'વાયુ' વાવાઝોડું વેરશે 'વિનાશ': શું વરસાદ ખેંચાશે? ઉત્તર ભારતમાં દુષ્કાળનો ખતરો, ગુજરાતમાં પૂરનું જોખમ?

'વાયુ' વાવાઝોડાના કારણે ઉત્તર ભારતમાં ચોસામું બેસવામાં મોડું થશે તો તેની સૌથી વધુ અસર ખેડૂતોને પડશે, કેમ કે ચોમાસાની ઋતુ ખેંચાવાના કારણે દેશના ખેડૂતો પહેલાથી જ ચિંતિત છે 
 

'વાયુ' વાવાઝોડું વેરશે 'વિનાશ': શું વરસાદ ખેંચાશે? ઉત્તર ભારતમાં દુષ્કાળનો ખતરો, ગુજરાતમાં પૂરનું જોખમ?

નવી દિલ્હીઃ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દેશમાં આ વખતે ચોમાસું એક સપ્તાહ મોડું શરૂ થયું છે. આ દરમિયાન હવે એક 'વાયુ' નામની એક નવી મુસિબત આવી છે. અરબી સમુદ્રમાં જન્મેલું 'વાયુ' નામનું વાવાઝોડું તેજ ગતીએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની અસર સમગ્ર દેશ પર પડી શકે છે. હવામાન ખાતાને એ ચિંતા થઈ ગઈ છે કે, આ 'વાયુ' વાવાઝોડું ક્યાંક દેશમાં જામેલા ચોમાસાના વાદળોને પણ પોતાની સાથે ખેંચીને ન લઈ જાય. જો, આમ થશે તો તેની સૌથી વધુ અસર ઉત્તર ભારતમાં થશે. 

ખેતીને અસર, દુષ્કાળના ડાકલાં 
જો 'વાયુ' વાવાઝોડાના કારણે ઉત્તર ભારતમાં ચોસામું બેસવામાં મોડું થશે તો તેની સૌથી વધુ અસર ખેડૂતોને પડશે, કેમ કે ચોમાસાની ઋતુ ખેંચાવાના કારણે દેશના ખેડૂતો પહેલાથી જ ચિંતિત છે. ગયા વર્ષે પણ દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે અનેક જળાશયો અત્યારથી ખાલી થઈ ગયા છે કે પછી તેમનું જળસ્તર ઘણું જ નીચે જતું રહ્યું છે. હવે, જો આવી સ્થિતિમાં વરસાદ નહીં પડે તો ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા સર્જાશે. જેના પરિણામે ઉત્તર ભારતમાં દુષ્કાળની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. 

વાયું વાવાઝોડું વેરાવળથી માત્ર 350 કિમી દૂર, રૌદ્ર રૂપ દેખાયું, 23 તાલુકામાં પડ્યો વરસાદ

ગુજરાતમાં હાઈએલર્ટ 
'વાયુ' વાવાઝોડું અરબી સમુદ્રમાં 135 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે 13 જુનના રોજ સવારે અથવા બપોર સુધીમાં ગુજરાતના સમુદ્ર કાંઠાના વિસ્તારો વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કંડલા, ભાવનગર અને અન્ય નાના બંદરો પર અસર કરે તેવી સંભાવના છે. વાવાઝોડાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની પવનની સાથે ધોધમાર વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે. 

મુંબઈમાં પણ અસર 
'વાયુ' વાવાઝોડું અરબી સમુદ્રમાં પેદા થયું હોવાના કારણે તેની અસર મુંબઈના સમુદ્રકાંઠાના વિસ્તાર પર પણ થવાની સંભાવના છે. મુંબઈના સમુદ્રકિનારાના વિસ્તારોમાં તોફાની પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પણ સમુદ્રની નજીક ન જવાની સલાહ અપાઈ છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news