દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલીસી પર ઘમાસાણ, CBI તપાસની ભલામણ, જાણો શું છે મામલો

એલજી ઓફિસમાંથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે આ રિપોર્ટથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (જીએનસીટીડી) અધિનિયમ 1991, વેપારી લેવડદેવડની નિયમાવલી-1993, દિલ્હી આબકારી અધિનિયમ 2009 અને દિલ્હી આબકારી અધિનિયમ 2010 ના ભંગનો પ્રથમ દ્રષ્ટિએ ખબર પડે છે. જાણો વિગતવાર માહિતી. 

દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલીસી પર ઘમાસાણ, CBI તપાસની ભલામણ, જાણો શું છે મામલો

દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકારની આબકારી નીતિ (એક્સાઈઝ પોલીસી) 2021-22ના નિયમોમાં કથિત ભંગ અને પ્રક્રિયાગત ખામીઓ અંગે સીબીઆઈ તપાસ કરાવવાની ભલામણ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીના મુખ્ય સચિવને આ મહિનાની શરૂઆતમાં સોંપાયેલા રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે. દિલ્હીની નવી એક્સાઈઝ પોલીસીમાં દારૂની દુકાનના ટેન્ટરમાં ગડબડીનો આરોપ છે. મળતી માહિતી મુજબ દિલ્હીની આમ આદમી પાર્ટીની નવી આબકારી નીતિમાં અનેક નિયમોની અવગણના કરતા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા. 

ચીફ સેક્રેટરીના રિપોર્ટ પર  નિર્ણય
એલજી વિનયકુમાર સક્સેનાએ સરકાર વિરુદ્ધ સીબીઆઈ તપાસનો આ મોટો આદેશ દિલ્હીના ચીફ સેક્રેટરીના એક રિપોર્ટ બાદ આપ્યો છે. જેમાં રાજ્ય સરકાર પર નિયમોની અનદેખીની વાત કરાઈ છે. અત્રે જણાવવાનું કે દિલ્હીની નવી આબકારી નીતિઓ અંગે પ્રમુખ વિપક્ષી પાર્ટી ભાજપ સતત આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધી રહી હતી. આવામાં ચીફ સેક્રેટરીના રિપોર્ટ બાદ દિલ્હીના એલજીએ સીએમ કેજરીવાલની સરકાર વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. જે એક મોટી કાર્યવાહી ગણાઈ રહી છે. 

એક્સાઈઝ પોલીસીમાં ક્યાં છે 'ગડબડી'? LG ઓફિસે જણાવ્યું...

એલજી ઓફિસમાંથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે આ રિપોર્ટથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (જીએનસીટીડી) અધિનિયમ 1991, વેપારી લેવડદેવડની નિયમાવલી-1993, દિલ્હી આબકારી અધિનિયમ 2009 અને દિલ્હી આબકારી અધિનિયમ 2010 ના ભંગનો પ્રથમ દ્રષ્ટિએ ખબર પડે છે. 

રિપોર્ટમાં કહેવાયું છે કે દારૂ ઉત્પાદન, હોલસેલર, અને વેચાણ સંલગ્ન કામ એક જ વ્યક્તિની કંપનીને આપવામાં આવ્યું, જે એક્સાઈઝ પોલીસનીનો સીધેસીધો ભંગ છે. આ સાથે જ પોલીસીમાં અનેક પ્રકારની નાણાકીય ખામીઓ પણ ગણાવવામાં આવી છે. અધિકાર ન હોવા છતાં એક્સાઈઝ પોલીસીમાં ફેરફાર કરવામાં આવ્યો તેને લઈને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે દિલ્હી સરકારે કોરોનાના નામ પર દારૂના ઠેકેદારોને પક્ષપાતપૂર્ણ રીતે 144 કરોડ રૂપિયાની છૂટ આપી અને તેનાથી દિલ્હીના રાજસ્વને નુકસાન થયું. 

શું કહેવાયું છે રિપોર્ટમાં?
દિલ્હી સરકાર નવી પોલીસીને કોરોનાની ડેલ્ટા લહેર વચ્ચે લઈને આવી હતી.  જેને 14 એપ્રિલ 2021 અને પછી 21 મે 2021ના રોજ કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી. એલજી  ઓફિસ તરફથી અપાયેલી જાણકારી મુજબ મુખ્ય સચિવના રિપોર્ટમાં કહેવાયું છે કે ખાનગી દારૂ વેપારીઓને ફાયદો પહોંચાડવાના ઉદ્દેશ્યથી સરકારે આ નિર્ણય લીધો, જેના બદલે સરકારમાં સર્વોચ્ચ સ્તરના લોકોને આર્થિક લાભ આપવામાં આવ્યો. 

લાઈસન્સ ફી તરીકે 144.36 કરોડ રૂપિયાની છૂટ
એલજી ઓફિસથી અપાયેલી જાણકારીમાં કહેવાયું છે કે જ્યારે પ્રવાસી કમાણી બંધ થવાના કારણે શહેર છોડી રહ્યા હતા, સ્ટ્રીટ વેન્ડર્સની સામે આજીવિકાનું સંકટ હતું, ઢાબા, રેસ્ટોરન્ટ, હોટલ, જીમ, સ્કૂલ અને બીજા કારોબાર બંધ થઈ રહ્યા હતા, મનિષ સિસોદીયા હેઠળ આવતા એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે કોરોના મહામારીના નામ પર લાઈસન્સ ફી તરીકે 144.36 કરોડ રૂપિયાની છૂટ આપી. 

એલજી ઓફિસની નોટમાં આગળ કહેવાયું છે કે વેપારીઓ, નોકરશાહો અને દિલ્હીના ઉપમુખ્યમંત્રીની વચ્ચે ગઠજોડ હતું. દારૂના લાઈસન્સધારીઓને ફાયદો પહોંચાડવા માટે નિર્ધારિત પ્રક્રિયા અને નિયમોનો ભંગ કરાયો. અરવિંદ કેજરીવાલના રાજનીતિક સંરક્ષણ હેઠળ આબકારી વિભાગ સંભાળનારા મનિષ સિસોદીયાના સ્તરે આ નિર્ણય લેવાયો. 

આમ આદમી પાર્ટીનો જવાબ
દિલ્હીના એલજીના આદેશ બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફન્સ કરીને પ્રતિક્રિયા આપી. કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા દેશભરમાં વધી રહી છે. અમે પહેલા પણ કહ્યું હતું કે પંજાબની જીત બાદ ભાજપની કેન્દ્ર સરકાર અમારાથી ડરેલી છે. આથી આવનારા દિવસોમાં અમારી અનેક પ્રકારે તપાસ કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news