પ્રિયંકાના સહારે UPના રાજકારણમાં રાહુલનો છેલ્લો દાવ, PM મોદી અને યોગી સાથે થશે સીધી ટક્કર!

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મોટો દાવ ખેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી જેની રાહ જોવાતી હતી એ મહત્વનું પત્તુ કોંગ્રેસ દ્વારા ખોલવામાં આવ્યું છે.

પ્રિયંકાના સહારે UPના રાજકારણમાં રાહુલનો છેલ્લો દાવ, PM મોદી અને યોગી સાથે થશે સીધી ટક્કર!

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મોટો દાવ ખેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી જેની રાહ જોવાતી હતી એ મહત્વનું પત્તુ કોંગ્રેસ દ્વારા ખોલવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને રાજકીય મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે અને ઉત્તરપ્રદેશ રાજ્યની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જે લોકો કોંગ્રેસના રાજકારણને નજીકથી જાણતા હતાં તેઓને ખબર છે કે રાજીવ ગાંધીના મૃત્યુ બાદ એ વાતની અટકળો થતી હતી કે પ્રિયંકા દાદી જેવી દેખાતી હોવાના કારણે પરિવારમાં રાજકારણમાં વારસદાર બનશે. જ્યારે મોટા ચશ્મા લગાવતા રાહુલ ગાંધી વિશે કહેવાતું હતું કે તેઓ રાજકારણને  લઈને પિતા રાજીવ ગાંધી જેવા છે. 

પરંતુ જ્યારે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને પોતાના વારસદાર બનાવ્યાં તો આ ભ્રમણા પણ તૂટી ગઈ અને પાર્ટીએ રાહુલને સ્વીકારી લીધા. આમ છતાં પ્રિયંકાને રાજકારણમાં લાવવાની માંગણીઓ ઓછી ન થઈ. 23 જાન્યુઆરીએ પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા તે અગાઉ પ્રિયંકા ગાંધી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નહતાં અને તેઓ માતા સોનિયા ગાંધીની લોકસભા બેઠક રાયબરેલીનો પ્રભાર સંભાળતા હતાં. 

કોંગ્રેસનું બ્રહ્માસ્ત્ર
હવે જ્યારે રાહુલ ગાંધીએ પ્રિયંકાની અંટ્રી ખાસ અંદાજમાં કરાવી છે તો તેનો અર્થ સમજવો પડશે. કોંગ્રેસમાં લાંબા સમય બાદ એવું જોવા મળી રહ્યું છે કે કોઈ વ્યક્તિને સમગ્ર પ્રદેશની જગ્યાએ અડધા પ્રદેશના મહાસચિવ બનાવવામાં આવે. પ્રિયંકાને આ અડધા પ્રદેશના મહાસચિવ બનાવવા પાછળ એક અર્થ એ કાઢી શકાય કે તેમનું કદ એટલું મોટું રખાયું નથી. પરંતુ આ તર્ક કોઈ માનશે નહીં. એમ તો માનવું પડશે કે પૂર્વ યુપી પ્રિયંકા અને પશ્ચિમ યુપી જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપીને રાહુલ દેખાડ્યું છે કે યુપીને બે પ્રદેશો બરાબર કે તેનાથી પણ વધુ મહત્વ અપાઈ રહ્યું છે. 

એક રીતે જોવા જઈએ તો સક્રિય રાજકારણમાં આવ્યાં બાદથી જ રાહુલ ગાંધીના મનમાં એક વાત છવાયેલી છે કે કોઈ પણ રીતે યુપીમાં કોંગ્રેસને જીવિત કરવામાં આવે. આ માટે તેઓ દર વર્ષે વર્ષે બે વર્ષે યુપીને લઈને કોઈ નવા પ્રયોગ કરી રહ્યાં છે. જો 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને યુપીમાં મળેલી જબરદસ્ત સફળતાને બાજુમાં મૂકીએ તો યુપીમાં રાહુલના અત્યાર સુધીના દરેક પ્રયોગ નિષ્ફળ ગયા છે. આવામાં પ્રિયંકાને મેદાનમાં ઉતારીને રાહુલે કોંગ્રેસનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે. 

રાહુલનું રાજકારણ
પ્રિયંકાનો રાજકીય પ્રયોગ પહેલા નજર ફેરવીએ કે રાહુલે યુપીમાં આ અગાઉ શું કર્યું છે. સૌથી પહેલા નજર 2007ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પર જશે. આ ચૂંટણીમાં રાહુલે પહેલીવાર યુપીમાં ખુબ પ્રચાર કર્યો. લોકોએ તેમને પ્રેમ આપ્યો અને તેમને જોવા ભીડ પણ ઉમટી. પરંતુ આ ભીડ વોટમાં કન્વર્ટ થઈ નહીં. કોંગ્રેસે ચૂંટણીમાં માત ખાધી. 

પરંતુ રાહુલે હાર ન માની. એકબાજુ મનરેગા જેવી યોજનાઓથી લોકો સુધી પહોંચ્યા અને બીજી બાજુ દલિતોના ઘરે ભોજન કરતા રહ્યાં. આ બધી ચીજોએ અસર બતાવી અને 2009માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાં 18 ટકાથી વધુ મતો અને 20થી વધુ લોકસભા બેઠકો મેળવી. 1984 બાદ યુપીમાં કોંગ્રેસનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. 

