અકસ્માતમાં મહિલાનું મોત, એક હજારથી વધુ લોકોનું ટોળું ઉતર્યું રસ્તા પર
સુરતના ઓલપાડ રોડ પર એક કાર ચાલકે 4 લોકોને ટક્કર મારતાં 1 મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુ રહેતા ગ્રામવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો બંધ કરી તાત્કલિક ધોરણે રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવાની માંગણી કરી હતી.
Trending Photos
ચેતન પટેલ/ સુરતઃ સુરતના ઓલપાડ ગામ પાસે આજે સવારે એક પુરપાટ ઝડપે જતી કારના ચાલકે એકટીવા પર સવાર ત્રણ લોકો તથા રસ્તો ક્રોસ કરી રહેલી એક મહિલાને અડફેટે લીધા હતા. કારની ટક્કરથી એકટીવા 10 ફુટ ઉંચું ફંગોળાયું હતું અને નજીકના ખાડામાં જઈને પડ્યું હતું. એક્ટિવા પર જઈ રહેલા ત્રણ લોકોમાંથી એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટનાની સાથે જ ઓલપાડ વિસ્તારના આસપાસના તમામ ગામના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અંદાજે એક હજારથી વધુ લોકોએ રસ્તા પર ઉતરી આવી સુરત-ઓલપાડના હાઇવે પર બાંબુ મુકીને રસ્તો બંધ કરી દીધો હતો. લોકો એક જ માગ હતી કે, આ રસ્તા પર તાત્કાલિક ધોરણે રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવામાં આવે. આ અગાઉ પણ ગ્રામવાસીઓ દ્વારા સ્પીડ બ્રેકર બનાવવા માટે અનેક વખત અરજીઓ કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા તેમની અરજી પર ધ્યાન અપાયું નથી.
આ રસ્તા પર અત્યાર સુધીમાં 45 થી 50 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. અકસ્માત અને પછી રસ્તો ચક્કાજામ કરાયાની જાણ થતાં ઓલપાડ પોલીસે ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગ્રામવાસીઓ તાત્કાલિક ધોરણે સ્પીડબ્રેકર બનાવવાની વાતે અડગ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ રસ્તા પર જ રાખવામાં આવશે.
ગ્રામજનોની માગ સામે પોલીસને પણ હથિયાર હેઠા મુકવા પડ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી રસ્તો બંધ રહ્યા બાદ અહીંના મામલતદારને દોડીને આવવાની ફરજ પડી હતી. તેઓ તેમની સાથે ઈજનેરને પણ લઈને આવ્યા હતા. તેમણે આશ્વાસન આપ્યું કે, બે દિવસમાં સ્પીડબ્રેકર તથા 15 દિવસની અંદર રીફલેકટર લગાવી દેવામાં આવશે.
તંત્રના જવાબદાર અધિકારીઓ તરફથી આશ્વાસન મળ્યા બાદ ગ્રામવાસીઓએ મૃતક પાલીબેનના મૃતદેહને સિવલિ હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે