અંધેર વહીવટના કારણે ગુજરાતમાં આ જગ્યાએ 30 હજાર વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું!
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા મહાનગર પાલિકાએ મિશન મિલિયન ટ્રી અભિયાનમાં વાવેલા 30 હજાર વૃક્ષો કાપી નાખવાનો વારો આવ્યો છે. મહાનગર પાલિકાના અંધેર વહીવટના કારણે 5 વર્ષ સુધી સાચવેલા વૃક્ષોનું આજે નિકંદન કાઢવાનો નિર્ણય લેવો પડ્યો છે..
વડોદરા મહાનગર પાલિકાએ 2017માં સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાં મિશન મિલિય ટ્રી અભિયાન હાથ ધર્યું હતું અને શહેરમાં 30 હજાર કોનોકાર્પસ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. 5 વર્ષ પછી ખબર પડી કે આ વૃક્ષ કોઈક ફાયદાકારક નથી. કોનોકાર્પસનું વૃક્ષ કાયમી લીલુંછમ રહે છે પણ ઑક્સિજન આપતું નથી અને જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનું શોષણ કરે છે, જેના કારણે આ વૃક્ષો કાપી નાખવાના વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ નિર્ણય લીધો છે..
તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવે શહેરના મોટાભાગમાં રોડ ડીવાઈડર પર કોનોકાર્પસ વૃક્ષો વવડાવીને શહેરને હરિયાળું કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કોનોકાર્પસના કારણે જે હયાત વૃક્ષો હતા તે પણ બળી ગયા. જોકે એ વખતે શહેરને હરિયાળું બનાવવા 30 હજાર વૃક્ષો પાછળ અંદાજિત 15 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જોકે આજે કોર્પોરેશનના અણઘડ વહીવટના કારણે આ વૃક્ષો કાઢી નાખવાનો નિર્ણય લેવો પડ્યો છે તેવો વિપક્ષે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોનોકાર્પસ વૃક્ષ પાછળ કરેલ ખર્ચ અધિકારીઓના પગારમાંથી વસૂલવા માંગ કરી છે. તો નાગરિકો પણ કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે.
પાંચ પાંચ વર્ષ સુધી 1 કરોડનો કોન્ટ્રાક્ટ આપીને આ વૃક્ષોને પાણી પીવડાવવા આવ્યું, હવે આ વૃક્ષો કાઢી નાખવાનો વારો આવ્યો છે. ત્યારે આ સમગ્ર બાબત માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે