં જાય છે ? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને.. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા, જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી , આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું.  જેઠાણએ ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારા માથામાંથી જૂ કાઢી આપું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાય મળ્યા નહી. આથી તે રડતી રડતી ઘરે આવી. હે, શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો..

વ્રતની વિધિ:
શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે, વ્રત કરનાર સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીએ સ્નાન કરે છે, અને આખો દિવસ ટાઢું ખાય છે, આ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરાય છે, આ વ્રત કરવાથી ધન-સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news