ચીની મીડિયાનો દાવો સાવ ખોટો, રાજનાથ સિંહ ચીનના રક્ષામંત્રી સાથે નહીં કરે મુલાકાત
Trending Photos
નવી દિલ્હી: મોસ્કોમાં સૈન્ય પરેડમાં ભાગ લેવા ગયેલા રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ની ચીનના વિદેશમંત્રી વેઈ ફેંગે સાથે દ્વિપક્ષીય બેઠક થશે નહીં. એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ અંગેની જાણકારી આપી. અત્રે જણાવવાનું કે રાજનાથ સિંહ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયત જીતની 75મી વર્ષગાંઠના અવસરે બુધવારે સૈન્ય પરેડમાં ભાગ લેવા માટે ત્રણ દિવસ માટે રશિયા (Russia) પ્રવાસે છે.
ચીન (China) ના રક્ષામંત્રી વેઈ ફેંગે પણ આ પરેડમાં ભાગ લે તેવી શક્યતા છે. ચીની મીડિયાના એક અહેવાલમાં કહેવાયું હતું કે વેઈ અને સિંહ મોસ્કોમાં સમારોહમાં ભાગ લેવાના છે અને પૂર્વ લદાખમાં સરહદે તણાવ અંગે બંને વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા છે. ચીની મીડિયાના આ અહેવાલ અંગે જ્યારે રક્ષા મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણબાબુને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, "અમારા રક્ષામંત્રી ચીની રક્ષામંત્રી સાથે બેઠક નહીં કરે."
નોંધનીય છે કે રક્ષામંત્રી રાજનાથનો રશિયા પ્રવાસ એવા સમયે થયો છે કે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદે ખુબ તણાવ છે. અધિકારીઓએ કહ્યું કે ચીન સાથે સરહદ પર ગતિરોધ ચાલુ છે પરંતુ સિંહ રશિયા સાથે ભારતના દાયકા જૂના સૈન્ય સંબંધોને કારણે ત્યાં ગયા છે.
રશિયા સાથે ખાસ સંબંધ
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત-રશિયા સંબંધ એક 'વિશિષ્ટ અને વિશેષ વ્યુહાત્મક ભાગીદારી' છે તથા બંને દેશો વચ્ચે હાલના સૈન્ય કરાર યથાવત રહેશે તથા અનેક મુદ્દાને બંને દેશ ઓછા સમયમાં આગળ ધપાવશે. સિંહે કહ્યું કે મોસ્કોનો આ પ્રવાસ કોવિડ 19 મહામારી બાદ કોઈ પણ ભારતીય અધિકૃત પ્રતિનિધિમંડળનો પહેલો પ્રવાસ છે.
રક્ષામંત્રીએ અહીં પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધ એક વિશિષ્ટ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યુહાત્મક ભાગીદારી છે. અમારા રક્ષા સંબંધ તેના મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. સિંહે રશિયાના ઉપપ્રધાનમંત્રી યુરી બોરિસોવ સાથે દ્વિપક્ષીય રક્ષાસંબંધો પર ચર્ચા કરી. તેઓ મહામારીના પ્રતિબંધો હોવા છતાં તેમને મળવા હોટલ આવ્યાં હતાં.
જુઓ LIVE TV
રક્ષામંત્રીએ કહ્યું કે 'બંને વચ્ચે થયેલી વાતચીત ખુબ હકારાત્મક રહી. મને આશ્વાસન અપાયું છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા કરારને યથાવત રાખવામાં આવશે અને માત્ર યથાવત જ નહીં પરંતુ અનેક મુદ્દે તે ઓછા સમયમાં આગળ પણ વધારવામાં આવશે. અમારા તમામ પ્રસ્તાવો પર રશિયા તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. હું ચર્ચાને લઈને સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું.' તેમણે રશિયા તરફથી ભારતને સમયસર એસ-400 મિસાઈલ સિસ્ટમ આપવાના સંકેતની પણ વાત કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે