Prophet Muhammad Remark: નૂપુર શર્માને આ આતંકી સંગઠને આપી ધમકી, ટેલીગ્રામ પર જાહેર કર્યું પોસ્ટર

Prophet Muhammad Remark: ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા પોતાના વિવાદિત નિવેદન બાદ સતત ચર્ચામાં છે. હવે તેને એક આતંકવાદી સંગઠને ધમકી આપી છે. 

Prophet Muhammad Remark: નૂપુર શર્માને આ આતંકી સંગઠને આપી ધમકી, ટેલીગ્રામ પર જાહેર કર્યું પોસ્ટર

નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કર્યાં બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ સતત વધી રહ્યો છે. હવે આતંકવાદી સંગઠન મુજાહિદીન ગઝવાતુલ હિંદે નૂપુર શર્માને ધમકી આપી છે. આતંકી સંગઠને કહ્યું કે પૂર્વ ભાજપના પ્રવક્તા દુનિયાની માફી માંગે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે.

નૂપુર શર્માને આતંકી સંગઠને આપી ધમકી
આતંકી સંગઠને સોશિયલ મીડિયા પર નૂપુર શર્માને ધમકી આપતા કહ્યું કે તેણે પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે અને દુનિયાની માફી માંગવાની જરૂર છ. દિલ્હીના ગાઝીપુરમાં આઈઈડી મળવાની જવાબદારી લેનાર કથિત આતંકી સંગઠન મુજાહિદીન ગઝવાતુલ હિંદે ટેલીગ્રામ પર એક ધમકીભર્યું પોસ્ટર જાહેર કર્યું છે. તેમાં લખવામાં આવ્યું કે, નૂપુર શર્માએ પહેલાં પયગંબર સાહેબ પર ટિપ્પણી કરી અને હવે માફી માંગી રહી છે. બેવડું વલણ અપનાવતા ભાજપ ચાણક્ય નીતિ પર ચાલતા ચાલબાજી કરી રહ્યું છે. સતત ભાજપના નેતા એન્ટી મુસ્લિમ નિવેદન આપતા રહે છે. આરએસએસ, રામ સેના, બજરંગ દળ, શિવસેના સતત ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ નફરતી નિવેદન આપે છે. 

નૂપુર શર્મા પાસે માફીની કરી માંગ
આતંકી સંગઠને પોતાના પોસ્ટરમાં કહ્યું કે નૂપુર શર્મા પોતાનું નિવેદન પરત લે અને વિશ્વની માફી માંગે. બાકી અમે તેની સાથે તે કરીશું જે પયગંબર સાહેબ પર ટિપ્પણી કરનાર સાથે કરવામાં આવે છે. નોંધનીય છે કે આતંકી સંગઠન મુજાહિદીન ગઝવાતુલ હિંદના મુખ્ય પ્રવક્તા ખતાબ કશ્મીરીનું નામ જમ્મુ-કાશ્મીરમાં ઘણા કેસમાં સામે આવી ચુક્યુ છે. થોડા મહિના પહેલાં જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત 5 યુવકોની કાશ્મીર પોલીસે ધરપકડ કરી આતંકી ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. તે બધાએ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેનો હેન્ડલર ખતાબ કશ્મીરી હતો.

આ વચ્ચે દિલ્હી પોલીસે નૂપુર શર્મા અને તેના પરિવારના સભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. શર્માએ જાનથી મારવાની ધમકીની ફરિયાદ કરી હતી. મહત્વનું છે કે નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રૂપે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તે સતત ચર્ચામાં છે. તેની ટિપ્પણીએ નવા વિવાદને જન્મ આપી દીધો છે. ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડવાના આરોપમાં તેની વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news