કોર્ટની શરતનો ભંગ કરીને લંપટ આસારામે રાખ્યો ગુપ્ત સત્સંગ, અનુયાયીઓ પણ પહોંચ્યા
Asarams Satsang In Gujarat : જામીન પર 12 વર્ષે છુટીને આવેલા આસારામ ગુજરાત પહોંચ્યો... પાલનપુર ઉપરાંત મહેસાણામાં આસારામની સભા યોજાઈ... સુપ્રીમ કોર્ટે આસારામને તેમના અનુયાયીઓને ન મળવાની સૂચના આપી છે, છતાં સભા યોજાઈ
Trending Photos
Mehsana News : બળાત્કાર કેસના દોષિત આસારામ જેલમાંથી બહાર આવ્યાના 9 દિવસ બાદ તેના જોધપુરના આશ્રમથી ગુજરાત આવી પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં બે સ્થળે આસારામની સભા યોજાતા વિવાદ ઉઠ્યો છે. બનાસકાંઠા અને મહેસાણામાં આસારામની સભા યોજાતા ચર્ચા ઉઠી છે. બંને સભામાં આસારામના અનુયાયીઓ પહોંચ્યા હતા. બનાસકાંઠાના પાલનપુર અને મહેસાણામાં લંપટ આસારામનો સત્સંગ યોજાયો હતો. જ્યાં અનુયાયીઓ પણ સભામાં પહોંચ્યા હતા.
પાલનપુરમાં સભા થતા આયોજકોની અટકાયત કરાઈ
દુષ્કર્મ કેસનો આરોપી આસારામ સારવારના નામે જામીન લઈન બહાર નીકળ્યો છે. કોર્ટે એ શરતે જ જામીન આપ્યા હતા કે આસારામે કોઈ ધાર્મિક કાર્યક્રમ કરવો નહીં. સાથે જ ભક્તો સાથે મુલાકાત ન કરવી. ત્યારે જોધપુરની જેલમાંથી સારવારના નામે જામીન લઈને બહાર આવેલો આસારામ બનાસકાંઠાના પાલનપુર પહોંચ્યો હતો. જ્યાં તેણે મહેશ્વરી હોલ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ કર્યો હતો. જે કાર્યક્રમના ફોટો પણ સામે આવ્યા છે. જેમાં લંપટ આસારામ સત્સંગ કરતો દેખાઈ રહ્યો છે. ત્યારે આ સત્સંગ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી. પરંતુ પોલીસ આવતી હોવાની જાણ થતાં લંપટ આસારામ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસ પરવાનગી વગર જ આસારામના સત્સંગનો કાર્યક્રમ કર્યો હોવાથી પોલીસે આયોજકોની અટકાયત કરી હતી અને સત્સંગ અંગે પૂછપરછ હાથ ધરી હતી.
મહેસાણામાં પણ યોજાઈ સભા
પાલનપુર બાદ મહેસાણામાં આસારામની ગુપ્ત સભા થઈ હતી. આસારામની ગુપ્ત રીતે મહેસાણામાં મુલાકાત થઈ હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના અનુસાર, આસારામ રાત્રિ દરમ્યાન આશ્રમ પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં અનુયાયી આશ્રમ પહોંચ્યા છે. રાત્રે અનુયાયીયો દ્વારા લોકોના ફોન બંધ કરી સભા કરાઈ હતી. ફોટો કે વીડિયો નહિ લેવાની અપાઈ સૂચના સાથે સભા યોજી હતી.
12 વર્ષમાં પ્રથમ વખત જામીન મળ્યા, અનુયાયીઓને ન મળવાની સૂચના
ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર બળાત્કારના કેસમાં 7 જાન્યુઆરીએ આસારામને સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આસારામને તેમના અનુયાયીઓને ન મળવાની સૂચના આપી હતી. આ પછી જોધપુર રેપ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 14 જાન્યુઆરીએ 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન આસારામને દેશના કોઈપણ આશ્રમમાં રહેવાની છૂટ આપવામાં આવી છે. તે હોસ્પિટલ કે આશ્રમમાં પણ સારવાર કરાવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે