પટનાઃ નીતીશ કુમારે કર્યું મંત્રીમંડળનું વિસ્તરણ, ભાજપમાંથી કોઈને ન મળ્યું સ્થાન

અનેક ધારાસભ્યો સાસંદ બની ગયા પછી ખાલી પડેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે રવિવારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે 
 

પટનાઃ નીતીશ કુમારે કર્યું મંત્રીમંડળનું વિસ્તરણ, ભાજપમાંથી કોઈને ન મળ્યું સ્થાન

પટનાઃ બિહારમાં સત્તામાં રહેલા જનતા દળ(યુ)ના અનેક ધારાસભ્યોના સાંસદ બની ગયા પછી અનેક ખાલી પડેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. નીતીશ કુમારના મંત્રીમંડળમાં નીરજ કુમાર, સંજય ઝા, રામસેવક સિંહ, શ્યામ રજક, અશોક ચૌધરી, બીમા ભારતી, નરેન્દ્ર નારાયણ યાદવ અને લક્ષ્મેશ્વર રાયનો સમાવેશ કરાયો છે. 

રાજભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લાલજી ટંડને તમામને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા. એનડીએના સહયોગી સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ભાજપના ક્વોટાના ખાલી મંત્રીપદ ભરવા માટે નામ માગવામાં આવ્યુંહતું, પરંતુ ભાજપ તરફથી પદ ખાલી રાખવાનો નિર્ણય લેવાયો હતો. 

નીતીશકુમારે ભાજપ પાસે મંત્રીમંડળ માટે નામ માગ્યા હતા, પરંતુ ભાજપ દ્વારા તેમને કોઈ નામ આપવામાં આવ્યું ન હતું. આથી, નવા ચહેરાઓમાં કોઈ ભાજપનો મંત્રી નથી. અત્યારે બિહાર સરકારમાં ભાજપના 13 મંત્રી છે. સરકારની રચના સમયે જેડીયુના 20 અને ભાજપના 14 મંત્રીની ફોર્મ્યુલા નક્કી થઈ હતી. 

આજે જે લોકો મંત્રી બન્યા છે, તેમાંથી 4 પ્રથમ વખત મંત્રી બન્યા છે. પ્રથમ વખત મંત્રી બનનારા સંજય ઝા, નીરજ કુમાર, રામસેવક સિંહ અને લક્ષ્મેશ્વર રાયનો સમાવેશ થાય છે. શ્યામ રજક, અશોક ચૌધરી, બીમા ભારતી અને નરેન્દ્ર યાદવ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news