ત્યારબાદ રાહુલ ગાંધીએ બુંદેલખંડ પેકેજ આપ્યું અને પછાત વિસ્તારોમાં ગામડે ગામડે ઘૂમ્યા. કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં તેઓ નોઈડામાં ભટ્ટા પારસૌલમાં ખેડૂતોની સાથે ધરણા પર બેઠા અને ધરપકડ વોહરી. એનઆરએચએમ કૌભાંડને લઈને લખનઉમાં રસ્તાઓ પર ઉતર્યાં. આમ જોવા જઈએ તો યુપીએ2માં રાહુલે ખુબ તાકાત લગાવી કે 2009ની જેમ યુપી વિધાનસભા 2012માં પણ જાદુ બતાવીએ. પરંતુ તેઓ નિષ્ફળ ગયાં. કોંગ્રેસની બેઠકો ઓછી આવી. 

જો કે ત્યારબાદ 2014માં પણ ચૂંટણીમાં જોશ બતાવ્યો. પરંતુ આમ છતાં રાહુલ અને સોનિયા સિવાય કોઈ કોંગ્રેસી નેતા સાંસદ બની શક્યા નહીં. રાહુલ ગાંધી માટે આ પળ યુપીમાં જબરદસ્ત નિષ્ફળતાની પળ હતી. 

ત્યારબાદ નવા સમીકરણ ઘડાયા અને 2017ની યુપી વિધાનસભા ચૂંટણી અગાઉ શીલા દિક્ષિતને મુખ્યમંત્રી પદના દાવેદાર અને રાજ બબ્બરને પ્રદેશ અધ્યક્ષ બનાવીને યુપી જીતવાનો પ્લાન ઘડાયો. પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી. કોંગ્રેસે નારો બદલ્યો અને યુપી કો યે સાથ પસંદ હેનો નારો આપ્યો. પરંતુ યુપીને ન ગમ્યો અને કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી. આમ યુપીમાં 10 વર્ષની આકરી મહેનત બાદ પણ રાહુલ ગાંધીને નિષ્ફળતા મળી. 

હવે જ્યારે 2019ની ચૂંટણી સામે છે ત્યારે રાહુલના તમામ શસ્ત્રો નિષ્ફળ  જતા હવે રામબાણ નુસ્ખા પર નજર ફેરવી છે. પ્રિયંકાને રાજકારણમાં ઉતારી દીધા છે. 

પૂર્વ યુપીના પ્રભારી હોવાનો અર્થ
પ્રિયંકા ગાંધી પૂર્વ યુપીના પ્રભારી છે. તેનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા  બેઠક વારાણસી, સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની બેઠક આઝમગઢ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગઢ ગોરખપુર, રામજન્મ ભૂમિ વિવાદનું કેન્દ્ર ફૈઝાબાદ લોકસભા બેઠક, માયાવતીની જૂની લોકસભા સીટ અકબરપુર .. આ બધી બેઠકો પ્રિયંકા ગાંધીના કાર્યક્ષેત્રમાં આવશે. 

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ આ વિસ્તાર ગણાય છે. પૂર્વાંચલ આમ તો બ્રાહ્મણોનો મજબુત  ગઢ ગણાય છે. પૂર્વાંચલની મહત્વની બેઠકો પર બ્રાહ્મણ મતદારો ખાસી ભૂમિકા ભજવે છે. હાલ તો પૂર્વાંચલનું પ્રતિનિધિત્વ ભાજપ તરફથી બે દિગ્ગજ નેતા કરે છે, પીએમ મોદી અને યોગી આદિત્યનાથ. આવામાં પ્રિયંકાની ભૂમિકા જોવાની રહેશે. 

આ રીતે ગાંધીએ યુપીમાં પીએમ મોદીની સામે પ્રિયંકાને રજુ કર્યા છે. પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવનારા નહેરું ગાંધી પરિવારની પાંચમી મહિલા હશે. આ અગાઉ વિજયા લક્ષ્મી પંડિત, ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી પણ રાજકારણમાં આવી ચૂક્યા છે. માતા સોનિયાની જેમ પ્રિયંકાએ પણ કોંગ્રેસના સૌથી ખરાબ સમયમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમની જવાબદારી પણ મોટી છે.

જો પ્રિયંકા નિષ્ફળ ગયા તો કોંગ્રેસ માટે એક મોટી તકનું હંમેશા માટે ગુમાવવા જેવું બની જશે. જો તેઓ અસફળ ગયા તો પાર્ટીની અંદર જ રાહુલ ગાંધી માટે મોટો પડકાર ગણાશે. પરંતુ આ બધા પહેલા પ્રિયંકા ગાંધીએ સાબિત કરવું પડશે કે તેઓ પડદા પાછળ નહીં પરંતુ જનતા વચ્ચે પણ દમદાર રાજકારણ ખેલી શકે છે. આ જ રાહુલનો છેલ્લો દાવ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news